બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન : કચ્છમાં ર૭૪૦ કર્મીઓને સોંપાઈ ફરજ
આજે જિલ્લા કલેક્ટર અમીત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક : ભુજ અને નખત્રાણાના ૩ ઝોનના અધિકારીઓ - કર્મચારીઓને અપાઈ તાલીમ : ર૦મીએ ગાંધીધામની મૈત્રી સ્કૂલ ખાતે બે ઝોનના કર્મીઓને અપાશે તાલીમ : શાંતિપૂર્ણ અને પારદર્શક બોર્ડ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ : સંજય પરમાર (જિલ્લા શિક્ષણાધિકારી)
ભુજ : વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે અતિ નિર્ણાયક એવી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાઓ ર૭મી ફેબ્રુઆરીથી શરૂ થશે. કચ્છ જિલ્લાનું શિક્ષણ તંત્ર શાંતિપૂર્ણ અને પારદર્શક બોર્ડ પરીક્ષા માટે સજ્જ બન્યું છે. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષા ર૦રપ માટે કુલ પાંચ ઝોન બનાવવામાં આવ્યા છે. જિલ્લાના કુલ પ૪ પરીક્ષા કેન્દ્રો પર ૪૦,૯રપ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે તૈયારીના ભાગરૂપે સ્ટાફને નિમણૂંક અપાઈ છે. કચ્છ જિલ્લાના પાંચ ઝોનમાં કુલ ર૭૪૦ કર્મીઓ પરીક્ષા વખતે ફરજ બજાવશે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગત આપતા જણાવ્યું હતું કે, કચ્છના પાંચ ઝોન પૈકી ભુજના બે ઝોન અને નખત્રાણા સહિત કુલ ૩ ઝોનમાં ફરજ બજાવનાર સ્થળ સંચાલક, વહિવટી સ્ટાફ અને સરકારી પ્રતિનિધિઓની બેઠક ગઈકાલે હરિપર ખાતે મળી હતી, જેમાં પરીક્ષા દરમ્યાન ફરજ બજાવનાર કર્મીઓને તાલીમ આપવામાં આવી હતી. તા.ર૦મીએ ગાંધીધામની મૈત્રી સ્કૂલ ખાતે બાકી રહેતા બે ઝોનમાં ફરજ બજાવનાર કર્મીઓને તાલીમ અપાશે.પરીક્ષા સ્ટાફ અંગે વિગત આપતા શ્રી પરમારે જણાવ્યું હતું કે, કચ્છના પ૪ કેનરના સંચાલકો, સરકારી પ્રતિનિધિઓ ઝોનલ સ્ટાફ, ૧૬૧ પરીક્ષા બિલ્ડીંગના ૧૪૪૯ ખંડ નિરીક્ષકો, રિઝર્વ સ્ટાફ, કલેરીક્લ સ્ટાફ, વર્ગ-૪ના સહાયક કર્મચારીઓ અને રવાનગી સ્ટાફને બોર્ડ પરીક્ષા સંબંધી તાલીમ આપવામાં આવી છે. આજે બપોરે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલા પરીક્ષા સમિતિની બેઠક યોજાશે, જેમાં રાજ્યના શિક્ષણમંત્રી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાશે. આ ઉપરાંત આ બેઠકમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, વીજ તંત્ર અને આરોગ્ય વિભાગના અપેક્ષિત અધિકારીઓ પણ ભાગ લેશે. જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક પરીક્ષા લેવાય, બોર્ડ પરીક્ષાર્થીઓ ભયમુક્ત બની પેપર આપી શકે તે માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં ૧૩ પરીક્ષા બિલ્ડીંગને અતિ સંંવેદનશીલ જાહેર કરાયા છે. આ કેન્દ્ર પર પેરામિલીટરી સ્ટાફ ફરજ બજાવશે. કચ્છમાં ધો.૧૦માં ર૬,૦૬૩, ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૧૩,૪૬૦ અને ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧૪૦ર સહિત કુલ ૪૦,૯રપ છાત્રો બોર્ડ પરીક્ષા આપશે. છાત્રો હાલે પરીક્ષા પૂર્વેના અંતિમ પુનરાવર્તન અને જિલ્લા શિક્ષણ તંત્ર બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે.

Comments