Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ધોરીમાર્ગો પર ગેરકાયદેસર ખાનગી વાહાનોની ‘મોતની મુસાફરી’ પર અંકૂશ ક્યારે ? 

23 February

કાયદાના રક્ષકોની ‘સંવેદના’ સુકાઈ ગઈ કે શું ?




તંત્રન રહેમનજર તળે માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર : માસિક હપ્તારૂપી બેડીઓ તંત્રને અટકાવે છે નિયમાનુસાર કામગીરી કરતા : જાગૃત નાગરિકોની વેધક ટકોર 



ભુજ : ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું હશે. શુક્રવારે મુન્દ્રાથી ઉપડેલી સિતારામ ટ્રાવેલ્સની ખાનગી બસમાં સવાર થઈ ભુજ તરફ જવા નીકળેલા છ હતભાગી મુસાફરોએ વિચાર્યું પણ નહીં હોય કે આ સફર તેમની જિંદગીની અંતિમ સફર બની રહેશે. મુન્દ્રાથી નીકળી કેરા સમીપે પહોંચેલી હકડેઠઠ ભરેલી ખાનગી મિની લકઝરી બસની રોડ પર સામે બાજુએથી આવી રહેલા ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં જ બસનો બુકડો થઈ ગયો હતો. આ ટક્કર એટલી જોશભેર થઈ હતી કે, બસનો આગળનો ભાગ ચિબાઈ ગયો હતો. ખાનગી મુસાફર વાહનના ગમખ્વાર અકસમાતની કચ્છમાં આ પ્રથમ ઘટના નથી. જિલ્લાના ધોરીમાર્ગ પર બેફામ દોડતા ખાનગી મુસાફરવાહનોના અકસ્માત સમયાંતરે સર્જાતા રહે છે. અનેક નિર્દોષ લોકોએ તેમાં પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકોએ કાયમી ખોડપણનો ભોગ બની પરાવલંબી જીવન જીવી રહ્યા છે. જિલ્લામથક ભુજ જ નહીં કચ્છના દસેય તાલુકા મથકો પરથી લોકલ રૂટ પર ખાનગી મુસાફર વાહનો દોડતા રહે છે. જેમાં મિની લકઝરી બસથી માંડી તૂફાન, બોલેરો, છકડો રિક્ષા સહિતના વાહનોનો સમાવેશ થાય છે. નિયમ મુસાફરોની ક્ષમતા કરતા બે ગણા કે ત્રણ ગણા વધુ મુસાફરોને ઠાંસી ખાનગી વાહનો યમદૂત બની દોડતા રહે છે. જિલ્લામાં ખાનગી મુસાફર વાહનનો વ્યવસાય ધીકતો ધંધો ગણાય છે. એક વખત વાહન ખરીદી લીધા પછી પોલીસ અને આરટીઓ તંત્ર સાથે સાંઠગાંઠ કરી પટ્ટામાં વાહનને દોડતા કરી દેવાય છે. નવ શિખાઉ કે માન્ય બેઝ ગગરના ડ્રાઈવરોના હાથમાં વાહન સોંપી દેવામાં આવે છે. વધુને વધુ પેસેન્જર ભરી લેવાની લ્હાયમાં આવા ખાનગી વાહનો રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા હોય છે. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સાથે માસિક હપ્તાની રકમ નિર્ધારિત થયેલી હોવાથી ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારીઓની નજર સામે દોડતા વાહનોને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. મહિનામાં એક વખત માત્ર જો હપ્તાની રકમ પહોંચી ન હોય તો જ વાહનને પોલીસ અટકાવે છે. બાકીના દિવસોમાં જાણે ઘેટાં-બકરાંની જેમ મુસાફરોને ઠાંસીઠાંસી ભરીને દોડવાનું લાઈસન્સ મળી ગયું હોય તેમ સરેઆમ નિયમોનો ઉલાડિયો કરી દોડતા રહે છે. છેલ્લા થોડા વર્ષોથી એસટી તંત્ર દ્વારા ભૂતકાળની સરખામણીએ લોકલ રૂટ પર બસો ઓછી કરી દેવામાં આવી છે. જે લોકલ બસો દોડે છે તે મોટાભાગે વિદ્યાર્થીઓ કે દૈનિક પાસવાળા લોકો માટે જ દોડતી હોય તેવું જણાય છે. એસટી તંત્રને જાણે લોકલ રૂટ પર રસ જ ન હોય તેમ ‘કાળા પાટીયા’ વાળા અનેક રૂટ ક્રમશઃ બંધ કરી દેવાયા છે. ભુજથી ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ, નખત્રાણા, નલિયા તરફ જવા એસટીની લોકલ બસ ભાગ્યે જ મુસાફરોને મળે છે. એસટીની અપૂરતી સેવાના કારણે આ રૂટો પર દોડતા ખાનગી મુસાફર વાહનોને ધૂમ મુસાફરો મળી રહે છે. લોકો પણ એસટીની સસ્તી બસ ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે જીવને જોખમમાં મૂકી ખાનગી વાહનોમાં સફર કરતા હોય છે. ૧પથી ર૦ મુસાફરોની પાર્સિંગ ધરાવતી મિનિ બસોમાં પ૦થી વધુ મુસાફરોને ભરવામાં આવે છે. તુફાન જેવા વાહનમાં ડ્રાઈવર ઉપરાંત ૧પ વયસ્ક મુસાફરો અને બાળકોને બેસાડવામાં આવે છે. અંતિરયાળ ગામોમાં તો માલસામાન ભરવાની જીપોમાં મુસાફરોને ભરવામાં આવે છે. ભુજથી પાવરપટ્ટી કે ખાવડા તરફ જતા વાહનોમાં બહાર લટકતા મુસાફરોને લઈ ટ્રાફીક પોઈન્ટ પાસેથી જ વાહનો દોડતા હોય છે પરંતુ દર મહિને ‘પ્રસાદી’ મળી જતી હોવાથી આવા વાહનોને કોઈ રોકતું નથી. અંધેરી નગરી અને ગંડુરાજા જેવા તાલથી અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે અને લોકોના જીવનનો અકાળે અંત આવી જતો હોય છે. આવી કોઈ ઘટના બને તો થોડા દિવસ તંત્ર દ્વારા કડકાઈ દેખાડવામાં આવે છે પણ થોડા દિવસોમાં જ ફરી જૈસે થેની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસ અને આરટીઓ તંત્રની નજર સમક્ષ જ યમદૂત સમાન વાહનો દોડતા રહે છે પણ માસિક હપ્તારૂપી ઉપરી આવકની બેડીઓ કાયદાના રક્ષકોને જ કાર્યવાહી કરતા રોકે છે તેવું જાગૃતિ નાગરિકો જણાવી રહ્યા છે. હપ્તારૂપી આવતી માયાજાળના કારણે તંત્ર ખામોશ બની રહે છે અને નિર્દોષ લોકોના ભોગ લેતાવા રહે છે. તંત્ર જો ધારે તો એકય વાહન નિયમભંગ કરી એક દિવ્સ પણ દોડી ન શકે પણ તવું થતું નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ નહીં, સરકાર પણ ખાનગી વાહનો દ્વારા તંત્રને ચૂકવાતા હપ્તાઓથી વાકેફ હોવા છતાં પગલાં લેવામાં આવતા નથી. કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તો એકાદ સપ્તાહ સુધી અખબારો અને સોશિયલ મીડિયામાં તંત્ર અને સરકાર પર માછલા ધોવાય છે. લોકો થોડા દિવસોમાં ભૂલી જાય છે અને ફરી રેઢીયાળ તંત્રની સાંઠગાંઠ સાથે મુસાફરોના જીવને જોખમમાં મૂકતા યમદૂત રોડ પર દોડતા થઈ જાય છે. 

.........


ઓવરલોડ અને ઓવરસ્પીડ વાહનો યમદૂત સમાન 



ભુજ : મુન્દ્રાથી ભુજ તરફ આવી રહેલ ખાનગી મિનિ લકઝરી બસને હડફેટે લેનાર ટ્રેલર ચાલકની લાપરવાહીથી છ નિર્દોષ મુસાફરોનો ભોગ લેવાયો હતો. આગળથી જઈ રહેલા અન્ય ટ્રેલરને ઓવરટેક કરવાની લાહ્યમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કચ્છના ઔદ્યોગિક અને બંદરીય વિકાસ બાદ જિલ્લાના અંતરિયાળ રોડ પર દોડતા ભારે વાહનોની સંખ્યા વધી છે. અંતરિયાળ રસ્તાઓને ફ્રી-વે સમજી દોડતા ઓવરલોડ અને ઓવરસ્પીડ ભારે વાહનો યમદૂત સમાન છે. જાગૃત્ત નાગરિકોના જણાવ્યા અનુસાર કચ્છમાં દોડતા ડમ્પર, ટ્રેલર જેવા ભારે વાહનો માર્ગનો ગતિમર્યાદાના નિયમનને નેવે મૂકી માતેલા સાંઢની જેમ દોડતા રહે છે. આવા વાહનો પર અંકુશ લાદવામાં આવે તે જરૂરી છે. અન્યથા આવા યમદૂતો નિર્દોષ લોકોનો ભોગ લેતા રહેશે. કાયદાના રક્ષકો દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન જ નહીં, વર્ષભર નિયમોનું પાલન કરાવવા તકેદારી લેવાય અને નિયમોનું ઉલ્લંઘન કરી દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરાય તે ઈચ્છનીય છે. 

 

Comments

COMMENT / REPLY FROM