Trending News
સ્થાનિક સમાચાર

વિદ્યાસહાયક બનવા કેટલીક ફેક ડિગ્રીઓ સબમિટ થયાની ચકચાર

23 February



મેરિટમાં આગળ સ્થાન મેળવવા કેટલાક ઉમેદવારોએ બોગસ ડિગ્રીઓ રજૂ કર્યાની ચર્ચાઓનું બજાર ગરમ : ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો રાજ્ય વ્યાપી મોટા કૌભાંડના ભંડાફોળની સંભાવના 


ભુજ : કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને નિવારવા વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયું છે ત્યારે આ વખતે મેરિટમાં આગળ સ્થાન મેળવવા કેટલાક ઉમેદવારોએ ફેક ડિગ્રી સબમિટ કરાવી હોવાની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ છે. 
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી ભરતી પ્રક્રિયા અને વિવિધ કૌશલ્ય કસોટીઓમાં ગેરરીતિના આક્ષેપો સમયાંતરે થતા રહે છે. ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં સરકારી ભરતી માટેની પરીક્ષાઓ પેપર ફુટી જવાના કારણે કે અન્ય કારણોસર વિવાદાસ્પદ રહી છે. હવે પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફેક ડિગ્રીઓનું કૌભાંડ વર્ષોથી ચાલ્યું આવે છે. આ ષડયંત્ર ખુબ આયોજન બદ્ધ અને સુનિશ્ચિત છે. કેટલાક ઉમેદવારો નાણાં ખર્ચી ડિગ્રીઓ મેળવી લેતા હોય છે. 
કેટલાક જ્ઞાન સહાયકોએ ચાલુ નોકરીએ જ અન્ય જગ્યાએથી તે જ સમયની વિજ્ઞાન પ્રવાહની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી લીધું હોવાની ચરચાર મચી ગઈ છે. ડોક્યુમેન્ટનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો કચ્છ જ નહીં રાજ્યવ્યાપી મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. 
અત્રે નોંધનીય છે કે, શાળાઓમાં વિદ્યા સહાયકોની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર થયેલ ૧૩,૮પર જગ્યાઓ માટે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ધો.૧થી પ અને ધો.૬થી ૮ માટે સંયુક્ત કાર્યવાહી ૧ લી નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. અરજીઓ સ્વિકારવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગત ગુરુવારે ભરતી સમિતિની વેબસાઈટ પર વિદ્યાસહાયકોની ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. રપ મી ફેબ્રુઆરી સુધી વેબસાઈટ પર વાંધા અરજીની પ્રિન્ટ મૂકવામાં આવશે જે અરજદારે ર૭ મી સુધી મેળવી લઈ ભૂલ માટેના જરૂરી આધાર-પુરાવાઓ રજૂ કરવાના રહેશે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં આનંદની લાગણી ફેલાઈ હતી તો બીજી તરફ કેટલાક ઉમેદવારોએ મેરિટમાં આગળ સ્થાન મેળવવા ફેક ડિગ્રીઓ રજૂ કર્યાની ચર્ચાઓ શરૂ થતા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે. વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયામાં ખોટા ઉમેદવારો લાભ ન લઈ જાય અને યોગ્ય લાયક ઉમેદવારો બાકાત ન રહી જાય તે માટે રજૂ થયેલ ડિગ્રીઓના ક્રોસ વેરિફિકેશન કરી ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. 


....................

Comments

COMMENT / REPLY FROM