Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પાલિકામાં ભાજપનો સપાટો : કોંગ્રેસના સુપડા સાફ 

18 February



ચૂંટણી પૂર્વે ૧૭ બેઠક બિનહરિફ મેળવ્યા બાદ બાકીની ૧૧ બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા : કોંગ્રેસને ન મળી એકેય બેઠક : ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની મહેનત રંગ લાવી : ભચાઉ ભાજપાએ મનાવ્યો વિજયોત્સવ : કોંગ્રેસ સંગઠનમાં સન્નાટો 


ભચાઉ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-ર૦રપ મા ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. કચ્છમાં યોજાયેલી ર પાલિકાઓની ચૂંટણી અને ૩ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં પરિણામો આવ્યા છે, જ્યારે ભચાઉ નગરપાલિકામાં ભાજપની આંધીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભચાઉ પાલિકાની તમામ ર૮ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસને સમ ખાવા પુરતી એકેય બેઠક પણ મળી નથી. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલાં જ ૧૭ બેઠકો ભાજપાએ બિનહરીફ કબજે કરી બહુમતિ મેળવી લીધી હતી ત્યારબાદ બાકી રહેતી ૧૧ બેઠક માટે ૧૬મીએ મતદાન થયું હતું. આજે વોંધ આઈટીઆઈ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમ જેમ ઈવીએમના સીલ ખુલતા થયા તેમ તેમ ભાજપની બિગ્રેડ ગેલમાં આવી ગઈ હતી. ભચાઉ પાલિકાની તમામ ૧૧ બેઠકો ભાજપના ફાળે જતા ભચાઉ પાલિકામાં ભાજપાએ ક્લિન સ્વીપ કર્યું હતું. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ભાજપ સંગઠને ભચાઉ શહેરમાં ઐતિહાસિક જીત મેળવી છે. આજના ચૂંટણી પરિણામોથી ભચાઉમાં કોંગ્રેસ નામશેષ થઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પાલિકાની ૧૭ બેઠકો બિનહરિફ ભાજપને ફાળે ગયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાંહતાશા ફેલાઈ ગઈ હતી. મતદાન વખતે પણ તેની અસર દેખાઈ હતી. ભચાઉ પાલિકાના ચાર વોર્ડમાં મતદાન વખતે કોંગ્રેસના કાર્યકરોની સક્રિયતા ઓછી દેખાઈ હતી. બે વોર્ડમાં તો કોંગ્રેસના ટેબલ જ ગોઠવાયા ન હતા. ચૂંટણી પૂર્વે કોંગ્રેસે કરેલા જીતના દાવા પોકળ સાબિત થયા હતા અને આજે પરિણામો બાદ કોંગ્રેસ સંગઠનમાં સન્નાટો છવાઈ ગયો હતો. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિજયોત્સવ મનાવ્યો હતો. ભચાઉ નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ રાજકીય પક્ષે ક્લિન સ્વીપ કરી તમામ બેઠકો અંકે કરી છે. જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા હતા. ભચાઉ શહેરમાં વિજેતા ઉમેદવારોનું વાજતે ગાજતે વિજય સરઘસ નિકળ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જોડાયા હતા. મત ગણતરી કેન્દ્ર પર ઉત્સવ સમો માહોલ છવાયો હતો.



.....................



ભચાઉની જનતાએ સમરસતાના કરાવ્યા દર્શન : માલતીબેન મહેશ્વરી 


ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત બાદ પ્રતિભાવ આપતા ગાંધીાધમના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ભાજપની જનતાએ સમરસતાના દર્શન કરાવ્યા છે. દરેક સમાજે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભાજપના તમામ ઉમેદવારો શહેરની સુખાકારીમાં વધારો કવરા હમેશા તત્પર રહેશે. આ તકે તેમણે ઐતિહાસિક પરિણામો બદલ પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભચાઉવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM