પડાણામાં ગેરકાયદે રીતે સંગ્રહીને રાખેલ ર૪,૮૯પ લિટર બાયોડીઝલ પકડાયું
પાર્થ લોજીસ્ટીકના વાડામાં પંપ ઉભો કરી વાહનોમાં ઈધણ તરીકે બાયોડીઝલ ભરવામાં આવતું : સ્થળ પરથી કામદારની અટક કરાઈ : માલિક હાજર ન મળ્યો
તપાસનીશો કરે તપાસ..! : આ બાયોડિઝલનો જથ્થો આવ્યો કયાંથી? કઈ પાર્ટીથી આ બાયોડીઝલનો જથ્થો લેવામાં આવ્યો હતો? પોલીસ અને મામલતદાર સહિતનાઓ આ બાબતે તપાસ કરશે તો ઘણુ બધુ બહાર આવશે
ગાંધીધામ : પચરંગી સંકૂલ ગાંધીધામમાં ઔધોગિક એકમોના કારણે ભારે વાહનોની વ્યાપક અવર જવર હોય છે, ત્યારે પડાણા ખાતે ગેરકાયદે રીતે પંપ ઉભો કરી બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઈંધણ વાહનોમાં પુરવામાં આવતું હતું. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી ર૪,૮૯પ લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ કબ્જે કરવામાં આવ્યું છે. જેની કિંમત ૧૯,૯૧,૬૦૦ આંકવામાં આવી છે. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઈવે પર પડાણા ગામની સીમમાં પંચ રત્ન કોમ્પલેક્ષની પાછળ આવેલ પાર્થ લોજીસ્ટીકના વાડામાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા તથા પીએસઆઈ એન.વી. જાડેજાની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પાર્થ લોજીસ્ટીકના વાડામાં ડીઝલ પંપ આવેલો હતો. જયાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ઈંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરવામાં આવતો હતો. ખરાઈ કરતાં ડીઝલ સંગ્રહ કરવાનો ૩૦ હજાર લિટરની કેપીસીટી વાળો ટાંકો તથા કન્ઝયુમર પંપ મળી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં બાયોડીઝલ ભરતા મૂળ પાટણ વિસ્તારના હાલે પડાણા સીમમાં રહેતા પંકજભાઈ રામાભાઈ રબારીની અટકાયત કરવામાં આવી હતી. આ જગ્યા અંતરજાળના ધીરજભાઈ કરશનભાઈ આગરિયાની હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટાંકામાં સંગ્રહ કરેલ શંકાસ્પદ બાયોડીઝલ રાખવા અને વેચાણ કરવા સંદર્ભે કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. જેથી મુદામાલ સીલ કરવામાં આવ્યો છે. તેમજ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરાવાયો છે.

Comments