Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં નરાધમે હદ વટાવી : ચાર વર્ષની બાળકી સાથે કર્યા અડપલા 

17 February



ભોગ બનનાર હેબતાઈ જતા વાલીએ કરેલી પુછપરછમાં ખુલાસો થયા બાદ નરાધમ સામે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાયો 




ભુજ : વાગડ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બેકાબુ બનતી હોય તેમ અવાર-નવાર સમાજમાં કલંક રૂપ ઘટનાઓ સામે આવતી હોય છે. અગાઉ પણ વાગડ વિસ્તારમાં સગીરાઓ સાથે છેડતી, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બની ચૂકી છે. તેવામાં હવે ભચાઉમાં ચાર વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ આરોપીને પકડી શકી નથી. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર ચાર વર્ષિય બાળાના પિતાએ ભચાઉ પોલીસમાં જણાવ્યું કે, આરોપી ફુલવાડીના અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદીએ વિકૃતિની હદ વટાવી હતી. આરોપીએ માસૂમ બાળાને લલચાવી ફોસલાવી તેની શારીરિક અડપલા કર્યા હતા. માસૂમ હેબતાઈ જતા વાલીની પુછપરછમાં ખુલાસો થવા પામ્યો હતો. જે બાબતે ભચાઉ પોલીસમાં આરોપી સામે પોક્સો સહિતની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભચાઉ પીઆઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હજુ સુધી આરોપીની ધરપકડ થવા પામી નથી. 
છેલ્લા અઠવાડિયા દરમિયાન આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. કુમળીવયના બાળકો સાથે આ પ્રમાણેના વલણથી તેમના માનસપટ પર પણ અસર થતી હોય છે. આ કિસ્સામાં નરાધમ સામે સખત પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 


.........


ભુજમાં સરાજાહેર રોડ પર યુવતીની છેડતી કરવાના ગુનામાં પોલીસને આરોપીઓ મળતા નથી ! 



શહેરમાં કેમ્પ એરિયા ખાતે રિલાયન્સ મોલ નજીક યુવતી પસાર થતી હતી ત્યારે પાછળથી લુખ્ખા તત્ત્વો આવ્યા અને દુપટ્ટો ખેચીને છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના યુવતી પ્રતિકાર કરીને ભાગી ગઈ. આ બાબતે ફરિયાદ પણ નોંધાવાઈ હતી. જોકે, બનાવને ત્રણ દિવસ ઉપરાંતનો સમય વીતી જવા છતા બાહોસ કહેવાતી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. અગાઉ પણ આ વિસ્તારમાં છેડતી સહિતના બનાવો બની ચૂક્યા છે. હાલમાં અહીં હોસ્પિટલ, મોલ સહિતનો વિસ્તાર હોવાથી લોકોની અવરજવર હોય છે. તેવામાં અહીં લુખ્ખા તત્ત્વોના આટાફેરા દિવસરાત ચાલુ હોય છે. આ રોડ પર ત્રણથી ચાર સરકારી કચેરીઓ, હોસ્પિટલો આવેલી છે. તેવામાં સાંજના આઠ વાગ્યાના અરસામાં એક યુવતી જતી હતી. પાછળથી આવેલા શખ્સોએ તેને પકડી બાવળોની ઝાડીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુદ ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે. બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ થયા બાદ હજી સુધી આરોપીની ધરપકડ થઈ નથી. જેથી બી-ડિવિઝન પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. નજીકમાં કેમ પોલીસ ચોકી હોવા છતાં આ ઘટના પોલીસની કોઈ ધાક ન રહી હોવાનું સૂચવે છે. 

 

Comments

COMMENT / REPLY FROM