ગાંધીધામના મહિલાને ડીજીટલ અરેસ્ટ કરી ૧પ.પ૦ લાખ પડાવી લેવાયા
પોલીસ સૂચનાઓ આપી આપીને થાકી ગઈ છતા તોય જાગૃતિ ન આવી
મુંબઈના બેંક ખાતામાં મની લોન્ડરીંગના રપ લાખ જમા થયા છે અને હજુ બે કરોડ આવવાના છે તેમ કહી જાળ બીછાવાઈ : ઈડી અને સુપ્રિમ કોર્ટના લેટરપેડ મોકલાવી અલગ અલગ ત્રણ ખાતામાં રૂપિયા જમા કરાવડાવ્યા : વીડિયો કોલમાં ખાખી વરદી પહેરીને બેઠેલા શખ્સે રૂપિયા ન મળે તો દીકરીના અપહરણની આપી ધમકી : હેબતાઈ ગયેલી મહિલાએ રૂપિયા જમા કરાવ્યા બાદ પોતાની સાથે ઠગાઈ થયાનું જ્ઞાત થયું
ગાંધીધામ : દેશમાં ડીજીટલ અરેસ્ટના બનાવો બની રહ્યા છે. જેમાં એક જ મોડસ ઓપરેન્ડી હોય છે. ઈડી કે સીબીઆઈના નામે વીડિયો કોલ આવે, ખાખી વરદીમાં હાજર શખ્સ દ્વારા અલગ અલગ બહાના બતાવી ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે દબાણ કરાય છે. આ બાબતે ખુદ સરકાર તેમજ પોલીસ દ્વારા અનેક વખત સૂચનાઓ આપવામાં આવી છે કે, પોલીસ કદી વીડિયો કોલ કરતી નથી. તેમજ મોબાઈલમાં સતત કોલરટ્યૂન વગાડવામાં આવે છે છતા હજુ સુધી લોકોમાં જાગૃતિ આવી ન હોય તેમ ગાંધીધામના મહિલા ઓનલાઈન ડીજીટલ અરેસ્ટનો શિકાર બન્યા છે. જેમાં તેમના ખાતામાંથી ૧પ.પ૦ લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.૭ બીમાં રહેતા કાંતાબેન નરેશભાઈ સોલંકીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ૬થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન તેમણે ડીજીટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમને અજાણ્યા નંબરથી વો.અપમાં સાયબર ક્રાઈમ વિભાગ મુંબઈ નામનો મેસેજ આવ્યો અને તરત જ વીડિયો કોલ આવ્યો જેમાં પોલીસની વરદીમાં એક વ્યક્તિ હાજર હતો તેણે કહ્યું કે, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું તમારા પર મની લોન્ડરીંગનો કેસ થયો છે અને તમારા નામે કેનેરા બેંક મુંબઈમાં બેંક ખાતું ખુલ્યું છે. જેમાં મનીલોન્ડરીંગના રપ લાખ આવ્યા છે. હજુ બે કરોડ આવવાના છે. આ મનીલોન્ડરીંગ કરનારને અમે પકડી લીધો છે. તેના ફોટા સહિતની વિગતો ફરિયાદીને વો.અપમાં મોકલાવી હતી. તેમજ ઈડીના નામે મહિલાનો અરેસ્ટ ઓર્ડર બનાવી વો.અપ કર્યો હતો. તેમજ અશોક સ્થંભ સાથેના લેટરપેડમાં નાણાકીય રકમ ફ્રીઝ કરવાનો ઓર્ડર મોકલાવ્યો હતો. ફરિયાદીનું નામ, આધારકાર્ડ સહિતની વિગતો મોકલાવી હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવ્યો અને તેઓ ડરી ગયા, આ ડરનો લાભ લઈ આરોપીએ તેમની મિલકત જાહેર કરવા માટે દબાણ કર્યું અને કેનેરા બેંક મુંબઈ ખાતામાં મની લોન્ડરીંગના પૈસા આવ્યા છે. તેમજ કહી રપ લાખ જેટલી રકમ તમારે ખાતામાં નાખવી પડશે. આરબીઆઈ દ્વારા મની લોન્ડરીંગમાં આવેલ રકમના સિરિયલ નંબર ચેક કરવામાં આવશે. જો તમારા પૈસા સિરિલય નંબર મેચ નહીં થાય તો તમારા પૈસા પરત મળી જશે. તમારા પૈસા સરકાર પાસે સેફ હોવાનું કહી ચિંતા ન કરો તેમ કહીં વિશ્વાસ કેળવ્યો હતો. સુપ્રિમ કોર્ટ જે ખાતા નંબર આપે તેમાં પૈસા જમા કરાવી દેજો તેમ કહી સુપ્રિમ કોર્ટના ખોટા લેટરપેડ પર ખાતા નંબર મોકલાવી રૂપિયા માંગ્યા હતા. જો રૂપિયા ન મોકલાવે તો ફરિયાદીની દીકરીનું અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. સતત માનસિક ટોચર અને ડરના કારણે મહિલાએ ગભરાઈને ફેડરલ બેંકના ખાતામાં ૭.પ૦ લાખ, આઈડીએફસી ફસ્ટ બેંકના ખાતામાં ૪.૮૦ લાખ તથા સીટી યુનિયન બેંકમાં ૩.ર૦ લાખ જમા કરાવ્યા હતા. કુલ ૧પ.પ૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં ફરિયાદીને જ્ઞાત થયું કે, તેઓ ડિજીટલ અરેસ્ટનો શિકાર બન્યા છે. આરોપીએ પોલીસની ખોટી ઓળખ ઊભી કરી મની લોન્ડરીંગના નામે ડરાવી ધમકાવી ઓનલાઈન બળજબરીથી નાણા પડાવી લીધા હતા. વો.અપ નં.૭૯૮૩૧૪૦૯૮૯ તથા ૬૦૩૩૪૪ર૭ર૬ના ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઈ એ.એ. જાડેજાએ હાથ ધરી છે.

Comments