ભુજના કેમ્પ એરિયામાં પૈસાની લેતીદેતીમાં સામસામે હથિયારો વડે હુમલો, યુવાનનું મોત
હુમલાખોરને ગંભીર ઈજાઓ થતાં સારવાર તળે દાખલ : હત્યાનો ગુનો નોંધાયો : સામેપક્ષે પણ ફરિયાદ દાખલ કરવાની તજવીજ
ભુજ : શહેરના કેમ્પ એરિયામાં રાજેન્દ્રનગર ખાતે ગઈકાલે રાત્રે યુવાનો વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી બાદ સામસામે હથિયારો વડે હુમલો થયો હતો. જેમાં ગંભીર ઈજાઓ થવાથી યુવાનનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો છે. જયારે સામે હુમલા ખોરને પણ ગંભીર ઈજાઓ હોવાથી હોસ્પિટલમાં સારવાર તળે દાખલ છે. આ બાબતે જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ ૧ર વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. અહીં રહેણાક વિસ્તારમાં ઓટલા પાસે યુવાનો બેઠા હતા. ત્યારે મરણજનાર ૪૦ વર્ષિય જાકબ અબ્દુલ બકાલીની આરોપી આવેશ ફારૂક તુરિયા સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. આવેશે આવેશમાં આવીને જાકબને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજાઓના કારણે સારવાર નસીબ થાય તે પહેલા મોત થયું હતું. જેથી મામલો હત્યામાં પલટાયો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સામે પક્ષે આવેશને આ બનાવમાં ઈજાઓ થઈ હોવાથી જી.કે.માં સારવાર તળે દાખલ છે. આવેશને જાકબ અબ્દુલ બકાલી, કેફ, અન્ય બે વ્યક્તિઓ દ્વારા ધારિયા વડે માથાના ભાગે માર મારવામાં આવ્યો હોવાનું જી.કે. જનરલ હોસ્પિટલમાં જણાવાયું છે. આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું બી ડિવિઝન પોલીસના સુત્રોએ જણાવ્યું હતું.

Comments