Trending News
સ્થાનિક સમાચાર

રાપર - ભચાઉ સુધરાઈના સુકાનીઓની વરણી પર મંડાઈ મીટ

22 February

કૌન બનેગા નગરપતિ ..?





વાગડની બન્ને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખના નામોની અટકળોનું બજાર થયું ગરમ


ભચાઉ નગરપાલિકામાં પ્રમુખનું પદ પ્રથમ અઢી વર્ષની મુદત માટે અનુ જાતિ માટે રહેશે અનામત : બે મહિલા અને 
એક પુરૂષ ઉમેદવારોના નામ ચર્ચામાં : ઉપપ્રમુખ પદે વિજયસિંહ ઝાલા, ભરત પટેલ, પિંટુભાઈ ગઢવીના નામો મોખરે





ભુજ : ઓબીસી અનામતના કારણે બે વર્ષ જેટલા લાંબા વિલંબ બાદ પૂર્વ કચ્છના વાગડની બે નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ છે. ૧૮મીએ જનાદેશ પણ આવી જતા પાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થયું છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા વાગડ પંથકમાં કોંગ્રેસ નામશેષ થવાની કગારે પહોંચી છે. રાપર નગરપાલિકામાં સાત બેઠક સિવાય કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે માત્ર નિરાશા જ રહી છે. કચ્છના પ્રવેશદ્વાર ભચાઉ નગરપાલિકામાં કોંગ્રેસને સમ ખાવા પુરતી એકેય બેઠક પણ મળી નથી.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સુકાનીઓની પસંદગી માટેની કવાયત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે હાથ ધરી છે. વાગડની બે નગરપાલિકાઓ પૈકી ભચાઉમાં સુધરાઈ પ્રમુખનું પદ રોટેશન અનુસાર પ્રથમ અઢી વર્ષની મુદત માટે અનુ જાતિ માટે અનામત છે જયારે રાપર નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય પ્રમુખનું રોટેશન છે ત્યારે ભચાઉ અને રાપર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોને પદભાર સોંપાશે તેની અટકળોનું બજાર ગરમ બન્યું છે.
ભચાઉ નગરપાલિકાની વાત કરીએ તો ભચાઉ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તમામ ર૮ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. ર૮ પૈકી ૧૭ બેઠકો ભાજપને બિનહરીફ જ મળી હતી. પ્રથમ અઢી વર્ષની મુદત માટે ભચાઉ પાલિકાનું પ્રમુખ પદ અનુ જાતિ માટે અનામત હોવાથી પ્રમુખ તરીકે વોર્ડ ૧ માંથી ચૂંટાયેલા મહિલા ઉમેદવાર ગીતાબેન સામળીયા, વોર્ડ નં. ર માંથી ચૂંટાયેલા મહિલા ઉમેદવાર વિમળાબેન શામળીયા અને વોર્ડ નં. ૩ માંથી ચૂંટાયેલા પેથાભાઈ રાઠોડ પૈકી એકની પસંદગી થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. શહેર સુધરાઈના ઉપપ્રમુખ પદ માટે ભચાઉ શહેરમાં વિજયસિંહ ઝાલા, ભરતભાઈ પટેલ, પિંટુભાઈ ગઢવીના નામ મોખરે ચર્ચાઈ રહ્યા છે. કારોબારી ચેરમેનનું મોભાદાર પદ પણ હાલે ચર્ચાઈ રહેલ ઉમેદવાર પૈકી કોઈના ફાળે જશે તેવી અટકળો રાજકીય પંડીતો માંડી રહ્યા છે. ભચાઉ નગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપને ૧૯ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસના ૭ જેટલા સભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી દઈ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે ભચાઉમાં કોંગ્રેસને પુરા ર૮ ઉમેદવાર પણ મળ્યા ન હતા. ૧૭ બેઠકો ભાજપને ફાળે બિનહરીફ મળી હતી. ચાર વોર્ડમાં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો. ભચાઉ પંથકમાં સક્ષમ નેતૃત્વના અભાવે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ હોવાનું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે.રાપર નગરપાલિકામાં કોંગ્રેસના એકલવીર લડવૈયા ભચુભાઈ આરેઠીયાની મહેનત થકી ૭ બેઠકો કોગ્રેસને મળી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૧૩ બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસને ૬ બેઠકો ગુમાવી છે. ભાજપાએ ગત ચૂંટણીમાં મળેલ બેઠકોમાં ૬ નો વધારો કર્યો છે. રાપરમાં ભાજપને ર૧ બેઠકો સાથે સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. રાપર નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ પદનુ રોટેશન સામાન્ય ક્ષત્રિય કે પાટીદાર વિજેતા ઉમેદવારને પ્રમુખ તરીકેની જવાબદારી સોપાય તેવી શકયતાઓ સુત્રો વ્યકત કરી રહ્યા છે. સંભવિત રજી માર્ચ બાદ ભચાઉ અને રાપર નગરપાલિકાના સુકાનીઓની વરણી થાય તેવી સંભાવના છે ત્યારે આવનાર દિવસોમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કોના શીરે જવાબદારીનો કળશ ઢોળાશે તેના પર મસગ્ર વાગડ પંથકની મીટ મંડાઈ છે.



...............


રાપરના નગરપતિ પદ માટે ભારે રસાકસી 



રાપર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપને રાપરના મતદારોનો ભરપુર સ્નેહ સાંપડ્યો છે. રાપર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે અનેક પ્રબળ દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભાજપનું મોવળીમંડળ કોની પસંદગી કરશે તેવી ઉત્કંઠા માત્ર વાગડ કે કચ્છ નહીં પણ મુંબઈ સ્થિત વાગડવાસીઓમાં પણ જોવા મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાપર વિસ્તારમાં વિવિધ  સમુદાયનું ખાસ્સું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે આ વખતે  ચુંટાયેલા ઉમેદવારોમાથી વેપારી અગ્રણી હોય તેવાઓને આ મોભાદાર પદ પર બેસાડવામાં આવે તેવી શકયતાઓ વિશેષ જોવાઈ રહી છે.
રાપર નગરપાલિકામાં ચૂંટાયેલા સ્વચ્છ છબી ધરાવતા અને વેપારી આગેવાનોને પસંદગીમો પ્રાથમિકતા આપવામાં અવે તેમ જાણકારો માની રહ્યા છે. રાપર નગરપાલીકા અને વિસ્તારની વાત કરીએ તો અહી જૈન, ક્ષત્રીય, પાટીદાર, લોહાણા સહિતના સમુદાયનું વિશેષ પ્રાધાન્ય રહેલુ છે.
જોકે, ભાજપની પ્રવર્તમાન પ્રમાલિ અનુસાર લોકચર્ચામાં ચર્ચાઈ રહેલા નામોના બદલે હાઈકમાન્ડ કોઈ નવા ચહેરાને જ તક આપે તેવું પણ બની શકે છે. રાપર સુધરાઈના સૂકાનીઓની પસંદગી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં થશે. હાઈકમાન્ડનો નિર્ણય આવે તે પહેલા અટકળોનું બજાર ગરમ થયું છે. 

Comments

COMMENT / REPLY FROM