બુદ્ધિથી થઈ શકે છે સમસ્યાના કારણનું નિવારણ : યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી
ભુજ : શહેરની પવિત્ર ધરા પર વિરાજમાન જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અનુશાસ્તા, અહિંસા યાત્રાના પ્રણેતા, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી બુધવારે મંગલ પ્રવચન બાદ મંછા કેશવ ભવનમાં પધાર્યા હતા અને ત્યારબાદ રાત્રિવિશ્રામ માટે ભુજના તેરાપંથ ભવનમાં વિરાજમાન થયા હતા. ભુજના શ્રદ્ધાળુઓએ આ પ્રસંગને પવિત્ર માન્યો અને આનંદની અનુભૂતિ કરી હતી. ગુરુવારે વહેલી સવારે તેઓ ફરી તેમના નિત્યપ્રવાસ સ્થળે પધાર્યા અને અનુયાયીઓ પર આશિષ વરસાવ્યા પછી તેઓ ‘કચ્છી પૂજ સમવસરણ’માં પધાર્યા અને શ્રાવક-શ્રાવિકાઓને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રદાન કર્યું હતુ.પ્રભાત વિહાર દરમિયાન અનેક ગૃહોમાં ગુરુદેવે પગલિયા કરીને મંગલપાઠ પ્રદાન કરાવ્યો હતો. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. બુદ્ધિનો વિકાસ પામવો એ એક મોટી સિદ્ધિ છે. બુદ્ધિનો સંબંધ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સાથે છે. જો જ્ઞાનાવરણીય કર્મનો સઘન ક્ષયોપશમ થાય, તો બુદ્ધિ તીવ્ર બની શકે. બુદ્ધિના વડે મનુષ્ય હિત-અહિત વિષે વિચાર કરી શકે. આથી બધામાં સમાન બુદ્ધિ નથી હોતી. જ્ઞાનની ઊંડાઈ સુધી પહોંચવું એક મોટી વાત છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધીરસ્થ પુરુષ સમસ્યાના મૂળ અને આગળના બંને પાસાં જુએ છે અને સમસ્યાને જડમૂળથી સમાપ્ત કરી શકે. ઉદાહરણ તરીકે કોઈ બીમાર થાય તો ડૉક્ટર તેની જુદી જુદી તપાસો કરાવે છે. જો ડૉક્ટર કારણને પકડી લે તો તે સારવાર શરૂ કરે અને સમસ્યા નિવારણ પામે. બીમારી એ એક પરિણામ છે, પરંતુ તેનું મૂળ કારણ શોધીને જ યોગ્ય ઉપાય કરી શકાય.
સાધુઓ માટે બુદ્ધિ સાથે સાધનાનો આધાર હોવો જોઈએ. જો સાધના કરવામાં આવે તો કોઈ ઈચ્છા, સ્થાન કે સત્તા પ્રાપ્ત કરવા માટે નહિ, પરંતુ અંતરની શાંતિ માટે કરવી જોઈએ. સાધુ હોય કે શ્રાવક, જો સાધના અને તપસ્યા કરે તો તે નાની લાલચમાં તેને ગુમાવી ન બેસે. ભૌતિક સુખ માટે આધ્યાત્મિક સુખનો ત્યાગ ટાળવો જોઈએ. સમણીઓ અને મુમુક્ષુ બહેનોને ગુરુકુલમાં રહેવાનો ઉત્તમ અવસર મળ્યો છે. જો હવે વિદાય લેવાની ઘડી આવે, તો પણ તેમની સાધના પર તેઓ સતત ધ્યાન કેન્દ્રિત રાખે.મંગલ પ્રવચન પછી ભુજના ઉપાસક પ્રભુલાલ નાગજીભાઈ મહેતા, જીતુભાઈ ભાભેરા અને બાળક ધ્રુવેશ ભાભેરાએ તેમની બાળસુલભ પ્રસ્તુતિ આપી હતી. તેરાપંથ કન્યા મંડળ-ભુજ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા.આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments