Trending News
સ્થાનિક સમાચાર

લુણવામાં PSI  સહિતના ખાખીધારીઓ પર હત્યાના ઈરાદે જીવલેણ હુમલો 

16 February

વાગડમાં કાયદાની ઐસી કી તૈસી





ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ પીએસઆઈને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થરો ઝીંકી દીધો : બે મહિલા સહિત પાંચ ખાખીધારીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર માર્યો : પોલીસની સરકારી ગાડીઓમાં તોડફોડ પણ કરાઈ : સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે થયો હતો ડખ્ખો




આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં ટોળુ તુટી પડ્યું : રર નામજોગ અને ૭૦ અજાણ્યા સ્ત્રી - પુરૂષોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ 


ભચાઉ : વાગડમાં પાસા કયારે બદલાઈ જાય તે નક્કી નથી હોતું. ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ તેમાં પોલીસ ગઈ ત્યારે ૭૦થી ૮૦ માણસોના ટોળાએ આંગળીના વેઢે ગણાય તેટલા પોલીસ પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. જેમાં પીએસઆઈ અને પાંચ ખાખીધારી ઘવાયા હતા. હુમલો કરીને ટોળુ ભાગી ગયું પણ ગામમાં ગયેલા ખાખીધારીઓને સારવાર લેવા માટે હોસ્પિટલ જવાની નોબત આવી હતી. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લુણવા ગામમાં સ્પીડ બ્રેકર બનાવાયા હતા, જે બાબતે ડખ્ખો થયો હતો. ફરિયાદી પ્રવીણભાઈ ખેતાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે તે અને સાહેદો આરોપીઓને કહેવા ગયા હતા કે, તમે રસ્તામાં મોટા જમ્પ કેમ બનાવ્યા ? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ધકબુશટનો માર  માર્યો હતો. જેથી ગામના રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી સામે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી હતી. દરમિયાન આ કામના આરોપીઓ ફરિયાદી અને સાહેદોને મારવા માટે જતા હોઈ પોલીસને જાણ કરાઈ હતી. જેથી ભચાઉ પીએસઆઈ ડી.જે. ઝાલા અને પોલીસ ટીમ લુણવા ગામમાં ગઈ ત્યારે આરોપીઓ આ કામના ફરિયાદી પક્ષના માણસોને મારવાની કોશિષ કરતા હતા. પોલીસ વચ્ચે પડી ત્યારે આરોપીઓ પોલીસ પર તુટી પડ્યા હતા. અંદાજે ૯૦થી ૧૦૦ લોકો દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. 
ફરિયાદ લીધી જ કેમ તેમ કહીને આરોપીઓ તુટી પડ્યા અને પીએસઆઈ ડી.જે. ઝાલાને નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પકડી રાખ્યા અને મુખ્ય આરોપી રાજેશ સામંત કોલીએ પોતાના હાથમાં રહેલો ધારદાર પથ્થર પીએસઆઈને માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે માર્યો હતો. જેથી ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. અન્ય પોલીસ કર્મચારી વિશ્વરાજસિંહ વિક્રમસિંહને ડાબા હાથે છગન મેરૂ કોલીએ ધોકો માર્યો હતો. જયદીપસિંહ ભીખુસિંહ ડાભીને ટોળાએ મારેલો પથ્થર વાગતા સાથળમાં ઈજા થઈ હતી. મયુરસિંહ જયેન્દ્રસિંહને જમણા પગના ઘુટણમાં ઘા વાગ્યો હતો. મહિલા પોલીસ કર્મચારી નરમાબેન ડામોર અને મમતાબેન ભેમાભાઈ બારોટને પીઠના ભાગે પથ્થર વાગ્યો હતો. આરોપીઓએ પોલીસની સરકારી ગાડીમાં ધોકા અને પથ્થર મારી નુકશાન પહોંચાડયું હતું. 


.............


આ માથાભારે શખ્સોએ પોલીસને પડકાર ફેક્યો 



સરકાર તરફે ભચાઉ પોલીસના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમાએ આરોપી રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી, રમેશ મનજી કોલી, મુકેશ સામત કોલી, હરજી કાનજી કોલી, રાજેશ જીવા કોલી, મોતી સામો કોલી, ભરત સામત કોલી, માવજી રામજી કોલી, ધનજી જેસંગ કોલી, નાગજી રામજી કોલી, ભાવેશ મોમાયા કોલી, બાબુ સામત કોલી, મેઘા જુમા કોલી, વાલા મેઘા કોલી, રમેશ ભોજા કોલી, પરમાબેન જીવા કોલી, લક્ષ્મણ ખેતા કોલી, માવજી રામજીની પત્ની, ધનજી જેસંગ કોલી, છગન મેરૂ કોલી, લાડુબેન મોતી કોલી તથા ૬૦થી ૭૦ સ્ત્રી - પુરૂષોના ટોળા સામે રાયોટીંગ સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

...........



ભચાઉ પોલીસની કર્તવ્યનિષ્ઠા : કાફલો ચૂંટણીના બંદોબસ્તમાં 




એકતરફ હજુ ગઈકાલે રાત્રે પોલીસ પર જીવલેણ હુમલો કરાયો છે. હુમલામાં ઘવાયેલા ખાખીધારીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ અને હાલમાં તેઓ આરામમાં છે. આ ઘટનાએ પૂર્વ કચ્છના પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી હતી. પરંતુ ભચાઉ પોલીસની કર્તવ્ય નિષ્ઠા બિરદાવવા લાયક છે. ગઈકાલે હુમલો થયો હોવા છતાં પોલીસે ચૂંટણી બંદોબસ્તને અગ્રતા આપી છે. ભચાઉ પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયાથી વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ટીમ ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલી છે. બંદોબસ્ત પૂર્ણ થતાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે. 


...........



મતદાનની આગલી રાત્રે બનેલી ઘટનાએ તંત્રની સજ્જતાની પોલ પાધરી કરી 




વાગડમાં ચૂંટણી અનુસંધાને પોલીસ દ્વારા દરરોજ ફૂટમાર્ચ યોજવામાં આવતી અને અલગ અલગ સ્થળોએ વાહન ચેકિંગ કરી ચૂસ્ત બંદોબસ્તના દાવા કરવામાં આવ્યા હતા. ગઈકાલે ખુદ કલેકટર ભચાઉ અને રાપર ગયા હતા. જયાં ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી હતી. ચૂંટણી બંદોબસ્તમાં અનેક અધિકારીઓને જવાબદારી અપાઈ છે. સજ્જતા દાવા વચ્ચે લુણવામાં ટોળાએ પોલીસ પર કરેલા હિંચકાર હુમલાએ તંત્રની સજ્જતાની પોલ પાધરી કરી છે. એકતરફ જાહેરમાં નિવેદન અપાતા હોય કે, વાગડમાં કાયદો વ્યવસ્થા કાબુમાં છે અને મતદાનની આગલી રાત્રે જ લુણવામાં હુમલાખોરોએ કાયદો વ્યવસ્થા હાથમાં લેતાં જીવ બચાવવા માટે પોલીસને પણ દોડવા માટે મજબૂર થવું પડ્યું હતું.

...........

Comments

COMMENT / REPLY FROM