Trending News
સ્થાનિક સમાચાર

આચાર્યશ્રીએ જીગર મહેતાને મુમુક્ષુ રૂપે સાધના કરવાની આપી મંજૂરી

10 February


ભુજ : લગભગ બાર વર્ષ પછી ભુજની ધરા પર આધ્યાત્મિક કિર્તિમાનોની ભેટ લઈને પધારેલા શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન તેજસ્વી મહાસૂર્ય, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રાના પ્રણેતા, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે હાલ ભુજમાં સત્તર દિવસીય પ્રવાસ કરી રહ્યા છે. ભુજના લોકો આચાર્યશ્રીની કૃપા પ્રાપ્ત કરી આનંદ મગ્ન બની ગયા છે. ભુજવાસીઓ આચાર્યશ્રી પાસેથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક ભેટોને આત્મસાત કરી રહ્યા છે અને તેને હજુ પણ વધુ વધારવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.આચાર્યશ્રીએ ભુજમાં ગુજરાતની ધરતી પર પ્રથમ મર્યાદા મહોત્સવ અને તેરાપંથ ધર્મસંઘનો ૧૬૧મો મર્યાદા મહોત્સવ ઉજવી નવો કીર્તિમાન રચ્યો. તેમજ ભુજની ધરા પર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના દીક્ષા દિવસના અવસરે એક દીક્ષાર્થીને સાધુ દીક્ષા આપી એક નવો કીર્તિમાન રચ્યો. શનિવારે ભુજના એક યુવાને પોતાને મુમુક્ષુ રૂપે સાધના કરવાની પ્રાર્થના સાથે હાજર થયો, તો આચાર્યશ્રીએ તેને મુમુક્ષુ રૂપે સાધના કરવાની મંજૂરી આપી.સોમવારે કચ્છી પૂજ સમવસરણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ પોતાની અમૃતવાણી દ્વારા સંબોધિત કરતા જણાવ્યું કે જૈન ધર્મમાં મોક્ષની વાત આવે છે. નવ તત્ત્વોમાં અંતિમ તત્ત્વ મોક્ષ છે. મોક્ષની સ્થિતિમાં પાપ-પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા વગેરેનો કોઈ પ્રભાવ રહેતો નથી; ત્યાં આત્મા તમામ કર્મોથી મુક્ત હોય છે. સાધનાનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અથવા હોવું જોઈએ. સાધુપન સ્વીકારવું, શ્રાવકવ્રત સ્વીકારવું અને અન્ય અનેક રીતે ધર્મ-ધ્યાન, આરાધના અને સાધનાનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોય છે. માનવજીવનના ચૌદ ગુણસ્થાન મોક્ષની સીડી તરીકે ગણાય છે. આ ચૌદ ગુણસ્થાનો પર કર્મો મુજબ ક્રમશઃ પ્રગતિ કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે.જૈન આગમમાં મોક્ષની સિદ્ધિ વિષે ઉલ્લેખ છે. સાધુ સંસ્થા નું મુખ્ય લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવું છે. મનુષ્યને પોતાની પ્રકૃતિ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. મુમુક્ષુઓ પણ પોતાની પ્રકૃતિમાં સૌમ્યતા અને શાંતિ રાખે તે જરૂરી છે. ગુસ્સેભર્યા અને અહંકારયુક્ત વ્યક્તિઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી.દાન કરવું હોય તો નામ અને ખ્યાતિની અભિલાષા વિના કરવું જોઈએ.મનુષ્યે વિવેકપૂર્વક નિર્ણયો લેવા જોઈએ અને ચિંતનશીલતા વિકસાવવી જોઈએ. ગુસ્સાને છોડીને ભદ્ર અને મહાન બનવાની કોશિશ કરવી જોઈએ, જેથી મોક્ષ તરફ પ્રગતિ થાય.મુનિ અનંતકુમારજીએ મુમુક્ષુનો પરિચય આપ્યો હતો. ભુજમાં જીગર મહેતા પોતાના પરિવારો સાથે ગુરૂચરણોમાં સાધનાની લાગણી લઈને પહોંચ્યો હતો, ત્યારે આચાર્યશ્રીએ કૃપા પૂર્વક તેમને મુમુક્ષુ તરીકે સાધના કરવાની મંજૂરી આપી હતી. આ આશીર્વાદ પામીને માત્ર મહેતા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર પ્રવચન પંડાલ જયઘોષથી ગુંજી ઉઠ્‌યો. આચાર્યશ્રીએ સૌને આશીર્વચન આપ્યા હતા. આચાર્ય અને સાથે લગભગ દોઢસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજના પ્રીન્ટ મિડિયા પ્રભારીશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

 

Comments

COMMENT / REPLY FROM