કંડલાની ઈમામી કંપની મોતકાંડ : કચ્છના વહીવટીતંત્રનું કેમ શિર્ષાસન? મોડીરાતે શ્રમિકોને ટાંકામાં ઉતાર્યા જ કેમ?
શું ગરીબ હોવુ એ કોઈ ગુનો છે..? : હતભાગીના ભોગગ્રસ્તોનો આક્રંદ કોઈક તો સાંભળો.!
કંડલામાં કાર્યરત ઈમામી કંપનીમાં પાંચ-પાંચ શ્રમિકોના મોત કંપનીની લાપરવાહી-બેદરકારી-નફાખોરી ભરી રીતીનીતોઓથી હણાઈ ગયા, છતા પણ કંપની સામે હજુ સુધી ફોજદારી રાહે ફરીયાદ કેમ દાખલ થવા પામતી નથી? કેમ કોઈના પણ પેટનું પાણી આ બાબતે હાલતું જ નથી? હતભાગી શ્રમિકોને ન્યાય મળે અને અન્ય કોઈની સાથે ભવિષ્યમાં આવી બીનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઈમામી કંપનની સામે કરવી જોઈએ ધાક બેસાડતી કાર્યવાહી? પરંતુ અહી તો જાણે કે તમામ તંત્રો ઢાંકપીછોડો કરવાના જ મુડમાં હોય તેમ કંપનીનો કોઈ વાળ પણ વાંકો થતો નથી જોવાતો..!
આ કંપનીમાંથી કોણે આ શ્રમિકોને સલામતી-સુરક્ષા સાધનો-વ્યવસ્થાના અભાવની વચ્ચે મોતના મુખમાં ધકેલી દીધા? ફેકટરી ઈન્સપેકટર આદિપુરનાઓ આ કંપનીની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવામાં કેમ કરી રહ્યા છે પાછીપાની? હેલ્થ એન્ડ સેફટી કચેરીના ડે.ડાયરેકટરશ્રી પણ પાંચ શ્રમિકોના મોત બાદ કંપની સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલુઢફ? : પાંચ-પાંચ ગરીબ-શ્રમિકોના મૃત્યુ થયાને ત્રણ મહીનાથી વધુનો સમય વીતી ગયા છતા કંપનીના લાપરવાહોની સામે કોઈ ધાક બેસાડતી કાર્યવાહી જોવાતી નથીે? તેની પાછળનુ રહસ્ય શું?
ખરેખર તો આ કંપનીને શ્રમિકોના જીવ સાથે ખેલ ખેલવા બદલ લાખોની તગડી પેનલ્ટીનો દંફ ફટકારવો જોઈએ અને લાપરવાહી જેની પણ ફીટ થતી હોય કંપનીમાથી તેઓને સખ્ત રાહે જેલની લગાવી જોઈએ ફટકાર : હેલ્થ એન્ડ સેફટી વિભાગ કારખાના ધારા હેઠળની કલમ (૯ર) તળે આવી ચમરબંધી કંપનીઓને સરકાર-સરકારીતંત્રની શકિતનો આપે પરચો..
ખાટલે મોટી ખોટ : રાત્રીના ૧ર વાગ્યે તે પણ માત્ર રસ્સાથી કામદારોને ઉતારવામાં આવ્યા એવુ તો શું હતુ કે રાતના ૧ર વાગ્યે આ ઓપરેશન કરવાની ફરજ કંપનીને પડી ગઈ? કામદારોના જીવના જોખમે રાતોરાત કંપની કયા ઓપરેશનો પાર પાડી રહી હતી? કંપનીના બેદરકારી ભર્યા ઈરાદાઓથી પાંચ પાંચ યુવાનોના જીવ લેવાઈ ગયા તે ખુબજ ટીકાપાત્ર કૃત્ય જ ગણાય.. : આ ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરી અને લાપરવાહોની સામે કડક પગલા લેવા જોઈએ..!
ગાંધીધામ : સમરથ કો નહી દોષની ઉકિત કંડલા ઈમામી કંપનીના કિસ્સામા સાચી ઠરતી જોવાઈ રહી છે. અહી નીતી નિયમો અને કામદારોના જીવની પરવા કર્યા વિના તેમને મોતના મુખમાં ધકેલી દેનારી કંપની અને તેના માલીકો અથવા તો જવાબદારોની સામે મોતકાડની ઘટનાના ૪ માસથી વધુનો સમય વીતી ગયો છતા પણ કોઈ જ પગલા નથી લેવાયા. શું મૃતકો ગરીબ હતા એટલે કોઈના પેટનુ પાણી નથી હાલતુ? શું ગરીબ હોવુ કોઈ ગુનો છે? ચમરબંધી કંપનીએ ખુદના ખોટા બચાવ માટે જવાબદારોના મોઢે કયાંક ને કયાંક ભ્રષ્ટાચારના ડુચ્ચાઓ ભરાવી દીધા એટલે જ તો તંત્રના માટીપગા અધિકારીઓ કંપની સામે લાલઆંખ કરવામાં પાછીપાની કરી રહ્યા હોય તેમ દર્શાય છે.
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો ગત ૧૬ તારીખે કંડલા ખાતે આવેલ ઈમામી એગ્રોટેક કંપનીના સ્લજ ઓઈલ ટેન્કમાં સફાઈ માટે ઉતરેલા સુપરવાઈઝર સહિત પાંચ લોકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જવાના કારણે મોત થયા હતા. જે ઘટનાને ૯૦ દિવસ ઉપરાંતનો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ઈમામી એગ્રોટેક કંપનીના કંડલા સ્થિત પ્લાન્ટમાં સોયાબીન અને પામ ઓઈલ જેવા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ જે નકામો કચરો (સ્લજ) નિકળે છે, તે ટેન્કમાં ભેગો થાય છે. આ ટેન્કની સફાઈ કરવાની હતી. સુપરવાઈઝર સિદ્ધાર્થ તિવારી સીડી મારફતે ટેન્કમાં ગયો ત્યારે ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જતાં અન્ય હેલ્પરો બચાવવા માટે ગયા હતા. જયાં એક બાદ એક પાંચ લોકોના મોત થયા હતા. બનાવ બાબતે કંડલા મરીન પોલીસે માત્ર જાણવા જોગ દાખલ કરી છે. હજુ સુધી કંપનીના જવાબદારો સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ કંપનીની સામે કાર્યવાહી કરવામાં વહીવટીતંત્ર કેમ ઉદાશીન દેખાઈ રહ્યુ છે? કે પછી આખુય તંત્ર આવી કંપનીઓના ઘુંટણીયે જ પડી જવા પામ્યુ છે? આવા વેધક સવાલો હવે ઉઠવા પામી રહ્યા છે. કારણ કે, જે રીતે પાંચ શ્રમિકોના મોત નિપજવા પામ્યા છે તે ઘટનાક્રમ જોતા તો અહી હેલ્થ એન્ડ સેફટી, કામદારોની સલામતી સુરક્ષાની કેાઈ જ પરવા કરાઈ નથી તેવુ સ્પષ્ટ જ દેખાય છે. જે ટેન્કમાં કામદારોને ઉતારવામાં આવ્યા હતા તે ટેન્ક, જે સમયે ઉતારવામા આવ્યા તે સમય, સહિતની સ્થિતી આ કંપનીમાં ઘણુ બધુ લોલમલોલ જ ચાલી રહ્યુ છે તે જણાવી દેવા માટે પુરતુ છે. નહી તો વિચાર કરો કે રાત્રીના બાર વાગ્યે સ્લજના ટેંકમાં રસ્સાની મદદથી એટલે કે દોરડાથી કર્મચારીઓને ઉતારીને ઓપરેશન પાર પાડવાની કયા જરૂર પડે? ઉતારાયા તો પણ કામદારોની સલામતી કે સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થાઓ મોજુદ ન હતી? ખરેખર તો આવી કંપનીની સામે કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ. સાચો અને જાણકારવર્ગ કડક ટકોર કરતા કહી રહ્યો છે કે, કઈક તો શર્મ કરો-માટીપગા અધિકારીઓ-નાક વિનાના અમુક બની બેઠેલા ઝભ્ભાલેંગાધારીઓ. જયારે કંડલામાં ગેરકાયદેસર દબાણો દુર કરવાનું તત્ર નીતી નિયમોઅનુસાર કામ કરે છે તો ત્યા ગરીબો અને દબાણકારોના મશીહા બની અને કંડલા પોર્ટ અને અન્યો પર આરોપોની જડીઓ લગાડો છે, ગરીબોને બેઘર કરી દીધા, તો હવે કંડલાની જ આ ખાનગ કંપનીમાં ગરીબોને બેઘર નહી તેમના પ્રાણ પંખેરૂ જ ઉાડી અને કઈક ઘર-પરીવારોને નોધારા બનાવી દીધા છે તેવા સમયે આવા બની બેઠલા ઝભ્ભાલેંગાધારીઓ રજુઆત કરવામાં કેમ કયાય આગળ આવતા નથી દેખાતા? કાગળ પર આવેદન આપી અને બેસી રહેવાના બદલે આ કંપનીની સામે કેમ ઝુંબેરરૂપ લડત કોઈ જ ઝભ્ભાલેંગાવાળાએ છેડેલી જોવા ન મળી?કંડલાની ઈમામી કંપનીમાં પાંચ પાંચ કામદારોના મોત નિપજી જવા પામ્યા છે છતા કાર્યવાહી કરવા કોઈના પેટનું પાણી પણ નથી હાલતુ. રાતના સમયે કોઈપણ ભોગે ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ ભેગા થયેલા કચરાની સફાઈ માટે આદેશ અપાયો હતો. તે કેટલા અંશે ઉચિત છે? કંપની દ્વારા સેફટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. જેના કારણે આ ઘટના બની હતી. વળતર આપીને સંતોષ માની લેવાયો છે. રૂપિયા આપવાથી કોઈનો વ્હાલસોયોે દિકરો તો પાછો નહીં આવે.ગેસ ગળતરની શક્યતા હોવા છતાં ઈમામી કંપનીના જવાબદારો દ્વારા કર્મચારીઓને સુરક્ષાના પુરતા સાધનો આપવામાં આવ્યા ન હતા. જે ગંભીર બેદરકારી છે. અને તેને સાંખી જ ન લેવાય.
