Trending News
સ્થાનિક સમાચાર

આચાર્યશ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં ચાર દિવસીય પ્રેક્ષાધ્યાન શિબિરમાં ૨૩૦ લોકોએ ભાગ લીધો

12 February



ભુજ : શહેરની ધરા પર અત્યારે ધર્મનો મહાકુંભ અવતરિત થયો છે. પૂર્વમાં પણ મહાકુંભનો આધ્યાત્મિક ઉત્સવ ચાલી રહ્યો છે તો અહીં પશ્વિમમાં પણ જિનશાસનનો આધ્યાત્મિક મહાકુંભ ભુજની ધન્ય ધરા ઉપર અવતરિત છે. મર્યાદા મહોત્સવ, જૈન ભાગવતી દિક્ષા, મુમુક્ષુ વૈરાગીને ગુરુનિશ્રામાં જવાની પરવાનગી અને ચાર દિવસીય પ્રેક્ષાધ્યાન શિબિરના સફળ આયોજને ભુજ નગરીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.ભુજની પવિત્ર ધરા પર મર્યાદા મહોત્સવ, દિક્ષા સમારોહ વગેરે અનેક આયોજનો સાથે સત્તર દિવસીય પ્રવાસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, શાંતિદૂત, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી એ બુધવારે ‘કચ્છી પૂજ સમવસરણ’ માં હાજર શ્રદ્ધાળુઓને પાવન પ્રેરણા પાથેય પ્રદાન કરતાં જણાવ્યું હતું કે, મનુષ્ય અનેક ચિત્તો અને ભાવો ધરાવતો હોય છે. પ્રાણીઓની અંદર કાર્મણ શરીર હોય છે. જૈન વિજ્ઞાનમાં પાંચ પ્રકારના શરીર બતાવવામાં આવ્યા છે  - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ.આમાંથી ઔદારિક શરીર તે છે જે આપણે જોઈ શકીએ છીએ.આ શરીર મનુષ્ય અને તિર્યંચ (જંતુ-જાનવર) માટે હોય છે. આ શરીર એવુ છે કે સાધના કરીને મનુષ્ય આ જ જન્મમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે.બીજું છે વૈક્રિય શરીર, જે દેવો અને નારકીના જીવો પાસે હોય છે. તેઓ પાસે ઔદારિક શરીર નથી હોતું. ત્રીજું શરીર છે આહારક, જે માત્ર વિશિષ્ટ સાધકો અથવા સાધુઓ પાસે હોય છે. ચોથું છે તેજસ શરીર, જે દરેક સજીવો - મનુષ્ય, પશુ, દેવો, નારકીના જીવો પાસે હોય છે. આ એક સૂક્ષ્મ શરીર છે. પાંચમું છે કાર્મણ શરીર, જે સૌથી વધારે સૂક્ષ્મ છે અને દરેક જીવને હોય છે. કાર્મણ શરીર અત્યંત મહત્વપૂર્ણ છે. આપણા ભાવો અને વિચારોના મૂળમાં આ શરીર રહેલું છે. કાર્મણ શરીર આપણા જીવનના સંચાલનનું કાર્ય પણ કરે છે અને ગતિમાં પરિવર્તન લાવે છે. માણસની ભાવના કેવા પ્રકારની છે, એ કાર્મણ શરીર દ્વારા નક્કી થાય છે. જો કાર્મણ શરીર અશુદ્ધ થાય તો ભાવો પણ અશુદ્ધ બની જાય છે. આમ જો કાર્મણ શરીર શુદ્ધ અને નિષ્કલંક બની જાય તો માણસના ભાવો પણ શુદ્ધ થઈ શકે છે.મનુષ્યના વિચારો ક્યારેક ક્રોધભર્યા, ક્યારેક અહંકારથી ભરાયેલા, ક્યારેક ચતુરાઈભર્યા અને ક્યારેક શાંત પણ હોય શકે છે. એટલે માણસે પ્રયત્ન કરવો જોઈએ કે તેની અંદર દુર્ભાવનાઓ ન આવે અને દરેક પ્રત્યે સદ્દભાવના જળવાય. ધર્મસાધના અને આરાધના દ્વારા મોહનીય કર્મ પર પ્રહાર કરવાથી દુર્ભાવનાઓ ઓછી થઈ શકે છે અને સદ્દભાવના વિકસાવી શકાય. સામાયિક એ સ્વયંમાં સંવર છે. તે ન તો શુભ છે, ન તો અશુભ. જો સામાયિક દરમિયાન કોઈ શુભ કાર્ય થાય તો શ્રાવકને નિર્જરા ફળ પ્રાપ્ત થઈ શકે. સામાયિકથી પુણ્યનું બંધ પણ થઈ શકે છે. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM