Trending News
સ્થાનિક સમાચાર

સરકારી ખાતર ના કૌભાંડી પ્રકાશ સામે પાસા કરો....! - તો જ કચ્છમાં યુુરીયા ખાતરનો કાળો-કારોબાર અટકે !

11 February

રેઝિન પ્લાન્ટમાં યુરીયા ખાતરની હોય છે ધૂમ ડિમાન્ડ.!







કચ્છમાં પાછલા લાંબા સમયથી યુરીયા ખાતરની કાળા બજારીમાં પ્રકાશની ટોળકીનો છે અધમ : અંજારના લાખાપર પાસે જાગૃત નાગરીકો દ્વારા પકડેલા યુરીયા ખાતર કેસમાં તો પ્રકાશ પટેલનું નામ પોલીસ ચોપડે પણ ચડી ચુકયુ હતુ : હવે ભચાઉના ચોપડવા પાસે પકડાયેલા યુરીયા ખાતરના જથ્થામાં પણ પ્રકાશ પટેલની જ ખુલી સંડોવણી : અંજારના લાખાપર વાળા કેસમાં પ્રકાશને જામીન મળી જવાની ઘટના પણ બની હતી અનેકવિધ રીતે શંકાપ્રેરક : તો હાલમાં ચોપડવાના કિસ્સામાં પ્રકાશ છે વોન્ટેડ



ખાટલે મોટી ખોટ : આ પ્રકાશ પટેલને દબોચી તેના કડકમાં કડક રાહે રીમાન્ડ મેળવવા ખુબજ અનિવાર્ય : સરકારી યુરીયા ખાતર આ પ્રકાશ ટોળકી લાવે છે કયાંથી? તેને આ સરકારી યુરીયાનો તગડો જથ્થો મળે જ કેવી રીતે? કયા ઉદેશ્ય સાથે અને કયા આ ચોરાઉ સરકારી જથ્થાનો વપરાશ થાય છે? : સહિતના પ્રશ્નો પ્રકાશના વિવિધ કેસોમાં ઉછળતા નામો વખતે કેમ રહી જાય છે નિરૂત્તર : તપાસનીશ અજેન્સી-પોલીસતંત્ર કુલડીમાં ગોળ ભાંગી નાખવાના બદલે પ્રકાશના કડક પુછાણા લે તે જરૂરી




ગાંધીધામ : એકતરફ ખેડુતો સરકારી સબસીડીવાળા ખાતર માટે કલાકો સુધી લાંબઈ લાઈનોમાં ઉભા રહેતા હોય છે, તગડામાં ખેડુતોના હકકના ખાતર માટે સેકાવવાની સ્થિતી આવે છે તેમ છતા તેઓખે આ ખાતર ઉપલબ્ધ થતુ નથી અને બીજીતરફ સરકારી ખાતરની કાળા બજારી કરનારા તત્વો બેફામ બનેલા છે. કચ્છમાં જ આવી એક ટોળકીને લઈને સતત ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. 
પૂર્વ્‌ કચ્છમાં પણ તાજેતરમાં જ અંજાર લાખાપર વિસ્તાર પાસેથી તથા ગાંધીધામ જીઆઈડીસી વિસ્તાર પાસેથી પણ સરકારી ખાતરનો તગડો જથ્થો પકડાયો હતો અને તેમા પ્રકાશ નામના શખ્સની સંડોવણી બહાર આવવા પામી હતી, આ અહેવાલોની સ્યાહી હજુય સુકાઈ પણ નથી કે ફરીથી ભચાઉ ચોપડવા હાઈવે પાસેથી પોલીસતંત્રએ અડધા 
લાખથી વધુના સરકારી ખાતરનો તગડો જથ્થો પકડી પાડયો છે અને તેમાં પણ પ્રકાશ પટેલની જ સંડોવણી સામે આવી છે. 
આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, પ્રકાશ કચ્છમાં અને કચ્છમાંથી જ અલગ અલગ સરકારીખાતરના કૌભાંડામાં બહુચર્ચિત ન માત્ર બની ચુકયો છે બલ્કે તેની સામે બેથી વધુ વખત પોલીસ ફરીયાદ પણ થવા પામી ચુકી છે. હવે ખરેખર આ પ્રકાશની સામે હળવી કાર્યવાહી કરવાના બદલે પાસા જેવા કડક હથિયારનો જ ઉપયોગ કરવો જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે. જો, પ્રકાશની સામે જામીન પાત્ર કલમો લગાડાશે તો તે આવા ગુનાઓમાં જામીન પર મુકત બનીને ફરી ફરીને સરકારીખાતરની ચોરીઓ-તસ્કરી કરતો જ ફરશે. હકીકતમાં તેની સામે પાસા કરવા જોઈએ અને જે જે યુનિટમાં આ પ્રકાશે સરકારી ખાતર ગેરકાયદેસર રીતે વપરાશ કર્યુ છે તે યુનિટને પણ બ્લેકલીસ્ટ જ કરી દેવા જોઈએ અને તેની સામે પણ કરોડોની પેનલ્ટીની ફટકાર લગાવવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.


............



કચ્છના ખેતીવાડી વિભાગના અધીકારીઓ પ્રકાશની સામે
લાલઆંખ કરવામાં કેમ વામળા? રાઘવજીભાઈ લે ઉધડો


ગાંધીધામ : ગુજરાત સરકાર અને પ્રજાપ્રીય કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ ખેડુતોના હિત માટે નીતનવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છમાં પાછલા કેટલાક સમયથી પ્રકાશ પટેલ આણી ટોળકી યુરીયા ખાતરની બેફામ તસ્કરી અને કાળા બજારી કરી રહ્યા છે. આવા કિસ્સાઓ પ્રકાશના નામે હવે સતત પોલીસ ચોપડે પણ ચડી રહ્યા છે. છતા પણ કચ્છમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ આ પ્રકારની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં એક યા બીજી રીતે સતત વામળા જ પુરવાર થવા પામી રહ્યા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ દ્વારા હકીકતમાં આ મામલે કચ્છના ખેતી વાડી વિભાગ પાસેથી અહેવાલ માંગવો જોઈએ કે, આ પ્રકાશ પટેલ કોણ છે? પ્રકાશ પટેલની સામે કેટલી વખત સરકારી ખાતર ચોરીની ફરીયાદ થવા પામી છે? ખેતીવાડી વિભાગે તેની સામે શું કડકાઈ ભરી કાર્યવાહી કરી છે? જો નથી કરી તો કયા કારણોસર નથી કરી? અને ન કરી હોય તો હવે વેળાસર જ તેની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવામાં આવે તેવી કડક લાલઆંખ કરવાનો આદેશ આપવો જોઈએ. 


...........

ચોપડવાની પ્લાય કંપનીમાં નીમ કોટેડ યુરિયાની ૧૬૦ બોરી પકડાઈ

હળવદની શિવ એગ્રો એન્ડ ફર્ટીલાઈઝરમાંથી ખેડૂતો માટેનું ખાતર મેળવી કંપનીમાં મોકલાયું હોવાનો ખુલાસો : અગાઉ લાખાપરમાં દરોડા વખતે પકડાઈ ચુકેલો શખ્સ ફરી પકડાયો : મુદ્દામાલ મંગાવનાર તરીકે ભચાઉના પ્રકાશ પટેલનું નામ ખુલ્યું


ભુજ : ભચાઉ તાલુકાના ચોપડવા ખાતે આવેલી પ્લાય કંપનીમાં નીમ કોટેડ યુરિયાની બોરીઓ ઉતરી
હોવાની બાતમી આધારે પૂર્વ કચ્છ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૬૦ બોરી પકડાઈ છે. અગાઉ લાખાપરમાં દરોડા વખતે જે બોલેરો પકડાઈ હતી. તેનો માલિક અને પ્રકાશનું નામ ખુલવા પામ્યું છે. આ અંગેની વિગતો મુજબ એસઓજી પેટ્રોલીંગમાં હતી ત્યારેબાતમી મળી કે, ભચાઉ વિસ્તારમાં ચોપડવા - લુણવા રોડ પર રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બરના રેકઝીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનું નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદે રીતે ઔદ્યોગીક એકમમાં ઉપયોગમાં લેવા સારૂ બે બોલેરો ગાડીમાં ભરવામાં આવ્યું છે. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. બન્ને ગાડીઓમાંથી ૪પ કિલોની કુલ્લ ૧૬૦ નીમ કોટેડ યુરીયા ખાતરની બોરીઓ મળી આવી હતી. જેની કિંમત રૂા. ૪ર૬૪૦ આંકવામાં આવી છે. આ સાથે સીતારામપુરના ઈમરાન રમજુભાઈ રાયમા અને નવી ભચાઉના ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરની અટક કરવામાં આવી હતી. પુછપરછ કરતા કોઈ પણ પ્રકારના આધાર પુરાવા મળી આવ્યા ન હતા. તપાસમાં સામે આવ્યું કે, ભચાઉના ભવાનીપુરમાં રહેતા પ્રકાશ પદમાભાઈ પટેલે માલ મંગાવ્યો હતો. હળવદ શીવ એગ્રો એન્ડ ફર્ટીલાઈઝર ખાતેથી માલ ભરવા જણાવ્યું હતું અને ત્યાંથી માલ ભરી ગગન ટીમ્બરના રેકઝીન કંપનીમાં કામ કરતા રફીકભાઈનો સંપર્ક કરી પ્લાન્ટની બાજુમાં ખાતરની બોરીઓ ખાલી કરાવી હતી. જેથી પ્રકાશ પટેલ, સ્થાનીકે કંપનીના માણસ રફીકભાઈ અને હળવદ શીવ એગ્રોના જવાબદાર સામે ગુનો દાખલ કરી ગેરકાયદે રીતે સરકારી નીમ કોટેડ યુરીયાની હેરાફેરી સંદર્ભે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બોલેરો નંબર જી.જે.૩૯ ટી પ૯૮૪ અને જી.જે.૧ર.બીઝેડ ર૭૭૦ ઉપરાંત મોબાઈલ મળી કુલ્લ ૧૬.પર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એન. એન. ચુડાસમા દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. 
અત્રે ઉલ્લેખનીય છે કે, અંજારના લાખાપર ગામે ગત ૧૪ ઓકટોબરના ખેડૂતોએ જનતા રેડ કરી નીમ કોટેડ યુરીયાની ૮૦ ગુણી ભરીને જતી બોલેરોને અટકાવી ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. જે બાદ ૮ નવેમ્બરના અંજાર ખેતવાડી વિભાગે ખાતરના રીપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. સબસીડાઈઝ યુરીયા ખાતર ખેતીના બદલે અન્ય હેતુ માટે લઈ જવામાં આવતું હતું. જે બાબતે ગુનો નોંધાવ્યો હતો. મહતવનું છે કે, જે તે સમયે બોલેરોના ડ્રાઈવર તેમજ માલિક એવા ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર સામે ફરિયાદ થઈ હતી. જે બાદ બન્નેને અંજાર પોલીસે ઝડપી પુછપરછ કરી હતી. જેમાં ભચાઉના ફાર્મમાંથી માલ ભર્યો હોવાની કબુલાત અપાઈ હતી. અને વરદી ભચાઉના પ્રકાશ પટેલે આપી હતી. પંચનામામાં પણ આ ખાતર પ્લાય કંપનીમાં જતો હોવાની કબુલાત અપાઈ હતી. પ્રકાશ પટેલની પુછપરછમાં માંડવી તાલુકાના ગઢશીશા સહકારી સંઘના નિકુંજ ઓઝાએ આ ગુણીઓ પાર્ટનર પ્રકાશ પટેલને સપ્લાય કરી હોવાની કેફીયત આપી હતી. જો કે આ ઘટનામાં અંજાર પોલીસે ભીનુ સંકેલી લીધું હતું. લાખાપરમાં ખેડૂતોએ ખાતર પકડયા બાદ એલસીબીએ અંજાર જીઆઈડીસીમાં દરોડો પાડી નીમ કોટેડ યુરીયા પકડયું હતું. જેનો રીપોર્ટ આવી ગયો છે છતાં કાર્યવાહીમાં ઢીલાશ જોવા મળી રહી છે. તાજેતરમાં મહેસાણાના નંદાસણમાં પણ ખાતર પકડાયું હતું. જેમાં પ્રકાશ પટેલની સંડોવણી ખુલી છે. ન માત્ર કચ્છ પરંતુ રાજયમાં અલગ અલગ સ્થળોએ પકડાતા સરકારી ખાતરમાં પ્રકાશ પટેલનું નામ ખુલવા પામી રહ્યું છે. ત્યારે ખાતર પકડતી પોલીસ પ્રકાશ પટેલ સુધી શું કામ તપાસનો રેલો લંબાવતી નથી તે સવાલ પણ ઉઠી રહ્યો છે.

..........


પ્રકાશનું પૂર્વ કચ્છથી પ્રહલાદનગર સુધી ધમેધમે છે મોટું નેટવર્ક

સરકારી ખાતર ચોર પ્રકાશને પોતાના પ્લાન્સ માટે જ કરોડોના યુરીયા ખાતરની પડતી હોય છે જરૂર
ગાંધીધામ : કચ્છમાં પાછલા કેટલાક સમયથી યુરીયા અને સરકારી સબસીડીવાળા ખાતરની ચોરીના કિસ્સાઓમાં પ્રકાશનું નામ કોમન સામે આવવા પામી રહ્યું છે. એટલે કે પ્રકાશ નામનો શખ્સ યુરીયા ચોરી ખુલ્લીને બિનધાસ્ત કરી રહ્યો હોવાનુ મનાય છે. જાણકારો કહે છે કે, જો આ પ્રકારને દબોચી કડક રીમાન્ડ લેવામા આવશે તો પૂર્વ કચ્છમાં અંજાર, ગાંધીધામ હાઈવે તથા તાજેતરમાં જ ભચાઉ ખારઈ પટ્ટામાં પણ એક સન્માઈકાનો પ્લાન્ટ આ શખ્સનો નંખાયેલો હોવાનુ સામે આવવા પામી શકે તેમ મનાય છે. એટલુ માત્ર જ નહી પણ પૂર્વ કચ્છથી લઈ અને પ્રહલાદ નગર હરીયાણા સુધી પ્રકારનું મોટુ નેટવર્ક ખુલશે.

.........


કચ્છઉદયએ તો સતત લાલબત્તી ધરી, પણ તંત્રએ
નિંદ્રા ન ત્યજી અને ફરી પ્રકાશે પોત પ્રકાશ્યું



કચ્છમાં પ્રકાશની ટોળકી સરકારી ખાતરની ધુમ કાળાબજારી કરી રહી હોવાના અહેવાલો આ પ્લેટફોર્મ પરથી સતત ઉજાગર કરવામા આવતા રહ્યા છે. પરંતુ તંત્ર જાણે કે લાજ-શરમનો ધુમટો જ તાણીને બેઠુ હોય તેમ સુસ્ત રહેતા વધુ એક વખત પ્રકાશે ખાતર ચોરીમાં પોત પ્રકાશી દીધુ છે. આશા રાખીએ કે હવે પોલીસતંત્ર-ખેતીવાડી વિભાગ, જીએસટી તંત્ર સહિતનાઓ આ પ્રકાશને કાયદાનો શબક શીખવાડશે.

 

Comments

COMMENT / REPLY FROM