ભુજમાં આચાર્ય મહાશ્રમણ ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉદયોત્સવ
ભુજ : જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ટ્રસ્ટ દ્વારા ૧૭ ફેબ્રુઆરીના યુગપ્રધાન પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના પાવન સાન્નિધ્યમાં આચાર્ય મહાશ્રમણ દીક્ષા કલ્યાણ મહોત્સવના પાવન અવસરે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ટ્રસ્ટ દ્વારા “આચાર્ય મહાશ્રમણ ઈન્ટરનેશનલ સ્કૂલ” ની સ્થાપનાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ મહાન પ્રકલ્પ અંતર્ગત દેશભરમાં ઉચ્ચ સ્તરના શાળાઓની શ્રેણી સ્થાપવામાં આવશે, જે શિક્ષણ, સંસ્કાર અને આધુનિકતાના સમન્વયથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પાવન સંકલ્પના એક ભાગરૂપે ગુજરાતમાં ભૂજ મઘ્યે - શાળાની સ્થાપનાને અનુરૂપ લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા આશરે ૪ એકર જમીન શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ટ્રસ્ટ ને લૉન્ગ લીઝ પર આપવામાં આવી છે. આ શાળા ભૂજમાં યોજાયેલ ઐતિહાસિક મર્યાદા મહોત્સવની સ્મૃતિરૂપે અંકિત રહેશે.આ ઐતિહાસિક કાર્યક્રમનો શિલાન્યાસ સમારોહ સવારે ૮ઃ૧૧ વાગ્યાથી તથા ઉદયોત્સવ મહોત્સવ સવારે ૧૦ઃ૧૫ કલાકે થી આચાર્યશ્રી મહાશ્રમણજી ઈન્ટરનેશનલ સ્કૂલ ભૂજ મધ્યે યોજાશે.આચાર્ય મહાશ્રમણ ઈન્ટરનેશનલ સ્કૂલ, ભૂજના જમીન પ્રદાતા છે લાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ, ભૂજ અને તેના નિર્માતા અને સંચાલક છે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા ટ્રસ્ટ અમૃતપ્રયાણમાં ૧૭ ફેબ્રુઆરીના પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી પોતાનાં ચરણસ્પર્શથી આ પવિત્ર ભૂમિને ધન્ય બનાવશે. તેમના પાવન સાન્નિધ્યમાં “ઉદયોત્સવ”નું ભવ્ય આયોજન થશે અને જૈન સંસ્કાર વિધિથી શાળાના પરિસરની શિલાન્યાસ વિધિ પણ યોજાશે. આ સુજ્ઞાન, સુસંસ્કાર અને સુવિકાસના પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ અને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો સ્થાપીએ.તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ભુજના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
.........................

Comments