Trending News
સ્થાનિક સમાચાર

આચાર્યશ્રીએ લોકોને પરિવારમાં રહીને અનાસક્ત રહેવા માટે પ્રેરિત કર્યા

19 February



ભુજ : માનવજીવનમાં શરીર પણ છે અને આત્મા પણ છે. જીવન ત્યા સુધી જ રહે છે, જ્યાં સુધી શરીર અને આત્મા સાથે હોય છે. જ્યારે આત્મા શરીરથી બહાર નીકળી જાય છે, ત્યારે જીવન સમાપ્ત થઈ જાય છે. જીવનને આગળ વધારવા માટે માનવને પ્રવૃત્તિ કરવી પડે છે. ભોજન, કપડા, મકાન, આભૂષણ, શિક્ષણ, ચિકિત્સા વગેરે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે.પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે - રાગયુક્ત (આસક્તિથી ભરપૂર) પ્રવૃત્તિ અને વિતરાગતા યુક્ત (આસક્તિથી રહિત) પ્રવૃત્તિ. અગિયારમાં,બારમાં અને તેરમાં ગુણસ્થાનમાં પૂરી રીતે આસક્તિ રહિત અથવા વિતરાગ પ્રવૃત્તિ જોવા મળે છે. અગિઆરમું ગુણસ્થાન ‘ઉપશાંત મોહ ગુણસ્થાન’ અને બારસમું ગુણસ્થાન ‘ક્ષીણમોહ ગુણસ્થાન’ કહેવાય છે. આ ગુણસ્થાનોમાં પાપ કર્મોનું બંધન ઓછું થાય છે, કારણ કે ત્યાં મોહની હાજરી ઓછી હોય છે. જ્યાં મોહ નહીં હોય ત્યાં પાપ કર્મોનો બંધ પણ નહીં થાય. તેરમાં ગુણસ્થાનમાં મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ રહેલી હોય છે, તેથી તેમને ‘સયોગી કેવલી’ કહેવામાં આવે છે. ચૌદમાં ગુણસ્થાનમાં મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ રહિત હોય છે, તેથી તેમને ‘અયોગી કેવલી’ કહેવામાં આવે છે. આ ચૌદમાં ગુણસ્થાનનો સમય બહુ ઓછો હોય છે. જીવનમાં ગૃહસ્થ તરીકે પૈસાની લેવડદેવડ, વેપાર, વ્યવસાય, ખેતી, રાજકારણ, શિક્ષણ અને ચિકિત્સા વગેરે વિષયોની સાથે જોડાયેલા રહેવું પડે છે.આ બધાથી બચવા માટે માણસે અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાસક્તિથી કરેલા કર્મ પાપ બાંધી શકતા નથી, અને જો પાપ બંધાય પણ તો તે ઝડપથી દૂર થઈ જાય છે. તે વધુ દુઃખદાયક પણ હોતા નથી. ગૃહસ્થ જીવન જીવતા પણ અને પરિવારમાં રહેતા પણ માણસે ધાય માતાની જેમ અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભોજન પણ માત્ર શરીરને પોષણ આપવા માટે કરવું જોઈએ. ઘણું બધું રસ-મસાલા સાથે આરોગવા કરતા જે મળે તેમાં સંતોષ રાખવો જોઈએ. ભોજનની નિંદા અને પ્રશંસા બંનેથી દૂર રહેવું જોઈએ. આ પાવન ઉપદેશ શનિવારે ભુજના ‘કચ્છી પૂજ સમવસરણ’માં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રા પ્રણેતા આચાર્યશ્રી મહાશ્રમણજીએ આપ્યો હતો.આચાર્યશ્રીના મંગલ પ્રેરણા પછી સમણી ચૈતન્યપ્રજ્ઞાજીએ પોતાની ભાવનાભિવ્યક્તિ આપી. આચાર્યશ્રીએ તેમને મંગલ આશીર્વાદ આપ્યાં હતા.આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM