ભચાઉમાં રોંગસાઈડમાં આવેલા ટ્રેઈલરે સર્જ્યો ગંભીર અકસ્માત : એકનું મોત
ગાંધીધામ તરફ જતા રેતી ભરેલા ઓવરલોડ વાહને સર્વિસ રોડ પર ગાડી હંકારી બાઈકને ઉડાવી ટેકરા પર ચડી ગઈ : ઝુપડામાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો : મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા
ભચાઉ : શહેરમાં નવા બસ સ્ટેશન પાસે આજે બપોરે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં રોંગ સાઈડમાં આવેલા ટ્રેઈલરે ગંભીર અકસ્માત સર્જી બાઈકને હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જેને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નવા બસ સ્ટેશનની બાજુમાં સર્વિસ રોડ પર આ બનાવ બન્યો હતો. સંભવતઃ ગાંધીધામ તરફ જતા ટ્રેઈલરે આ અકસ્માત સર્જયો હતો. સર્વિસ રોડ પર રેતી ભરીને પસાર થતા આ વાહનના ચાલકે કાબુ ગુમાવતા પસાર થતા બાઈકને હડફેટે લેતા ઘટના સ્થળે ગંભીર ઈજાઓના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રેઈલર ચાલકે બાઈકને ઉડાવી આગળ ગાડી હંકારી ટેકરા પર ગાડી ચડી અને માંડ અટકી હતી. અહીં ઝુપડામાં રહેતા પરિવારનો આકસ્મિક બચાવ થયો હતો. બનાવને પગલે લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ચાલકને ઈજાઓ થઈ હતી. આ લખાય છે ત્યારે પોલીસ કાર્યવાહી ચાલુમાં હોવાથી વધુ વિગતો મળી શકી નથી.
..........
ઘરની ધોરાજી..... અકસ્માત સર્જનાર ટ્રેઈલરમાં ત્રણેય નંબર પ્લેટ અલગ-અલગ
આરટીઓ દ્વારા વાહનમાં નંબર આપવામાં આવે છે જે એક સમાન હોય પરંતુ અકસ્માત સર્જનાર ટ્રેઈલરનું અવલોકન કરતા ત્રણેય દિશામાં લાગેલી અલગ અલગ નબર પ્લેટ લાગેલી જોવા મળી છે. આગળના ભાગે એચએસઆરપી નંબર પ્લેટ છે. જેમાં જી.જે.૧ર.બીવાય ૧૦૦૩ નંબર લખેલા છે. જયારે સાઈડના ઠાઠામાં પેઈન્ટીંગથી જી.જે.૧ર.એ.વાય. ૧૦૦૩ નંબર લખેલા છે, જે સીરીઝ અલગ છે. જયારે પાછળના ભાગે એચએસઆરપી નંબર પ્લેટ જ નથી તેમાં જી.જે.૧ર.એ.ઝેડ. ૮૦૬૪ નંબર લખેલા છે. જેથી સાચી નંબર પ્લેટ કઈ તે દિશામાં સવાલ ઉઠવા પામ્યા છે.
...........
પોલીસ અને આરટીઓ માત્ર હપ્તો ઉઘરાવવા ઉભી રહેતી
હોવાનો આક્ષેપ : ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં સુષુષ્ત
ભચાઉના નવા બસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટના હવે રોજીંદી બની છે. દરરોજ નાના મોટા બનાવો અહીં બનતા હોવાથી અકસ્માત ઝોન તરીકે આ વિસ્તાર જાણીતો થયો છે. જયારે જયારે અકસ્માત થાય ત્યારે લોકોમાં રોષ ફાટી નિકળે, બે દિવસ પોલીસ ચોકડી પર ઉભી રહે પણ કાર્યવાહી શુન્ય છે. ભારે વાહનોના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર અને માત્ર પોલીસ તથા આરટીઓ હપ્તો ઉઘરાવવા માટે ચોકડીએ ઉભા રહે છે. પરંતુ લોકોના જીવની કોઈ પરવાહ નથી તેવું ઘટના સ્થળેથી આક્રોશીત લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું. અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે તમામ હકીકતથી વાકેફ હોવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી જેથી લોકોમાં નારાજગી ફેલાઈ રહી છે. અહીંથી પસાર થવું એટલે યમરાજના મુખમાં હાથ નાખવા સમાન છે. કારણ કે ગમે ત્યારે ગમે ત્યાંથી ધસમસતા ટ્રેઈલરો આવે અને નાના વાહન ચાલકોને ઉડાવી રાહદારીઓને હડફેેટે લે છે. આટલી બધી ઘટનાઓ બનતી હોવા છતાં ભચાઉ પોલીસ, જિલ્લા ટ્રાફીક પોલીસ, આરટીઓ તેમજ સબંધીત તંત્રોના પેટનું પાણી કેમ હલતું નથી તે એક મોટો સવાલ છે. ? શું તંત્ર કેરા જેવા ગોઝારા અકસ્માતની રાહ જુએ છે કે પછી ? વગદારોના ઈશારે કોઈ કાર્યવાહી થતી નથી ? ઉપરથી નીચે સુધી ભાજપ સરકાર હોવા છતાં સતત અકસ્માતોની વણજારે અનેક પરિવારોને ખંડીત કર્યા છે.
............
કાર્યવાહી નહીં થાય તો ચક્કાજામની ચીમકી
અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર અને ગાડી માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો ભીમા કોરેગાંવ સેનાના પ્રમુખ સુરેશ કાંઠેચા દ્વારા ભુજ - ભચાઉ હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ છે. ભારે વાહનોના ચાલકો બેફામ ગાડી હંકારતા હોવાથી અકસ્માતો વધી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં હવે રોષ ફેલાયો છે.
...........

Comments