ભુજની બેંક ઓફ બરોડામાં ચાર કર્મચારીઓએ ૮.૩૬ લાખની ઉચાપત કરી
બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ
ભુજ : ભુજમાં સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની મેઈન બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયદીપ ક્ષેમેન્દ્રકુમાર શર્માના જણાવ્યા પ્રમાણે તેમની બેંકમાં રિઝર્વ બેંકનો કરન્સી ચેસ્ટ વિભાગ આવેલો છે. જેમાં કચ્છની બેંક ઓફ બરોડાની ૪૩ બ્રાન્ચ તથા અલગ અલગ ચારથી પાંચ બેંકની કરન્સી આવતી હોય છે. આ કરન્સી ચેસ્ટમાં તેમની બેંકના કર્મચારી અશોકકુમાર અને સચિન મિરાણી કામ કરે છે. તેઓ નાણાનું સોર્ટિંગ કરી આરબીઆઈમાં રિપોર્ટ મોકલાવે છે. આ કરન્સી ચેસ્ટમાં જે કર્મચારીઓ કામ કરે છે તેઓએ રોજે રોજ જે નાણા આવે તેનું સોર્ટિંગ કરી રિ-ઈસ્યૂએબલ નોટ બજારમાં ઉપયોગમાં માટે બેન્કની આપવાની હોય છે જ્યારે નોન-ઈસ્યૂએબલ નોટ આરબીઆઈને પરત આપવાની હોય છે. બેંકમાં વર્ક લોડ વધી જતા સોર્ટિંગની કામગીરી માટે એસઆઈએસ કેસ સર્વિસ પ્રા.લિ. કંપનીને બે ઓગસ્ટથી કોન્ટ્રાક્ટ અપાયો હતો. એજન્સી વતી રાહુલ રાઠોડ અને સાવન ડાવર કામગીરી સંભાળતા હતા. આ ચારેય કર્મચારીઓનું કામ નાણાનું સોર્ટિંગ કરવાનું છે. દરમિયાન પાંચ ડિસેમ્બરના આરબીઆઈ દ્વારા બેંક મેનેજરને જાણ કરાઈ કે, ૧૮ નવેમ્બરના પ૦૦ના દરની ૧રર૩ નોન-ઈસ્યૂએબલ નોટ ઓછી આવી છે. સ્થાનિકે ગણતરી કરતા ૪ર૭ નોટ ઓછી જણાઈ હતી. એજ દિવસે રાજકોટ ઓફિસથી ઈન્સ્ફેકશન આવ્યું અને તેઓ દ્વારા ગણતરી કરવામાં આવી જેમાં પણ ૧૦,ર૦,૧૦૦ ના દરની નોન-ઈસ્યૂએબલ નોટ ઓછી જણાઈ હતી. આ ચારેય કર્મચારીઓએ ૮,૩૬,૯ર૦ ની નોન-ઈસ્યૂએબલ નોટની ઉચાપત કરી હતી. આરબીઆઈએ નિયમ પ્રમાણે પેનેલ્ટી સાથે બેંક પાસેથી ૧૭,૪૯,૦ર૦ રૂપિયા વસૂલ કર્યા હતા. જે પૈકી કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ ૧૧,૭૭,૮ર૦ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા છે. તેમજ બેંકના મેનેજર અશોકકુમાર અને સચિન મીરાણીએ અઢી-અઢી લાખ જમા કરાવ્યા હતા. હજુ ૭૧,ર૦૦ જમા કરાવાના બાકી છે. આ બાબતે કોલેજ રોડ પર આવેલ રિઝનલ ઓફિસમાં જાણ કરવામાં આવી હતી. રિઝનલ ઓફિસ દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા ગુનો દાખલ કરાવાયો છે.

Comments