નર્મદાની વાંઢિયા બ્રાંચ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂતકાળ અને વર્તમાન સમયમાં થયેલ કામગીરીની તપાસ કરી કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ : જંગીના પૂર્વ ઉપસરપંચે જિલ્લા કલેક્ટર સમક્ષ કરી રજૂઆત
ભચાઉ : તાલુકાના છાડવાળા રામદેવપીર ઓવરબ્રિજ મધ્યે પસાર થતી નર્મદા વાંઢિયા બ્રાંચ કેનાલની મરંમતના કામમાં ભૂતકાળમાં અને વર્તમાન સમયે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જંગીના પૂર્વ ઉપસરપંચ અને કચ્છ માલધારી વિકાસ સંગઠનના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીએ કર્યો છે. જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં તેમણે વાંઢિયા બ્રાંચ કેનાલના ભૂતકાળના અને વર્તમાન સમયના કામની તપાસ કરી જે-તે સમયની કોન્ટ્રાક્ટ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી. આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરોએ નબળી ગુણવતાનું મટેરિયલ વાપરી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કોન્ટ્રાક્ટ એજન્સી ઉપરાંત જે-તે સમયના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના છાડવાળા, આંબલિયાચારા, લલિયાણા, જંગી, ગોડપર, મોડપર, લગધીરગઢ, નવા કટારીયા વગેરે ગામના ખેડૂતોને વાંઢિયાની બ્રાંચ કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવા માંગ કરી હતી.

Comments