મુન્દ્રામાં કુરિયર મારફતે ગાંજો મંગાવનાર શખ્સને પોલીસે પકડ્યો
એસઓજીએ દરોડો પાડ્યો છતા આરોપી મળ્યો ન હતો : સ્થાનિક પોલીસે કાર્ગોથી શખ્સને ઉઠાવી લીધો ’
મુન્દ્રા : ત્રણ દિવસ પહેલાં ભુજ એસઓજીએ મુન્દ્રામાં ગુંડાલા રોડ પર આવેલ ડિલિવરી લિમિટેડ નામની કુરિયર સર્વિસની ઓફિસ પર દરોડો પાડી ઓરિસ્સાથી કુરિયર મારફતે આવેલ ગાંજાનો જથ્થો પકડ્યો હતો. કુલ ૧૦.૧૪૯ કિલો ગાંજો કીંમત રૂા. ૧,૦૧,૪૯૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, માલ મોકલનાર કે લેનાર કોઈ મળ્યા ન હતા. માત્ર ગાંજો કબજે કરી એસઓજીએ સંતોષ માની લીધો હતો. જોકે, સ્થાનિક પોલીસે આ કિસ્સામાં મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી માલ માંગવનારને દબોચી લીધો છે. મોબાઈલ નંબરના આધારે મૂળ બિહારના હાલે ગાંધીધામમાં પડાણા મજૂર વસાહત ખાતે રહેતા આરોપી અશોકકુમાર ચનારીકપ્રસાદ રાયને કાર્ગો ઝુપડા આઝાદનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આગળની તપાસ ચાલુમાં છે. આ કામગીરીમાં પીઆઈ આર.જે. ઠુમરની સૂચનાથી સ્ટાફના દેવરાજભાઈ ગઢવી, દર્શનભાઈ રાવલ, પૃથ્વીરાજ ગઢવી, મુકેશભાઈ ચૌધરી જોડાયા હતા.

Comments