શાંતિના અવરોધક તત્વોથી બચવાનો પ્રયાસ કરે માનવ : માનવતાના મસીહા મહાશ્રમણજી
ભુજ : માનવતાનો સંદેશ આપતા, જન જનને સદ્દભાવના, નૈતિકતા અને નશામુક્તિની પ્રેરણા આપતા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અનુશાસ્તા, મહાતપસ્વી, અખંડ પરિભ્રમક આચાર્યશ્રી મહાશ્રમણજી ગુજરાત રાજ્યની પવિત્ર ધરા પર ફરી એકવાર ગતિમાન થયા છે. ભુજમાં લગભગ સત્તર દિવસીય પ્રવાસ દરમિયાન અનેક નવા ઈતિહાસ રચી, માનવ કલ્યાણ માટે આચાર્યશ્રી ફરી એકવાર આગળ વધ્યા છે.બુધવારે વહેલી સવારે યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી પોતાની ધવલ સેનાને નેતૃત્વ આપતા નારણપરથી મંગલ પ્રસ્થાન કર્યું હતુ. કચ્છની આ પવિત્ર ધરા આવા મહાન પુરુષની ચરણરજ મેળવી પોતાનાને ધન્ય માને છે. જન જન પર આશીર્વાદ વરસાવતા આચાર્યશ્રી લગભગ આઠ કિલોમીટરના વિહાર કરીને દહીંસરા ગામે આવેલ દહીંસરા પંચાયત પ્રાથમિક કન્યાશાળામાં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત લોકોએ હૃદયપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું.કન્યાશાળાના પ્રાંગણમાં આયોજિત મુખ્ય મંગલ પ્રવચન દરમિયાન ઉપસ્થિત જન સમુદાયને મહાશ્રમણજીએ પાવન પ્રેરણા આપતા કહ્યું હતું કે, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં હંમેશા વીસ તીર્થંકર હાજર હોય છે. તીર્થંકરો અને બુદ્ધના મૂલભૂત સિદ્ધાંત શાંતિ છે. જેમ પ્રાણીઓ માટે ધરતી આધાર છે, તેમ તીર્થંકરો માટે શાંતિ છે. તીર્થંકર અથવા બુદ્ધ બનવા માટે કેવળજ્ઞાનનું પ્રાપ્ત થવું આવશ્યક છે. કેવળજ્ઞાન તેને જ પ્રાપ્ત થાય છે, જેનો મોહનીય કર્મ ક્ષીણ થઈ જાય. જેનો મોહનીય કર્મ ક્ષીણ થાય, તેને શાંતિ પ્રાપ્ત થાય છે. તેના અંતરમાં કોઈપણ પ્રકારના અશાંતિ પેદા કરનાર તત્વો નહિં હોય. સામાન્ય રીતે દરેક વ્યક્તિને શાંતિ પ્રિય હોય છે. ગુસ્સો, ભય, ચિંતા અને લોભ શાંતિના અવરોધક તત્વો છે. જેના મન માં ભય હોય તેના ચહેરા પર એ સ્પષ્ટ દેખાઈ શકે. આમજ, વ્યક્તિ જો શાંત હોય તો તેના ચહેરા પરથી એ પ્રગટ થાય છે. વ્યક્તિ ગુસ્સામાં હોય તો એ શાંતિ માટે અવરોધક બને છે, ભય પણ વ્યક્તિને અસ્વસ્થ બનાવી શકે છે. ચિંતા અને લોભ પણ વ્યક્તિની શાંતિ છીનવી લે છે. ચિંતા ને ચિતા જેવી ગણવામાં આવી છે, કારણ કે ચિતા મૃત શરીરને દહન કરે છે અને ચિંતા જીવંત વ્યક્તિ ને અંદરથી બાળે છે, તેથી શાંતિના અવરોધક તત્વોથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિએ ચિંતા કરવાની બદલે શાંતિથી વિચારીને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારા વિચારો થી ઘણીવાર સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. રાત્રે સૂતાં પહેલાં ચિંતા નહીં, પણ ઉકેલ વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કોઈએ કંઈક બોલી પણ દીધું હોય, તો શાંતિ જાળવી રાખવી જોઈએ. તમામ પ્રાણીઓ માટે અહિંસા અને શાંતિ નો સંદેશ અપનાવવો જોઈએ.મંગલ પ્રવચન બાદ આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં કન્યાશાળા તરફથી મનોજભાઈએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો અને મહાશ્રમણજીની પાસે થી આશીર્વાદ મેળવ્યાં હતા. હ્યુસ્ટનથી આવેલા એક શ્રદ્ધાળુએ પણ આચાર્યશ્રીને વંદન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી અને સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. આગામી પ્રવાસ માંડવી મધ્યે ૨૨-૨૩ તારીખ શનિ-રવિના પધારશે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
------

Comments