જરારવાડીમાં ઐતિહાસિક વારસો છતાં વિકાસથી વંચિત નાગરિકો
ભુજ : તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા હોડકા ગ્રામ પંચાયત અંતર્ગત એક ઐતિહાસિક ગામ છે. આ ગામની વસ્તી માત્ર ૨૨ ઘરોથી બનેલી છે અને મુખ્ય માર્ગથી માત્ર ૩ કિલોમીટરના અંતરે હોવા છતાં, આજે પણ વિકાસથી વંચિત છે. પાંકા માર્ગોની અછત અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ એ ગામ માટે એક ગંભીર સમસ્યા બની છે.વરસાદી મોસમ હોય કે તાપમાનનો તીવ્ર જોર, ગામના રહેવાસીઓને હંમેશા અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોઈ ગંભીર બીમારી થાય તો દર્દીને તાત્કાલિક સારવાર માટે લઈ જવી મુશ્કેલ બની જાય છે. ગામ સુધી એમ્બ્યુલન્સ જેવી અગત્યની સેવાઓ સમયસર પહોંચી શકતી નથી.જરારવાડી ગામના પઠાણ ભચાભાઈ વર્ષોથી પોલીસ
પગી તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે પઠાણ મામદ્રીમ પોલીસ પગી અને પઠાણ કારા મામદ્રીમ પોલીસ કોટવાલ વર્ષો સુધી દેશની સેવા કરી. આ ઉપરાંત પઠાણ મીઠાબાઈ ભરત હસ્તકલાના કુશળ કારીગર હતા અને તેમને ઈન્દિરા ગાંધીના હસ્તે નેશનલ હેન્ડિક્રાફટ એવોર્ડ મળ્યો હતો. તેમના દ્વારા બન્ની હસ્તકલા દેશ-વિદેશમાં જાણીતિ બની છે.કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ના સૂત્ર સાથે દેશ-વિદેશના પર્યટકો કચ્છની મુલાકાત લે છે. અહીંના સાંસ્કૃતિક વારસાને જોવા માટે વિદેશી સહેલાણીઓ જરારવાડી ગામમાં આવે છે, પરંતુ સરકારી આંકડાઓમાં કે ટુરિઝમ યોજનામાં ગામનો ઉલ્લેખ નથી. રસ્તાઓ ન હોવાના કારણે સહેલાણીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જરારવાડી ગામે અનેક પ્રતિભાશાળી કલાકારોને જન્મ આપ્યો છે. જગપ્રસિદ્ધ મોર ચંગ વાઘક તથા કચ્છી લોક સંગીત સૂર શાળા ના કલાકાર પઠાણ સામંત સાજણ નરેન્દ્ર મોદીને મોર ચંગ સંભળાવી ચુક્યા છે અને ત્યારે શ્રી મોદીએ તેમની પીઠ થાબડી ચુક્યા છે તેઓ દેશના મોરચંગના ઉસ્તાદ હતા, પરંતુ ગરીબી અને નાબૂદીના કારણે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા. આ લોકવૈયકલા અને વારસાને બચાવવી સરકારની નૈતિક જવાબદારી છે.
ગુજરાત મોડલ અને વિકાસશીલ ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ આજે જરારવાડીના લોકો માર્ગસુવિધાથી વંચિત છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ હોવા છતાં, અહીંના લોકો હજી પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે.આ વિસ્તારમાં ગામ માટે પાંકા રસ્તાઓના વિકાસ માટે તાત્કાલિક આયોજન કરવું જોઈએ, તાત્કાલિક એમ્બ્યુલન્સ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપી, ટૂરિઝમ ડેવલપમેન્ટ માટે પગલાં ભરવા જોઈએ, બન્ની વિસ્તારના સફેદ રણની સાથે જરારવાડી ગામને પણ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આજના સમયમાં પણ જો કોઈ ગામ માર્ગ વિહોણું રહે, તો તે આપણા પ્રજાસત્તાક માટે શરમજનક છે. આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં ન આવે, તો સ્થાનિક નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. સરકાર અને સંબંધી તંત્રોએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી, ગામ માટે બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

Comments