Trending News
સ્થાનિક સમાચાર

કેરા પાસે ગમખ્વાર અકસ્માત : ટ્રેલરની ટક્કરે ખાનગી લક્ઝરી બસમાં સવાર ૪થી વધુ પ્રવાસીના મોતની આશંકા : ૧૮થી વધુ ઘવાયા

21 February



અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના અડધી ચીરાઈ ગઈ : પ્રવાસીઓ બસની બહાર ફંગોળાયા : ભયાવહ અકસ્માત જોઈને અનેકના હૃદય બેસી ગયા : લોકોની ચિચિયારીઓથી અરેરાટી ફેલાઈ : સ્વજનો તાબડતોબ ઘટના સ્થળે અને હોસ્પિટલમાં પહોંચ્યા : જી.કે.માં ઘાયલો અને મૃતકોને લઈ અવાતા કરૂણ દ્રશ્યો સર્જાયા : મૃત્યુ આંક વધવાની શક્યતા



ભુજ : ભુજ-મુન્દ્રા હાઈવે રોડ પર કેરા પાસે શુક્રવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૮થી વધુ પ્રવાસીઓ ઘાયલ થવા સાથે ચારથી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળેથી જાણવા મળતી માહિતી અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ-મુન્દ્રા રૂટની સીતારામ ટ્રાવેલ્સની બસને આ અકસ્માત નડ્યો હતો. આ બસમાં પ્રવાસીઓ બેસીને મુન્દ્રા જતા હતા ત્યારે કેરા ગામથી આગળ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર ચાલકે બસમાં ગાડી ભટકાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં અનેક લોકો મોતની ખપ્પરમાં હોમાઈ ગયા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે બસ મુન્દ્રા જતી હતી ત્યારે આગળ જતા વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા ટ્રેલરમાં ભટકાતા બનાવ બન્યો હતો. કેટલાક સૂત્રોએ ત્રિપ્પલ અકસ્માતની શક્યતા વર્ણવી હતી. જોકે, ઘાયલો સારવાર તળે હોવાથી વધુ વિગતો જાણી શકાઈ નથી, પરંતુ બનાવ  એટલો ગંભીર હતો કે બસમાં ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો, જેમાં અનેક પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ધડાકાભેર ટક્કર થવાના કારણે બસમાં સવાર પ્રવાસીઓ દડાની જેમ રોડ પર ફંગોળાયા હતા. અનેક પ્રવાસીઓને ઈજાઓ થવા સાથે ગંભીર રીતે કચડાઈ જવાથી ચાર જેટલા મુસાફરના ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક ગામના લોકો સાથે ૧૦૮ સ્થળ પર પહોંચી હતી. ઘાયલોની સંખ્યા વધારે હોવાથી આસપાસના વિસ્તારોમાંથી એમ્બ્યુલન્સો બોલાવી તાબડતોબ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સત્તાવાર આંકડો મળ્યો નથી,અનેક મહિલાઓ, બાળકો, વૃદ્ધો ઘવાતા તેઓને જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા.



......................


કચ્છ કલેકટર ખુદ કરે લાલઆંખ..!


કચ્છમાં માતેલા સાંઢ માફક દોડતા ખાનગી વાહનો પર
પોલીસ-આરટીઓની મીઠીનજર-હપ્તા વસુલી અટકાવો




કેરા-મુંદરાની ઘટના પરથી બોધપાઠ લેવો જરૂરી : ભુજ-ગાંધીધામ- ખાવડા-માંડવી-રાપર સહિતના રૂટમાં દોડતા વાહનોમાં નિયમોની અમલવારી થાય છે કે નહી? ખાનગી ચાલકોને કેવા પ્રકારની મંજુરીઓ અપાયેલી છ? કેટલા પેસેન્જરોને ભરીને ફરી રહ્યા છે?



ગાંધીધામ : ભુજના કેરાથી મુંદરા રોડ પાસે આજે એક મહાકાય ટ્રેઈલર તથા ખાનગી લકઝરી બસનો ભીષણ અકસ્માત થવા પામ્યો છે અને તેમાં ઘટનાસ્થળે જ સાત જેટલા નિદોર્ષ પ્રવાસીઓના પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યા છે, આ ઘટનામાં મૃતકાંક વધવાની પણ દહેશત દર્શાવાઈ રહી છે તેવા સમયે અહી સવાલ થઈ રહ્યા છે કે, ઘટનાસ્થળે જ બસમાં બેઠેલા આટલા મુસાફરોના કરૂણ મોત કેમ થયા? ખાનગી લકજરી બસ જે અહી ચાલતી હતી શુ તે બધી રીતે નીતીનીયમોને અનુસરીને જ ચાલતી હશે? તેમાં પેસેન્જરની કેપેસીટી નિયમ અનુસારની જ હતી? તેણે વીમો પુરતો ભરેલો છે? તેનો ડ્રાયવર યોગ્ય લાયકાત ધરાવનારો છે? જો તપાસ થશે તો ઓવરલોડ છલોછલ આ બસો ભરીને આડેધડ સ્પીડમાં ધંધાકીય હરીફાઈમાં માતેલા સાંઢની માફક ચલાવતી હોય છે. ગાડીમાં પેસેન્જર ભરેલા છે તેવી કોઈ જ ચિંતા આ વાહનોના ડ્રાયવરો સેવતા જ ન હોય તેવી સ્થિતી સર્જાતી હોય છે. કેરા રોડ પર જે ઘટના બની છે તેમાથી બાધપાઠ લેવો જોઈએ અને ભુજ ગાંધીધામ વચ્ચે અથવા તો ભુજ -માંડવી કે પછી ભચાઉ -વાગડ તરફ અથવા તો મોરબી સુધી જે લોકલ ખાનગી લકઝરી બસો દેાડી રહી છે તેને કોણ આટલી છુટ આપી રહ્યુ છે? પોલીસ અને આરટીઓ દ્વારા સમ ખાવા પુરતી અથવા તો કેસો દેખાડવા પુરતા કેસ કરી દેવામા આવે છે, આકડાઓ રજુ કરી દે છે અને પછી બસ જે સે થેના તાલે જ આ લકઝરીબસો વાળા નિયમો વિરૂદ્ધ છલોછલ પેસન્જરોને ભરી જીવના જાખેમ ઓવરસ્પીડમાં ગાડીઓ હંકારતા ફરતા હોય છે. સામે પક્ષે જે ટ્રેઈલર પણ આ દુૃઘટનાનુ કારણ બન્યુ છે તે ટ્રેઈલરવાળાઓ પણ નિયમોને કોઈ રીતે અનુસરતા જ નથી. હકીકતમાં આ ઘટના બાદ હવે કચ્છ કલેકટર ખુદ આવા લકઝરીવાળાઓને સીધા દોર કરે, કાયમી ધોરણે આ સમસ્યાઓનો ઉકેલ આવે તેવી વ્યવસ્થાઓ અને ચેકીંગ ઝુબેશ હાથ ધરાવે તે ખુબજ ઈચ્છનીય બની જવા પામયું છે. 


.....................


ખનીજ-મીઠાના ધંધામાં દોડતા ઓવરલોડ ડમ્પરો મોતના તેડા સમાન



ભુજથી ખાવડા-ખાવડાથી મુંદરા-કંડલા-રતનાલ પટ્ટાથી અંજાર,
સહિતમાં દોડતા ખનીજ-મીઠાના ઓવરલોડ ડમ્પરોને કોની છુટ ?


ખાણખનિજ વિભાગ, આરટીઓ-પોલીસની ભ્રષ્ટાચારની ગટર થકી નિદોર્ષના સતત હણાઈ રહ્યા છે જીવ : બે-ચાર દીવસ માટે દરોડાના ત્રાગા થશે, પરંતુ કાયમી ધોરણે નિયમોની અમલવારી કરાવવા કોઈ જ રણનીતી ઘડાતી નથી




ગાંધીધામ : કચ્છમાં ખનીજ સંપદાઓ મોટી રહેલી છે. સરકારને આ ખનીજમાથી જે આવક થવી જોઈએ તેના બદલે અનેકવિસ્તારોમાં આડેધડ ખનીજમાફીયાઓ ફાવી ગયા હોય તેમ ધુમ ખનીજચોરીને ન માત્ર અજામ આપી રહ્યા છે બલ્કે ચોરાઉ ખનીજની હેરફેરમાં મોટા મોટા મહાકાય ટ્રેઈલરો-ડમ્પરો ઓવરલોડ આડેધડ દોડાવી રહ્યા હોવાની ફરીયાદો પણ સતત આવતી રહેતી હોય છે. અનેક ગામડાઓમાં લોકોએ આ ફરીયાદો કરી અને મોટા અકસ્માતો થવાનો ભય પણ લેખિતમાં તથા આવેદનના ભાગરૂપે પણ દર્શાવેલો જ છે. તેમ છતા પણ ઓવરલોડ ટ્રેઈલરો એ પછી ખનીજ, માટી, ચાઈનાકલે, બોકસાઈટ, કે પછી મીઠું જ શા માટે ન હોય..! આડેધડ કચ્છભરમાં ઠેર-ઠેર દોડી રહ્યા છે અને નીદોર્ષ રાહદોરીઓને માટે જળુબંતુ જોખમ જ કહી શકાય તેમ બની રહ્યા છે. ભુજથી ખાવડા પટ્ટો  હોય કે પછી ભુજથી ગાંધીધામ, ભચાઉ-રાપર અને અન્ય પણ ખાનગી વાહનો દોડતા જ હોય છે, કેટલાક વિસ્તારોમાં આ ખીચ્ચો ખીચ્ચ ભરેલા ખાનગી વાહનો પોલીસ, ટ્રાફિક પોલીસની સામેથી જ શહેરોની ચોકડીઓ પરથી પસાર થતા હેાય છે, એ સમયે નાના વાહનોવાળાને, કે ટુ વ્હીલરવાળાઓને ટ્રાફીક પોલીસ વાળા રીતસરના દંડતા જોવાય છે પરંતુ આવી મોટી મોટી ખાનગી લકજરીઓ કે પછી અન્ય વાહનો ગેરકાયદેસર રીતે ધુમ પ્રવાસીઓને ભરી ભરીને ત્યાથી તેમની સામેથી જ પસાર થતા હોવા ઉપરાંત પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાંઆવતી નથી. ખરેખર આ બધાય પર જિલ્લાવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરવામા આવે તે હવે સમયનો તકાજો બની જવા પામ્યો છે. 



..................


બસમાં ખીચોખીચ પ્રવાસીઓ ભરેલા હતા

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસની કેપિસીટી ૩૦ થી ૩પ પ્રવાસીની છે, જેમાં ૬૦ જેટલા પ્રવાસીઓ સવાર હતા. ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ, ઓવરસ્પીડ અને ઓવરટેક અકસ્માત માટે કારણભૂત બન્યાનું સામે આવ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM