Trending News
સ્થાનિક સમાચાર

માનવી શ્રવણ શક્તિનો સદુપયોગ કરે :  યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી

18 February


આચાર્યશ્રીના નારણપર ગામપ્રવેશમાં સમસ્ત ગામે આવકાર આપ્યો


 ભુજ : જનમાનસને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરતા અવિરત ગતિમાન યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી કચ્છ જિલ્લામાં વિચરણ કરી રહ્યા છે. આચાર્યશ્રીએ મીરઝાપર કુમારશાળામાંથી પ્રભાત વેળાએ મંગલ વિહાર કર્યો હતો. ઠંડીની મૌસમ હવે વિદાય લઈ રહ્યી છે અને ઘડીયાળના કાંટા સાથે સાથે સુર્યનો તાપ પણ વધવા લાગ્યો છે. દરેક પરિસ્થિતિમાં અવિચલ અને દૃઢ સંકલ્પ ધરાવતા આચાર્યશ્રી મહાશ્રમણજી ગામેગામ અને નગરોમાં જઈ સામાન્ય જનતામાં સદાચારમાંનો સંદેશ ફેલાવી રહ્યા છે. આશરે ૧૨ કિ.મી. વિહાર કર્યા બાદ ગુરુદેવ નારણપરની કન્યા શાળામાં પ્રવાસ માટે પધાર્યા હતા.
મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીએ પાવન પાથેય પ્રદાન કરતાં કહ્યું કે, માનવજીવન દ્વારા મળેલું આ શરીર અશુધ્ધ,અનિત્ય,અપ્રિય અને નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે. માનવને પાંચ જ્ઞાનેન્દ્રિય પ્રાપ્ત છે - શ્રોત્રેન્દ્રિય (કાન), ચક્ષુરેન્દ્રિય (આંખ), ઘ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ) અને સ્પર્શેન્દ્રિય (ચામડી). માનવ કાનથી સાંભળે છે. સાંભળીને તે સારું અને ખરાબ બંનેને ઓળખી શકે છે. આચાર્યશ્રીએ કહ્યું કે અપ્રમત્ત ભાવથી સાંભળવાથી ઘણો લાભ થઈ શકે છે. પ્રશ્ન એ ઉદ્ભવી શકે કે જો કોઈની શ્રવણ શક્તિ સારી હોય, તો તેને શું, કેમ અને કેવી રીતે સાંભળવો જોઈએ ? સાંભળનાર પાસે પણ વિવેક હોવો જરૂરી છે. માનવને પોતાની શ્રવણ શક્તિનો સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાન દ્વારા સારા ભજનો, જ્ઞાનમય વાતો, જિનશાસનથી પ્રાપ્ત પ્રેરણાઓ, આચાર્યોની કલ્યાણમય વાણી વગેરે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાંથી સારી વાતો પ્રાપ્ત થાય, એનો સ્વીકાર કરવો જોઈએ અને તેને પોતાના જીવનવ્યવહારમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુમાં વધુ શ્રવણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રવચન, ધાર્મિક કથાઓ વગેરે સાંભળવાથી જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે અને જીવનની દિશા અને દશા પણ બદલાઈ શકે છે. ક્યારેક કોઈ દુઃખી વ્યક્તિનું દુઃખ સાંભળવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ, તો ક્યારેક કોઈની સલાહ અને શીખ પણ સાંભળવી જોઈએ. શ્રવણ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આજના વૈજ્ઞાનિક યુગે સૌને શ્રવણ માટે ઘણી સુવિધાઓ આપી છે.ઓનલાઇનના માધ્યમ દ્વારા પણ પ્રવચન વગેરે સાંભળી હજારો લોકો લાભ મેળવી શકે છે.પ્રવચન સાંભળીને એક સારા વક્તા પણ બની શકાય છે.નારણપર નીચલાવાસ સ્વામિનારાયણ મંદિરના અગ્રણી જાદુભાઈ પટેલ, જૈન સમાજના અગ્રણી ચંદુભાઈ મહેતા, ભોગીભાઈ શાહ, વિષ્ણુ સમાજના પ્રમુખ સુરેશભાઈ જોષી, મંત્રી ભરતભાઈ ગોર, રાજાભાઈ રબારી, પટેલ સમાજના અગ્રણી વેલજીભાઈ પીંડોરીયા અને પૂર્વ સરપંચ મેઘજીભાઈ ભૂડિયા, નૂતન સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી કિશોરભાઈ પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી અને સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM