રાપર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત
રાપર : ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત સાથે નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. ગત ૧૬મીએ રાપર વાસીઓએ નગરપાલિકાના ર૭ પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાન કર્યું હતું. આજે સવારે નગરપાલિકા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાપરની કુલ ર૭ બેઠકો પૈકી ૧ બેઠક ભાજપાએ બિનહરિફ મેળવી હતી. ર૭ બેઠકો માટે થયેલ મતદાન બાદ આજે મતગણના હાથ ધરાઈ હતી. જેમાં ર૭ પૈકી ર૧ બેઠક પર ભાજપાએ જીત સાથે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૭ બેઠક રહી હતી.
રાપર નગરપાલિકાની મતગણતરી શરૂ થતા જ પ્રથમ વોર્ડનું કાઉન્ટિંગ હાથ ધરાયું હતું. પ્રથમ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ વિજયી થઈ હતી. તમામ ચાર બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. વોર્ડ નં.ર મા પણ ભાજપાએ તમામ ચાર બેઠકો પર જીત મેળવી હતી. વોર્ડ નં.૩ મા કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસને ફાળે બે-બે બેઠક રહી હતી. વોર્ડ નં.૪ ભાજપના ૧ ઉમેદવાર બિનહરિફ વિજયી થયા બાદ બાકીની તમામ ૩ બેઠકો પણ ભાજપે જીતી લીધી હતી. શહેરના વોર્ડ નં.પ કોંગ્રેસની સંપૂર્ણ પેનલ જીતી હતી. આ વોર્ડની તમામ ચાર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. વોર્ડની તમામ ચાર બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. વોર્ડ નં.૬ ની તમામ ચારેય બેઠકો ભાજપાએ કબજે કરી હતી. વોર્ડ નં.૭ મા ત્રણ બેઠક ભાજપને જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે રહેતા નગરપાલિકાની ર૮ બેઠકોમાંથી ર૧ બેઠક પર ભાજપની જીત થઈ હતી, જ્યારે સાત બેઠક કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા. મતગણતરી પૂર્ણ થયા બાદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શહેરમાં ભાજપના વિજયી ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ આજે પરિણામો કોંગ્રેસ માટે આંચકા જનક રહ્યા હતા. રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ભારે ગરમાગરમ બન્યો હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપની વણથંભી વણઝાર બાદ આજે કચ્છના રાજકીય સમીક્ષકોની મીટ રાપરના પરિણામો પર મંડાઈ હતી. જોકે, આજે જાહેર થયેલ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો ભાજપની તરફેણમાં રહ્યા હતા. રાપર પાલિકામાં સાત બેઠકો સિવાય તમામ મોરચે કોંગ્રેસને પરાજય ખમવો પડ્યો હતો.
ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી મામલતદાર એચ.બી.વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા એલસીબી પી.આઈ એન એન ચુડાસમા રાપર પીઆઇ જે.બી.બુબડીયા સહિત ના ચુસ્તપણ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મત ગણતરી હાથ ધરાઈ હતી. આડેસર પીઆઈ જે.એમ. વાળા, ગાગોદર પીઆઈ વી.એ. સેગલ, લીવ રીઝર્વ પીઆઈ મહેશ વાળા, બાલાસર પીએસઆઈ એસ.વી. ચૌધરી, પીએસઆઈ પી.એલ. ફણેજા એચ.વી. કાતરીયા, આર.આર. આમલીયાર, વી.એસ. સોલંકી, નાયબ મામલતદાર એસ.એસ. રાજપુત મહેશ ઠક્કર બી.આર. જાડેજા, વી.એ. મહેશ્વરી, એસ.બી. ઘાસુરા અધિકારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.
...................
રાપરની જનતાએ ભાજપની વિકાસની રાજનીતિ પર મૂક્યો વિશ્વાસ : કુલદીપસિંહ જાડેજા
રાપર : નગરપાલિકની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના કુલદીપસિંહ જાડેજાએ રાપરની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અપ્રચાર અને વાહિયાત આક્ષેપોની ભરમાર થઈ હોવા છતાં રાપરની જનતાએ કોંગ્રેસની નરફતવાદી અને જાતિવાદી રાજનીતિને નકારી ભાજપની રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી રાજનીતિને અપનાવી છે. આ જીત ભાજપના ઉમેદવારોની નહીં પણ રાપરની જનતાની જીત છે તેવું કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આવનાર દિવસોમાં ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરનો વિકાસ વેગવાન થશે. શહેરમાં જન સુવિધાઓની ખૂટતી કડીઓની પૂર્તતા કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ તકે તેમણે રાપર શહેર વિકાસ મુદ્દે કચ્છમાં સૌથી આગળ રહેશે તેવી ખાતરી આપી હતી.

Comments