Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના ભરતી કૌભાંડની તપાસનું ફીંડલું?

20 February


અનેકવિધ ફરિયાદો બાદ શિક્ષણ વિભાગે નિમેલી તપાસ સમિતિએ નિવેદનો મેળવી શિક્ષણ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો છતા કોઈ કાર્યવાહી ન દેખાતા ઉઠતા તરેહ તરેહના સવાલો 


હજુ સુધી કોઈ અહેવાલ મળેલ નથી, સરકાર કક્ષાનો વિષય છે, એટલે એ બાબતે વધારે હું કંઈ પણ ન કહી શકું : શ્રી મોહન પટેલ(વીસી કચ્છ યુનિ.)



ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલી ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ ઉઠ્યો હતો. શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરી અહેવાલ સરકારમાં આપ્યો હતો. જેને મહિના ઉપરાંતનો સમય થવા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. આ પ્રકરણમાં શિક્ષણમંત્રી અને નેતાઓ સાથે મીટિંગ યોજીને ખેલ પાડી દેવાયો હોવાની ચર્ચા હવે શિક્ષણ આલમમાં આંતરીક રીતે ગણગણાટ સર્જી રહી હોવાનુ મનાય છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ યુનિવર્સિટી દ્વારા નેકની માન્યતા મેળવવા માટે અરજી કરવામાં આવી છે. નેક મેળવવા માટે યુનિવર્સિટીમાં પુરતો કાયમી સ્ટાફ જોઈએ. આ માટે એક આસિ.રજિસ્ટાર અને ચાર સેકશનની ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સંપૂર્ણ ગેરરીતિ આચરીને કરવામાં આવી હોવા બાબતે અનેક આધાર પુરાવા સાથે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ ભલામણોને આધારે શિક્ષણ વિભાગે સમગ્ર પ્રકરણ દબાવી રાખ્યું હોવાનુ પણ ચર્ચાતુ રહ્યુ હતુ. જોકે, મામલો બુલંદ બન્યો અને હાઈકોર્ટ સુધી જવાની તૈયારી થતા સરકારે આખરે મૌન તોડ્યું અને સમિતિ બનાવીને તપાસ ચાલુ કરાવી હતી. આ સમિતિએ ભુજમાં અને યુનિવર્સિટીમાં ફરિયાદ કરનારા અરજદારો અને આક્ષેપિતો સાથે બેઠક યોજી નિવેદનો મેળવ્યા હતા અને સરકારમાં રિપોર્ટ સોપ્યો હતો. પ્રાથમિક તબક્કે ભરતી કૌભાંડમાં ગેરરીતિ થયાનું દર્શાતુ હતુ તેમ છતાં હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જે સવાલોએ ભારે શંકા ઉપજાવી છે. નિયમ પ્રમાણે જે ઓએમઆર સીટ અપાઈ તેમાં બારકોડ લગાવેલા ન હતા. જેથી સીટ બદલાઈ હોવાના આક્ષેપ છે. યુનિવર્સિટીનો મત છે કે, અમે કોમ્પ્યૂટરમાં ઓએમઆર સીટ તપાસી છે. 
જો બારકોડ જ ન હોય તો કોમ્પ્યૂટરમાં ઓએમઆર સીટ તપાસાઈ કેવી રીતે ? તે પણ એક સવાલ છે. તેમજ યુનિવર્સિટીના કર્મચારીઓને જ નોકરી આપવાની હોય તેમ ઈન્ટરવ્યૂમાં યુનિવર્સિટીના કર્મચારીઓને જ બોલાવ્યા હતા. અન્ય લાયક ઉમેદવાર હોવા છતાં તેઓને ઈન્ટરવ્યૂમાં ન બોલાવી સમગ્ર ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો તે પહેલાં લાગતા વળગતા લોકોએ પોતાના પર રેલો ન આવે તે માટે સેફ સાઈડ ગોતી લીધી હતી અને ગાંધીનગરના આંટાફેરા વધારી નાખ્યા હતા. સૂત્રોનો દાવો છે કે, આ પ્રકરણમાં શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી સમગ્ર બાબત પર પડદો પાડી દેવાયો છે અને મામલો દબાવી દેવા માટે ગાંધીનગર કમલમના આંટાફેરા વધારવા સાથે નેતાઓ પાસે ભલામણો કરાવાઈ હતી. જો શિક્ષણ વિભાગ ભરતી ગેરલાયક ઠરાવે તો સરકારની બદનામી થાય તેવું કહીને સમગ્ર મામલે ઠંડું પાણી રેડી દેવાયું છે. તા વળી આ બાબતે કચ્છ યુનિ.ના વીસી શ્રી મોહનભાઈ પટેલની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, હજુ સુધી તપાસ સમીતીનો અહેવાલ અમને મળવા પ્
ાામ્યો નથી. સરકારશ્રી કક્ષાનો વિષય છે એટલે એ બાબતે હું વધારે કંઈ પણ કહી નહી શકુ, ઉપરાંતના આક્ષેપો તથ્યવિહોણા જ છે.




....................


જવાબદારીમાંથી હાથ ખંખેરવા રાજીનામા પડ્યા ? 


 
ગાંધીધામ :આ પ્રકરણમાં ગમે તે ઘડીએ પાસા પલટાય અને પોતાના પર કાર્યવાહીનો રેલો આવે તે પૂર્વે હાથ ખંખેરવા માટે જુની તારીખના રાજીનામા તૈયાર કરી સરકારમાં મોકલી દેવાયા હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. જો સરકાર ક્લિનચીટ આપે તો રાજીનામા પાછા ખેંચી લેવાના અને જો સરકાર કાર્યવાહી કરવાનું વિચારે તો અમે રાજીનામા આપી દીધા છે. તેમ કહીં જવાબદારીમાંથી હાથ ખંખેરવાનોં પ્રયાસ કરાયો હોવાની ચર્ચા કચ્છ યુનિ.માં ફેલાઈ છે. જો કે, રાજીનામા બાબતે જવાબદારો કોઈ સમર્થન આપી રહ્યા નથી.

Comments

COMMENT / REPLY FROM