Trending News
સ્થાનિક સમાચાર

ભુજની સુંદરતા વધારતા ડુંગરોને ખનિજ ચોરોએ ખોદી નાખ્યા

23 February

ખાણ ખનિજ વિભાગની મહેરબાની થકી ખનીજ માફીયાઓ બેફામ




મોટાપીર પાસે દિવસ - રાત મશીન કામે લગાવી ડુંગર ખોદવાનું ચાલુ : સુરલભીટ્ટ મંદિરની પાછળ તો ડુંગરોનું અસ્તિત્વ ભૂસાયું



ભુજ : રણ, દરિયો અને ડુંગરની કુદરતી સુંદરતા ધરાવતા કચ્છમાં બેફામ ખનીજ ચોરીના કારણે કુદરતી સંશાધનોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. ખનીજ ચોરી એટલી બેફામ બની છે કે, ગામડાઓમાં નદી પટ અને સીમાડા તો ખોદાઈ ગયા છે. પરંતુ શહેરોમાં આવેલા ડુંગરો પણ બેફામ પણે ખોદવામાં આવી રહ્યા છે. ભુજમાં મોટા પીર પાસે આવેલા ડુંગરને દિવસ  - રાત ખોદીને તેમાંથી માટી અને પથ્થરો ઉસેળવામાં આવી રહ્યા છે તો સુરલભીટ્ટ મહાદેવ મંદિરની પાછળ ઘણા બધા ડુંગરો હતા. હાલમાં ડુંગરો અદ્રશ્ય થઈ ગયા છે. અહીના આજુ - બાજુના રહેવાસીઓ નારાજગી સાથે ખનીજ ખોદનારા પોલીસને ખનીજ મોકલાવી હોવાની વાત કરી અમુક પોલીસના ભ્રષ્ટ તત્વોએ હાલ મોટા પાયે ખનીજ ખનન કરી રહ્યા છે. આ બાબતે માહિતીગારોના જણાવ્યા પ્રમાણે સુરલભીટ્ટ મહાદેવ મંદિર ડુંગર પર આવેલો છે. પાછળના ભાગે નાના મોટા ઘણા ડુંગરો હતા, પરંતુ બેફામપણે બ્લાસ્ટ કરીને ડુંગરો ખોદી નાખવામાં આવ્યા છે. અહીં દિવસ રાત જેસીબી ચાલુ હોય છે અને માટી અને પથ્થરોનું ખોદકામ થઈ રહ્યું છે. ખનીજ તંત્રના કહેવા પ્રમાણે નજીકમાં નાગોર પાસે નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી પરમીટ અપાઈ છે, પરંતુ પરમીટની અંદર ખનન થાય કે બહાર ? અથવા ગેરકાયદે ખોદકામ નથી થતેું ને ? તે સહિતની બાબતે કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. કામ પુરૂં થયા બાદ તપાસ કરીને વધારે ખનન કર્યું હશે તો દંડ ફટકારીને સંતોષ માની લેવાશે તેવું ખનીજ વિભાગનું કહેવું છે પરંતુ હાલમાં જોવા જઈએ તો એક સમયે આખો વિસ્તાર ડુંગરોથી રણીયામણો લાગતો હતો પરંતુ હવે મંદિર સિવાય ડુંગરો બચ્યા નથી. જો આવું ને આવું રહ્યું તો સુંદરતા વધારતા ડુંગરોનું અસ્તિત્વ ભુલાઈ જશે. હાલમાં આ વિસ્તારમાં નગરપાલિકાએ પાણીનો મોટો ટાંકો બનાવ્યો છે. તેમજ આસપાસ દબાણો વધી ગયા છે. ગેરકાયદે રીતે મકાન ઉભા કરવા સાથે કારખાનાઓ પણ ચાલતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શહેરમાં હાથલારીવાળો રોડ પર ગાડી ઉભી રાખશે તો તેને કાયદાનું ભાન કરાવાય છે પરંતુ શહેરની ભાગોળે બેફામપણે ડુંગરો ખોદી નાખવા સાથે દબાણ પ્રવૃતિને ઉત્તેજન મળ્યું છે તે દિશામાં કોઈ કાર્યવાહી થતી નથી. દરમ્યાન મોટા પીર પાસે આવેલા ડુંગરોની પણ આવી જ હાલત છે. દિવસ - રાત બ્લાસ્ટ કરી ડુંગરો ખોદવામાં આવી રહ્યા છે અને તેમાંથી માટી અને પથ્થરો ડમ્પરોમાં ભરવામાં આવે છે. કયા વિભાગે મંજુરી આપી ? તેની પણ માહિતી નથી. આ વિસ્તાર આખો રહેણાંક છે છતાં બેફામપણે ખનીજ ખનન પ્રવૃતિ થઈ રહી છે. ભુજ ખાણ ખનિજ વિભાગે કે ફલાઈંગ સ્કવોડ આ દિશામાં તપાસ કરશે કે કેમ ? તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.


................

Comments

COMMENT / REPLY FROM