કચ્છમાં લોકશાહીનો મહાયજ્ઞ : મતદારોએ આપી મતરૂપી આહૂતિ
ભચાઉ - રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને લાકડીયા, દરશડી, મોટી ભુજપુર તાલુકા પંચાયત બેઠક માટે ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ મતદાન : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારોએ નિભાવી પવિત્ર ફરજ : ૧૮મીએ હાથ ધરાશે મત ગણતરી
ભુજ : ચૂંટણીએ લોકશાહી રાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવાય છે, ત્યારે આજે કચ્છ જિલ્લાની બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાનરૂપી યજ્ઞ ચાલી રહ્યું છે. જેમાં મતદારો પોતાના મતરૂપી આહુતી આપી લોકશાહનાી મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે સવારે કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કચ્છમાં રાપર નગરપાલિકાની ર૮ અને ભચાઉ નગરપાલિકાની ૧૧ બેઠકો અને માંડવી તાલુકા પંચાયતની દરશડી, મુંદરા તાલુકા પંચાયતની મોટી ભુજપુર અને ભચાઉ તાલુકાની લાકડીયા તાલુકા પંચાયત બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કચ્છના વાગડ પંથકમાં આજે બે પાલિકાઓની ચૂંટણી માટે થઈ રહેલા મતદાન ટાંકણે ઉત્સવ સમો માહોલ જોવા મળ્યો હતો. ભચાઉ નગરપાલિકામાં ભાજપે ચૂંટણી પૂર્વે જ ૧૭ બેઠક બીનહરીફ કબજે કરી બહુમતી મેળવી લીધી છે. જયારે બાકી રહેલી ૧૧ બેઠકો માટે આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. કુલ્લ ચાર વોર્ડના ૧૮ મતદાન મથક પર સવારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ચૂંટણી અધિકારી અને ભચાઉ એસડીએમના નેતૃત્વમાં ૯૦ જેટલા કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજના મતદાનથી ભાજપના ૧૧ અને કોંગ્રેસના ચાર ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં સીલ થશે. સવારે ૭ થી ૯ વાગ્યા સુધીમાં ૪.૭૪ ટકા મતદાન થયું હતું. કચ્છના રાજકીય સમીક્ષકોની મીટ રાપર નગરપાલિકાની ચૂંટણી પર મંડાયેલી છે. રાપરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. રાપરમાં ૧૪ શાળાની ઈમારતોમાં ર૬ બુથ પર ર૩૧૧૧ મતદારો ર૬ જન પ્રતિનિધિઓનું ભાવિ ઘડશે. આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ૧૩૭ પોલીંગ સ્ટાફ અને ૧૯૦ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પારદર્શક મતદાન પ્રક્રિયા પાર પાડવા જહેમત ઉઠાવી રહ્યા છે. સવારે ૭ થી ૯ વાગ્યા સુધીમાં રાપરમાં કુલ્લ ૮.૪પ ટકા મતદાન થયું હતું. જયારે ૧૧ વાગ્યા સુધી કુલ્લ ર૩.૬૬ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
..............
ગાંધીધામના રાજકીય અગ્રણીઓના રાપરમાં ધામા
રાપર ખાતે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અનુલક્ષી આજે વોર્ડ નં.૩, ૫, ૭ ખાતે ગાંધીધામના રાજકીય અગ્રણી તેજસભાઈ શેઠ, મહેશ પુંજ
કમલેશભાઈ પરિયાણી, ભરતભાઈ મીરાણી, જાગૃતિબેન શાહ વગેરે હાજર રહ્યા હતા અને પાર્ટીના કાર્યકરોનું ઉત્સાહ વર્ધન કર્યું હતું.
............
ભચાઉમાં બે વોર્ડમાં કોંગ્રેસના ટેબલ જ ન ગોઠવાયા
ભચાઉ : શહેરની નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ ભાજપાએ ૧૭ બેઠકો બિનહરીફ મેળવી બહુમત મેળવી લીધી છે. આજે ૧૧ બેઠકો માટે કુલ્લ ચાર વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે. સામાન્ય રીતે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા મતદાન કેન્દ્રો આસપાસ મતદારોને બુથ વીશે માહિતગાર કરવા ટેબલ ગોઠવવામાં આવતા હોય છે. પરંતુ ભચાઉના ચાર પૈકી બે વોર્ડમાં કોંગ્રેસના ટેબલ જ જોવા મળ્યા ન હતા.
...........
દરશડી બેઠક પર ૧૧ વાગ્યા સુધી રર.૭ ટકા મતદાન
માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક પર કુલ્લ પપ૮૯ મતદારો નોંધાયેલા છે. આજે સવારે ૭ કલાકે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સવારે પ્રથમ ચાર કલાકના અરસામાં ૭પ૭ પુરૂષ અને પ૧૦ સ્ત્રી મતદારો સહિત કુલ્લ ૧ર૬૭ મતદારોએ પોતાનું મતદાન કર્યું હતું. બપોરે ૧૧ વાગ્યા સુધી રર.૭ ટકા મતદાન થયું હતું. દરશડી બેઠકના છ મતદાન કેન્દ્રો પર સવારે સાત વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. વાંઢ, કોજાચોરા, દરશડી, મમાયમોરાના મતદારોએ વહેલી સવારે મતદાન મથકો પર પહોંચી જઈ પોતાની નૈતિક ફરજ બજાવી હતી. ભાજપના ઉમેદવાર વિનોદ જબુઆણી અને કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ સંઘારે પણ મતદાન કર્યું હતું. ગઢશીશા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને જીઆરડી જવાનો દ્વારા મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
...........
રાપરમાં તહેવાર સમો માહોલ
શહેર સુધરાઈના સુકાનીઓની વરણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાપરના ચૂંટણી જંગમાં ભાજપ - કોગ્રેસ વચ્ચે કાંટાની ટકકર છે. આજે સવારથી જ બન્ને પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો પોતાના ઉમેદવારની તરફેણમાં પૂર્ણ મતદાન થાય તે માટે દોડતા નજરે ચડયા હતા. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓએ મોરચો સંભાળ્યો હતો. બીજીતરફ કોંગ્રેસ વતી ભચુભાઈ આરેઠીયા અને પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ પોતાનું મતદાન કર્યા બાદ કાર્યકર્તાઓનું ઉત્સાહ વધાર્યો હતો. બન્ને પક્ષોએ રાપર નગરપાલિકામાં જંગી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. રાપરના મતદારો કોની તરફેણમાં મતદાન કરી સુધરાઈમાં સતાનું સુકાન સોંપશે તેનો ખુલાસો ૧૮મીએ મત ગણના બાદ થશે.
..........
મોટી ભુજપુર બેઠક પર શાંતિપૂર્ણ મતદાન
મુંદરા : તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારે ૧૧ વાગ્યા સુધી ૧પ.૩૮ ટકા મતદાન થયું હતું. જેમાં શીરાચા, નાની ભુજપુર, મોટી ભુજપુર, બોરાણા, જબલપુર, પ્રતાપપરના મતદારોએ શાંતિપૂર્ણ રીતે પોતાની બંધારણીય ફરજ નિભાવી હતી. આ બેઠક કોંગ્રેસના સભ્ય નારાણભાઈ ગઢવીનું નિધન થતા ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપના નારાણભાઈ સાંખરા અને કોંગ્રેસના રતનભાઈ સાંખરા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ બેઠકના કુલ્લ ૩૩૪૮ પૈકી પ૯ર મતદારોએ બપોરે ૧૧ વાગ્યા સુધી મતદાન કર્યું હતું. આજે સાંજ સુધી વધુમાં વધુ મતદાન થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
.............
રાપરમાં મતદારો બુથ શોધતા દેખાયા
રાપર શહેરની ૧૪ શાળાઓમાં ર૬ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે બુથ વ્યવસ્થામાં મતદારોને નજીકના મતદાન મથકના બદલે દુરના મતદાન મથક પર વોટીંગ મળ્યું હોવાથી કેટલાક મતદારો પોતાનું બુથ શોધતા નજરે ચડયા હતા. મતદારોએ દુર ફાળવાયેલા મતદાન મથક સામે કચવાટ વ્યકત કર્યો હતો.
..........
લાકડીયા બેઠક પર મતદારોનો ઠંડો ઉત્સાહ
ભચાઉ તાલુકા પંચાયતની લાકડીયા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પરંતુ સવારના પ્રથમ બે કલાકના તબક્કામાં મતદારોનો ઉત્સાહ ઠંડો રહ્યો હતો. આ બેઠક પર નોંધાયેલા કુલ્લ ૬૭૯૦ મતદારો પૈકી સવારે ૯ વાગ્યા સુધી માત્ર રપર મતદારોએ જ મતદાન કર્યું હતું. પ્રથમ બે કલાકમાં ૩.૭૧ ટકા મતદાન થયું હતું
...........
મતદાન પ્રક્રિયાનું એસપીએ કર્યું નિરીક્ષણ
વાગડમાં આજે બે પાલિકાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે વિવિધ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયાનું જાત નિરીક્ષણ કરી સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવ, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, હેડ કવાર્ટર નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. ભાટીયા, ગાંધીધામ મામલતદાર એચ.બી. વાઘેલા, રાપર ચીફ ઓફીસર રવાજી જાડેજા, એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, એસઓજી પીઆઈ ડી.ડી. ઝાલા, રાપર પીઆઈ જે. બી. બુબડીયા, ગાગોદર પીઆઈ વી.એ.સેંગલ, ખડીર પીઆઈ એમ.એન.દવે, આડેસર પીઆઈ જે. એમ. વાળા, પીએસઆઈ એમ. વી. જાડેજા, પી.એલ. ફણેજા, આર.આર.આમલીયાર, વી.એસ. સોલંકી, એસ.વી. ખાતરીયા, નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત, મહેશ ઠક્કર, બી.આર.જાડેજા, કે.સી. સુથાર, વી.એ. મહેશ્વરી, એસ.બી. ધાસુરા વગેરે જોડાયા હતા.
............

Comments