............
ડીપીએ-કંડલાના પ્રજાભિમુખ ચેરમેનશ્રી
કેમ ઈમામીના ન લેવડાવે પુછાણા
ગાંધીધામ : કંડલામાં હેજાર્ડીયસ કહી શકાય, અતિ જવંલતસીલ તેવા અનેક મહાકાય સ્ટોરેજ ટેન્ક આવેલા છે. અહી ઈમામી કંપનીમાં જે રીતે ગેસ ગળતરની ઘટના બની છે અને તેમાં પાંચ લોકોના મોત નિપજયા છે, તે ઘટનાનુ પુનરાવર્તન ન થાય માટે પણ ડીપીએ કંડલાના પ્રજાભિમુખ ચેરમેનશ્રી સુશીલકુમારે પણ આ કંપનીના કડક પુછાણા લેવડાવા ઘટે તે જ સમયની માંગ બની રહી છે.
..........
કંડલામાં પાંચ શ્રમીકોના મોત મામલે રીપોર્ટ આપવા પુનઃ નિર્દેશ
એનએચઆરસીએ જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને રિપોર્ટ માંગવા માટે અંતિમ રીમાઇન્ડર મોકલ્યું
ગાંધીધામ : ગત વર્ષે ઓક્ટોબરમાં કંડલામાં એક ખાનગી કંપનીના પરિસરમાં કાદવ ટાંકી સાફ કરવાનો પ્રયાસ કરતી વખતે પાંચ માણસોએ જીવ ગુમાવ્યા હતા. જો કે, લગભગ ચાર મહિના પછી, પોલીસ કહે છે કે તેમની પાસે હજુ પણ આ કેસમાં સત્તાવાર “મૃત્યુનું કારણ” નથી. કારણ કે, તેમને હજુ સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી રિપોર્ટ મળ્યો નથી. આ ઘટના ૧૬ ઓક્ટોબર, ૨૦૨૪ના રાત્રે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે પુરુષો ઇમામી એગ્રોટેકના ગંદા પાણીના પ્લાન્ટને સાફ કરી રહ્યા હતા. પોલીસે અકસ્માત મૃત્યુ (એડી) રિપોર્ટ દાખલ કર્યો હતો અને આ કેસની તપાસ કચ્છ (પૂર્વ) પોલીસના અંજાર વિભાગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) મુકેશ ચૌધરીએ કરી હતી. ડેપ્યુટી એસપી ચૌધરીના જણાવ્યા અનુસાર પોલીસને હજુ સુધી પાંચ માણસોના મૃત્યુનું કારણ મળ્યું નથી કારણ કે એફએસએલએ અમને હજુ સુધી તેનો રિપોર્ટ આપ્યો નથી. અમે તેમને આ કેસને પ્રાથમિકતા આપવા કહ્યું છે પરંતુ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે એક સ્થાનિક કાર્યકર્તાની ફરિયાદના આધારે આ કેસની નોંધ લીધી હતી. આયોગે ૧૨મી નવેમ્બરના કચ્છ (પૂર્વ)ના એસપી અને જિલ્લા કલેક્ટરને નોટિસ મોકલી હતી. નોટીસ બાદ કોઈ જવાબ ન મળતાં આયોગે અંતિમ રિમાઈન્ડર મોકલ્યું છે.

Comments