Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના માંડવીથી અમદાવાદ વચ્ચે એરટેક્સી ઉડાન ભરશે 

25 February





કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં એરટેક્સીની સુવિધા શરૂ કરવા વિચારણા : ટ્રાયલ સાઈટ તરીકે કચ્છમાં માંડવી શહેરની કરાઈ પસંદગી : ડિરેકટોરેટ ઓફ સિવિલ એવિએશન અને નિષ્ણાંતોની ટીમે લીધી ગુજરાતની મુલાકાત : ટ્રાયલ સાઈટમાં આંધ્રપ્રદેશના બે શહેરોનો પણ સમાવેશ 



ભુજ : વિશ્વના વિકસીત રાષ્ટ્રોની જેમ ભારતમાં એરટેકસીની સેવા કરવા કેન્દ્ર  સરકારે વિચારણા શરૂ કરી છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશભરમાં ચાર ટ્રાયલ સાઈટની પસંદગી કરી છે, જેમાં કચ્છના બંદરીય શહેર માંડવીની પસંદગી કરી છે. પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને કચ્છના માંડવી વચ્ચે ઈલેકટ્રીક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફટ ઉડશે. અમદાવાદના સાબરમતી રિવરફન્ટ પરથી માંડવી સુધી એરટેક્સી ઉડાવવામાં આવશે, જેમાં બેથી છ જેટલા વ્યક્તિઓ હવાઈ મુસાફરી કરી શકશે. 
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર સરકારના એવિએશન વિભાગ દ્વારા વિકસીત રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ એરટેકસીની સુવિધા શરૂ કરવા વિચારણા હાથ ધરી છે. કચ્છ માટે આનંદદાયક બાબત એ છે કે, આ એરટેકસી ઉડાવવા માટે ટ્રાયલ સાઈટ તરીકે કચ્છના બંદરીય શહેર માંડવીની પસંદગી કરવામાં આવી છે. 
વિતેલા બે દશકમાં કચ્છ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં દેશ - વિદેશના સહેલાણીઓને આકર્ષવાની તાકાતને પિછાણી કચ્છમાં પ્રવાસનને વેગ આપવા કવાયત હાથ ધરી હતી. કચ્છમાં શરૂ કરાયેલ કચ્છ રણોત્સવ બાદ કચ્છ જિલ્લામાં પ્રવાસન ઉધોગ વિકસીત થયો છે. ધોરડોના સફેદ રણમાં જી-ર૦ રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધિ મંડળની બેઠક બાદ ખુબ ખ્યાતિ મળી છે. હાલે કચ્છના ૩ પ્રવાસન સ્થળો ધોરડો ગામ, ધોળાવીરા અને સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. પ્રવાસનની સાથે આવગમન માટે માળખાગત સુવિધાઓનો ક્રમશઃ વધારો થયો છે. તેમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક સોપાન ઉમેરવામાં આવી રહ્યું છે. ભારતમાં સર્વપ્રથમ વખત શરૂ થવા જઈ રહેલ પર્યાવરણને અનુકુળ એવી એરટેકસીની સેવાની ટ્રાયલ સાઈટ તરીકે કચ્છના માંડવીની પસંદગી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં જ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટથી માંડવી સુધી ઈલેકટ્રીક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ એરક્રાફટ ઉડશે. આ એરક્રાફટ પર્યાવરણને અનુરૂપ હોય છે. બેટરી આધારિત હોવાથી તે ઘોંઘાટ કરતું નથી. તેને ઉડાળવા રનવેની પણ જરૂરત હોતી નથી. તે હેલિકોપ્ટરની જેમ ઉડી શકે છે. એકવખત ચાર્જ થયા બાદ રપ૦ કિલોમીટર સુધી ઉડી શકે છે. આ એર ટેકસીમાં બેથી માંડી છ વ્યક્તિઓ બેસી શકે છે. સેન્સર અને આધુનિક સોફટવેરથી સજ્જ હોવાથી તે હેલિકોપ્ટર કરતાં વધુ સલામત હોય છે, જેની પુષ્ટિ કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગના રિપોર્ટમાંં પણ કરવામાં આવી છે. 




.............


ચાર ટ્રાયલ સાઈટની પસંદગી 



કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે ભારતમાં એરટેકસીની સેવા શરૂ કરવા માટે ચાર ટ્રાયલ સાઈટ પસંદગી કરી છે, જેમાં ગુજરાતમાંથી કચ્છના માંડવી અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. અન્ય બે ટ્રાયલ સાઈટ માટે આંધ્રપ્રદેશ રાજ્યના  બે શહેરોની પસંદગી કરવામાં આવી છે. જો ટ્રાયલમાં સફળતા મળશે તો આગામી એકાદ બે વર્ષમા ભારતમાં એરટેકસી શરૂ કરાશે તેવું અનુમાન છે. 


નિષ્ણાતોની ટીમે મુલાકાત લીધી 


ભારતમાં એરટેકસી સેવાના ટ્રાયલ માટે ગુજરાત રાજ્યમાંથી માંડવી અને અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે. બેટરી આધારીત નેચર ફ્રેન્ડલી એરક્રાફટ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટથી કચ્છના માંડવી વચ્ચે ઉડાન ભરશે. સ્થળ પસંદગી થયા બાદ કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે પ્રારંભિક તૈયારીઓ હાથ ધરી છે તે માટે ડિરેકટોરેટ ઓફ સિવિલ એવિશએશન ઉપરાંત નિષ્ણાતોની એક ટીમે ગુજરાતના બંને સ્થળોની મુલાકાત લીધી છે. 


એરક્રાફટની વિશેષ ખાસિયત 



અમદાવાદ અને માંડવી વચ્ચે ઉડાન ભરનાર ઈલેકટ્રીક વર્ટિકલ ટેક એન્ડ લેન્ડિંગ (ઈ- વીટીઓએલ)ની ખાસિયત છે કે, તે બેટરી આધારીત એરક્રાફટ છે. તેને ઉડાન ભરવા કે લેન્ડિંગ  માટે રન-વેની જરૂરત હોતી નથી. તે હેલિકોપ્ટરની જેમ ઉડાન ભરી શકે છે. બેટરી આધારિત હોવાથી નેચર ફ્રેન્ડલી છે. એક વખત ચાર્જ થયા બાદ રપ૦ કિ.મી. સુધી ઉડી શકે છે. સેન્સર અને આધુનિક ટેકનોલોજીથી સજજ હોવાના  કારણે હેલિકોપ્ટરથી વધુ સલામત છે. જો કે, પહાડી વિસ્તારો પરથી ઉડાડવું જોખમી છે. 


 

Comments

COMMENT / REPLY FROM