Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વૃક્ષોનું બેફામ નિકંદન : લાકડાની ગેરકાયદે ધૂમ હેરાફેરી

13 February

વન, વહીવટી અને પોલીસ તંત્રની રહેમનજર તળે...



રાપરના ચિત્રોડમાં ઝડપાયેલ લાકડા ભરેલ વાહનો માત્ર ટ્રેલર સમાન : કચ્છમાં દરરોજ ર૦૦ જેટલી નાની - મોટી ગાડીઓથી લાકડા પહોચે છે મીલો અને ભઠ્ઠામાં : સીમ વિસ્તારોમાંથી બિન અનામત સિવાયના વૃક્ષા કાપવાની પ્રવૃતિ બેલગામ : જવાબદાર તંત્રોને નિયમિત હપ્તા પહોંચાડી લાકડાનો ધમધમતો કારોબાર : કચ્છમાં પવન ચક્કીના આગમન બાદ કેટલાક વૃક્ષોનો નિકદન નિકળ્યો છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરી નથી....



 
ભુજ : વનીકરણ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડોનું આંધણ કરવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સુરક્ષાના નામે વૃક્ષારોપણના અભિયાનો અને રોપા વિતરણ જેવા કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે. ઔદ્યોગીકીકરણ અને શહેરીકરણ વધતા વૃક્ષોની ઘટતી સંખ્યાને સરભર કરવા દર વર્ષે અનેક વૃક્ષોનું વાવેતર સરકારી અને સંસ્થાકીય ધોરણે થતું હોય છે. જો કે, રોપામાં આવેલ દરેક રોપા વૃક્ષ બનીને પાંગરતા નથી પરંતુ દર વર્ષે હજારો વૃક્ષોનું નિકંદન જરૂર નિકળી જતું હોય છે. કચ્છ જિલ્લામાં લાકડાનો ગેરકાયદે કારોબાર ખુબ ફુલ્યોફાલ્યો છે. બહોળા ભૌગોલીક વિસ્તારના કારણે જંગલ વિસ્તાર વધુ હોવાથી લાકડાની તસ્કરી કરતા તત્વોને મોકળું મેદાન મળી રહેતું હોય છે. રીઢા લાકડા ચોરોને પકડવામાં વન વિભાગ પણ નાકામ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તાજેતરમાં વાગડ પંથકમાં પકડાયેલા લાકડા ભરેલ વાહનો ટ્રેલર સમાન માત્ર છે. કચ્છમાં દરરોજ મોટા પ્રમાણમાં વૃક્ષોના લાકડાની હેરાફેરી થતી હોય છે. બોલીવુડની મશહુર ફિલ્મ પુષ્પામાં ચંદનના લાકડાની તસ્કરીની વાત વર્ણવામાં આવે છે પરંતુ કચ્છમાં બાવળની આડમાં મીઠી ઝાડીઓના લાકડાનું મોટા પ્રમાણમાં નિકંદન નિકળી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્રોની ઉદાસીનતા લોકોને કઠી રહી છે. 
આ અંગેની વિગતો મુજબ પર્યાવરણ માટે ખુબ મહત્વપૂર્ણ વૃક્ષોના ઉછેર અને જાળવણી માટે સરકાર દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો આયોજીત કરાય છે. તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પણ વૃક્ષારોપણ સહિત વિવિધ પ્રવૃતિઓ સમયાંતરે કરવામા આવે છે. પરંતુ કચ્છ જિલ્લામાં પર્યાવરણની જાળવણીને બદલે ભારે વિરોધાભાસ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષોને કાપીને જીપ અને ટ્રેક્ટરોમાં ભરીને કોલસા બનાવતા વાડાઓ અને સો મીલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાંથી રોજેરોજ દિવસભર અનેક ઠેકાણે લીલા વૃક્ષોને કાપવાની કામગીરી ફુલીફાલી છે. દિવસે કાપવામાં આવેલ વૃક્ષોના લાકડાને સાંજે કે મોડી રાત્રે વેચાણ માટે વાહનોમાં અન્યત્ર લઈ જવામાં આવે છે. જાહેર માર્ગો પરથી પસાર થતાં લાકડા ભરેલા ટ્રેક્ટર, ટેમ્પા, જીપો સહિતના વાહનો સામે સંબંધિત તંત્ર ઉપરાંત પોલિસ વિભાગના પેટ્રોલિંગ દરમિયાન પણ આજદિન સુધી નોંધપાત્ર કાયદેસર કાર્યવાહી ના કરવામાં આવતી હોવાનો ગણગણાટ ઉગ્ર બન્યો છે.જિલ્લામાં વૃક્ષોનું બેફામ નિકંદન કરાયા બાદ એના વેપલા માટે પણ કોઈ નિયંત્રણ કે નિતિ નિયમોનું પાલન ના થતુંં હોવાથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વૃક્ષો કાપીને તેના લાકડાને વેચાણ માટે લાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ પણ વધી છે. અંતરીયાળ ગ્રામીણ પંથકમાંથી પસાર થતા લાકડા ભરેલા વાહનો બાબતે વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી જાગૃત નાગરીકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ વૃક્ષોના નિકંદન કાઢી નાખવાની પર્યાવરણ વિરોધી કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવા માટે સખ્તાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં રોજીંદા ૨૦૦થી વધુ વાહનો બેફામ બની લાકડાંની ગેરકાયદે હેરાફેરી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ જિલ્લાના ગ્રામીણ પંથકમાં વિવિધ વિસ્તારોમાં ગાંડા બાવળની આડમાં લીલીઝાડીઓ સહિતના વૃક્ષોને કાપવામાં આવે છે. આવી પ્રવૃતિઓ વહેલી તકે નહિ અટકે તો પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી વ્યક્ત કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાપર દક્ષિણ રેન્જના વનતંત્રના તાબાના અધિકારી/કર્મચારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલીંગની કામગીરી દરમિયાન લીમડા, નીલગીરી અને ગાંડો બાવળના લાકડા વગર પાસ પરમીટે વાહતુક કરતી ૨ ગાડી ઝડપી પાડવામાં આવી હતી. લાંબા સમયથી રાપર પંથકમાં ગાંડા બાવળની આડમાં લીમડો, નીલગીરી, ઝારા સહિત અન્ય ઝાડની તસ્કરી ખુલ્લેઆમ થઈ રહી છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આવી કામગીરી ચાલુ રખાય તે ઈચ્છનીય છે. 




.................


વૃક્ષોને કાપવા વહીવટી તંત્રની મંજૂરી અનિવાર્ય



બીન અનામત વૃક્ષો કે જેમાં સાગ, સુખડ, ચંદન, મહુડા વગેરેનો સમાવેશ થાય છે. તે કાપવા માટે વન વિભાગની મંજુરી લેવાની હોય છે. વન વિભાગ તેની મંજુરી આપે ત્યારબાદ જ તે કાપી શકાય છે. નહીં તો વૃક્ષછેદન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો બને છે. જ્યારે અનામત વૃક્ષો કે જેમાં લીમડો, વડ સહિતનો સમાવેશ થાય છે તેને કાપવા માટે જે તે પંચાયતે કે મામલતદારની પરવાનગી લેવી પડે છે. જે વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરાઈ રહ્યું છે તે મોટાભાગે અનામત વૃક્ષો જ હોય છે જેથી તેને અટકાવવાની જવાબદારી જે તે પંચાયત, મામલતદાર અથવા તો પોલીસની બને છે.’


...........


પોલીસ અને તંત્રની હપ્તાખાઉ નીતિ 


પોલીસ અને તંત્રને ભરપેટ હપ્તાઓ મળતા હોવાથી આ પ્રવૃત્તિ ફુલીફાલી છે અને રાત્રીના સુમારે ટ્રેક્ટરો, જીપ અને ટેમ્પા સહિત અન્ય વાહનોમાં મોટાપાયે ગેરકાયદેસર વૃક્ષોને કાપીને તેના લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી છે. મોટાભાગના લાકડાના શો મીલોમાં વેચવામાં આવી રહ્યા હોવાનુ પણ જાણવા મળ્યું છે. રાત્રી દરમ્યાન જો કડક ચેકીંગ કરવામાં આવે તો અનેક વાહનો ઝડ૫ાય તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM