સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : મતદાન મશિનો ડિસ્પેચ કરાયા
રાપરમાં ર૬ બૂથ પર આવતીકાલે મતદાનઃ ૧પ૦ જેટલા સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત : પ્રોબેશનલ આઈપીએસ અધિકારી વિકાસ યાદવને ચૂંટણી બંદોબસ્તની જવાબદારી સોંપાઈ
ભુજ : આવતીકાલે કચ્છમાં બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ૩ તાલુકા પંચાયત બેઠકોની ચૂંટણી માટે મતદાન થશે. આજે સાંજે સ્ટ્રોંગરૂમમાંથી મતદાન માટેના ઉપકરણો અને અન્ય સામગ્રીઓની ચકાસણી બાદ મતદાન કેન્દ્રો પર રવાના કરવામાં આવી રહ્યા છે. રાપર, ભચાઉ, મુંદરા અને માંડવી ખાતેના સ્ટ્રોંગરૂમમાંથી મતદાન માટે ઈવીએમ, વીવીપેટ અને અન્ય સાહિત્ય ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં મોકલવામાં આવ્યા હતા. આજે સાંજે તમામ મતદાન મથકો પર મતદાન માટે ફરજ પર મૂકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર થઈ જશે. રાપરના ૧૭ જેટલા અતિ સંદેદનશીલ મતદાન કેન્દ્રો પર ડીવાયએસપીશ્રીના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા ચૂંટણી તંત્ર પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સજ્જ થયું છે. રાપર પાલિકા માટે ર૬ બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ર૩,૧૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ર૦૦ જેટલા કર્મચારીઓને મતદાનની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી એસ.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર પાંચ સંવેદનશીલ બૂથ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. કર્મચારીઓને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. મામલતદાર એચ.બી.વાઘેલા, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, મહેશ ઠક્કર, કે.સી. સુથાર, ચીફ ઓફિસર રવાજી જાડેજા, એસ.બી.ધાસુરા, સંજય પટેલ, વિશાલ મહેશ્વરી, મહેશ સુથાર, મેહૂલ દવે, પરસોત્તમ ચાવડા, વિજય જાની સાહિતના કર્મચારીઓ કામગીરી જોડાયા છે. તો સુરક્ષા માટે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડી.આર.ભાટીયા, રાપર પીઆઈ જે.બી.બુબડીયાના વડપણ હેઠળ પાંચ પીએસઆઈ, ૬૧ પોલીસ કર્મચારીઓ, આઠ એસઆરપી, ૭૦ હોમગાર્ડ સહિત ૧૪૬ કર્મચારીઓ ફરજ બજાવશે.
આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ ૧૮મીએ મત ગણતરી હાથ ધરાશે. ભચાઉ નગરપાલિકાની મત ગણતરી વોંધ આઈટીઆઈ ખાતે જ્યારે રાપર નગરપાલિકા મત ગણતરી નગરપાલિકા કચેરીના પ્રથમ માળે હાથ ધરવામાં આવશે.

Comments