Trending News
સ્થાનિક સમાચાર

શ્વેતક્રાંતિ : કચ્છમાં સરહદ ડેરી દ્વારા વાર્ષિક ૧૦૮૦ કરોડનું પશુપાલકોને ચૂકવણું

14 February




સરહદ ડેરી પર દૈનિક સરેરાશ સાડા પાંચ લાખ લીટર દૂધની આવક : માલધારી - પશુપાલકોને દૈનિક રૂા.૩ કરોડની આવક : વર્ષ ર૦૦૯માં સરહદ ડેરીની સ્થાપના બાદ પશુધનની મોટી વસ્તી ધરાવતા જિલ્લામાં થયા હતા શ્વેતક્રાંતિના મંડાણ  : જિલ્લાની સૌથી મોટી ડેરીનું ૧ લાખ પશુપાલકોના જીવનસ્તર ઉંચુ લાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન


ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં ર૦ લાખથી વધુ પશુધન અને પશુપાલન સાથે સંકળાયેલા ૧ લાખથી વધુ માલધારી - પશુપાલકો છે. વર્ષ ર૦૦૯માં તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કચ્છમાં સરહદ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. અંદાજીત દોઢ દાયકાના સમયગાળામાં સરહદ ડેરી કચ્છમાં શ્વેતક્રાંતિનું માધ્યમ બની છે. કચ્છમાં હાલે ડેરી ઉદ્યોગ ખૂબ સારા પ્રમાણમાં ધમધમી રહ્યો છે. કચ્છની સૌથી મોટી ડેરી પણ જિલ્લાના પશુપાલકોના જીવન સ્તરને ઉંચુ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
કચ્છની સરહદ ડેરી સાથે ૮૭૦ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સંકળાયેલી છે. આ મંડળીઓ મારફતે જિલ્લાના ૮૦ હજારથી વધુ પશુપાલકો ડેરી સાથે જોડાયા છે, જે પૈકી ૩૦ ટકાથી વધુ એટલે કે રપ હજાર મહિલા પશુપાલકો છે. કચ્છની સરહદ ડેરી પર હાલે દૈનિક સરેરાશ સાડા પાંચ લાખ લીટર દૂધની આવક થાય છે. જે માટે પશુપાલકોને સરહદ ડેરી દ્વારા દૈનિક અંદાજીત રૂા.૩ કરોડનું ચૂકવણું કરવામાં આવે છે.સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલેે જણાવ્યું હતું કે, સરહદ ડેરી દ્વારા હાલે પ્રતિ કિલો ફેટના ભાવ રૂા.૭૯૦ કરવામાં આવ્યા છે. સરહદ ડેરી પર ગાય અને ભેંસના દૂધની સારી આવક થઈ રહી છે. જોકે, ઉનાળાના દિવસો દરમ્યાન દૂધ ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. કચ્છ સરહદ ડેરીએ ઊંટડીના દૂધના પ્રચાર - પ્રસાર માટે ઊંટડીના દૂધથી નિર્મિત આઈસક્રીમના નવા પ્લાન્ટ શરૂ કર્યા છે. આગામી વર્ષમાં સાત લાખ લીટર દૈનિક દૂધ ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યુું છે. હાલે સરહદ ડેરી દ્વારા વાર્ષિક અંદાજીત રૂા.૧૦૮૦ કરોડ સરહદ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને ચૂકવવામાં આવી રહ્યા છે. 
કચ્છના સરહદી બન્ની વિસ્તારને દૂધનું પોકેટ માનવામાં આવે છે. અહીંના પશુપાલકો દ્વારા ૭૦ હજારથી વધુ લીટર દૂધ સરહદ ડેરીને આવે છે. આ ઉપરાંત અન્ય ડેરી પર પણ દૂધ જતું હોય છે. બન્ની વિસ્તારમાં દૈનિક અંદાજીત ૧ લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે, જેમાંથી ૭પથી ૮૦ ટકમા દૂધ સરહદ ડેરી દ્વારા એકત્ર કરવામાં આવે છે. સરહદ ડેરીની સ્થાપના બાદ બન્ની વિસ્તારના પશુપાલકો - માલધારીઓના જીવન સ્તરમાં મોટો સુધાર થયો છે.



...............



સરહદ ડેરીની મેડિકલ ટીમ સતત કાર્યરત

કચ્છના બન્ની વિસ્તારના લોકોની આજીવિકાનું સૌથી મોટું સાધન પશુપાલન અને દૂધ ઉત્પાદન છે. પશુપાલન એ બન્નીનો સૌથી મોટો રોજગારી આપતો વ્યવસાય છે. બન્નીના પશુઓના સ્વાસથ્યની કાળજી માટે સરહદ ડેરીની મેડિકલ ટીમ પણ સતત તૈનાત રહેતી હોય છે. સરકારી પશુ દવાખાના અને વેટરનરી ડોક્ટરોની ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરે છે. કોઈપણ પશુ રોગચાળા કે અન્ય મુશ્કેલી વખતે સરકારી ટીમ સાથે રહી કાળજીપૂર્વક કામગીરી કરે છે.


....................

રાષ્ટ્રીય સ્તરે બન્નીની ભેંસની માંગ વધે તેવા પ્રયાસ


સારી ગુણવત્તાના દૂધનું ઉત્પાદન કરી બન્ની વિસ્તારે પશુપાલન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. આ સ્થાનની ખાસિયતના કારણે બન્નીમાં ઉત્પાદિત થતું દૂધ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ સારી ગુણવત્તા ધરાવે છે. આ વિસ્તારમાં એ-ટુ ગુણવત્તાનું દૂધ મળી શકે તેમ છે. અન્ય ભેંસના દૂધ કરતા બન્નીની ભેંસની દૂધની ગુણવત્તા ખૂબ ઉંચી હોવાથી રાષ્ટ્રીય સ્તરે બન્ની ભેંસની માંગ અને કિંમત વધે તે દિશામાં સરકાર સાથે મળી સરહદ ડેરી દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.




...................



બન્નીના પશુઓનું દૂધ છે ખાસ

કચ્છ જિલ્લામાં દૂધ પ્રોડક્શન ખર્ચ ઓછો આવે તેવી વિશેષતા બન્ની વિસ્તારની ખાસિયત છે. કારણ કે, અહીં એશિયાના સર્વ શ્રેષ્ઠ ધાસિયા મેદાન આવેલા છે. આ ઘાસમાં ૧૭ ટકા જેટલું પ્રોટિન હોય છે. સરહદ ડેરીના કેટલફીડ પ્લાન્ટમાં જે ઘાસ બનાવવામાં આવી રહ્યું છે તેમાં ર૦ થી રર ટકા પ્રોટિનનો ઉમેરો કરવામાં આવે છે. બન્ની વિસ્તારના પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી છે. સરહદ ડેરી દ્વારા શુદ્ધ દૂધ ઉત્પાદન ઉપરાંત પશુઓ અને પશુપાલકોના હિતની પણ કાળજી લેવામાં આવે છે.


 

Comments

COMMENT / REPLY FROM