Trending News
સ્થાનિક સમાચાર

ભુજના કેમ્પ એરિયામાં યુવતીની આબરૂ લેવાનો પ્રયાસ થતાં ચકચાર

14 February



નોકરીએથી ઘરે જતી વખતે પાછળથી આવેલા અજાણ્યા ઈસમો યુવતીની છેડતી કરી બાવળોની ઝાડીમાં ઢસડી ગયા, યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થયા અને અજાણ્યા ઈસમો ભાગી ગયા : કેમ્પ વિસ્તારમાં બનેલી ઘટના લાલબતી સમાન : અગાઉ એસપી સાગર બાગમાર વખતે કેમ્પ એરિયામાં સઘન કોમ્બિંગ સાથે પેટ્રોલિંગ કરાતા અસામાજિક તત્ત્વો ઉતર્યા હતા ભૂગર્ભમાં : ફરી કોમ્બિંગ અને પેટ્રોલિંગની જરૂરિયાત 



ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં નવી મેન્ટલ હોસ્પિટલને જોડતા રોડ પર હોસ્પિટલ, મોલ સહિતના બન્યા હોવાથી અહીં લોકોની અવરજવર વધારે હોય છે તેવામાં ગઈકાલે રાત્રે નોકરી પૂર્ણ કરી યુવતી ઘરે જતી હતી, ત્યારે તેની આબરૂ લેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી ગઈ છે.  આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ અહીં નોકરી કરતી યુવતી રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં પસાર થતી હતી. ત્યારે ચર્ચ પાસે આ બનાવ બન્યો હતો. પાછળથી અજાણ્યા ઈસમો આવ્યા અને યુવતીની છેડતી કરવાના ઈરાદે દુપટ્ટો ખેંચી લીધો હતો. અને યુવતીને પકડી જમીન પર ઢસડીને બાવળોની ઝાડી તરફ લઈ જતા હતા. આ દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરી મુકતા આસપાસના લોકો ભેગા થઈ ગયા અને લોકોને જોઈ અંધારાનો લાભ લઈ આ ઈસમો ભાગી ગયા હતા. ચકચાર જગાવનારી આ ઘટનામાં યુવતીએ અજાણ્યા ઈસમો સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. 
મહત્વની બાબત એ છે કે, આ આખા રોડ પર મોટે ભાગે અંધારપટ જોવા મળે છે. અહીં સાંજ પડતાં જ લુખ્ખા આવારા તત્ત્વોના આંટાફેરા વધી જાય છે. અહીં આર્મીનું મેસ હોવા છતાં અંધકારમય રસ્તો રહે છે. અગાઉ એસપી તરીકે સાગર બાગમાર પાસે ચાર્જ હતો, ત્યારે કેમ્પ એરિયામાં સઘન કોમ્બિંગ સાથે ગુનેગારોના ઘરે જઈ સ્થિતિ તપાસવા ઉપરાંત દરરોજ સાંજે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું જેના કારણે ગુનાખોરી કાબૂમાં આવી હતી. પરંતુ હાલમાં જોવા જઈએ તો પેટ્રોલિંગનું નામોનિશાન નથી. નજીકમાં જ કેમ્પ પોલીસ ચોકી છે. જે મોટાભાગે બંધ જોવા મળે છે.  બનાવ બન્યો તેનાથી સાવ નજીકમાં કચ્છ બોર્ડ રેન્જ આઈજીનું ઘર આવેલું છે તેમ છતાં અહીં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવી પ્રતિતિ બી ડિવિઝન પોલીસે કરાવી છે. કારણ કે, ૮ વાગ્યાના અરસામાં કોઈ યુવતી એકલી પસાર ન થઈ શકે તો સ્ત્રી સુરક્ષાના દાવા કયારે સાબિત થાય. આ ચકચારી બનાવ અંગે આરોપી પકડાયા કે નહીં તે બાબતે બી ડિવિઝનના પીઆઈ જે.કે. મોરી અને તપાસનીશ પીએસઆઈ ડી.કે. વાઘેલાનો ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શકયો ન હતો. 

Comments

COMMENT / REPLY FROM