Trending News
સ્થાનિક સમાચાર

જખૌની ચોરીમાં ભુજના હેડ કોન્સ્ટેબલ અને મદદગારની ધરપકડ

09 February


પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી ૪પ હજારના કેબલ ચોર્યા હતા : મુદ્દામાલ ન મળ્યો : ખાખીધારીએ મોજશોખ ખાતર રૂપિયા મેળવવા ચોરી કર્યાની કેફીયત 


ભુજ : કચ્છના સરહદી જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલા મુદ્દામાલ રૂમમાં નકુચો તોડીને ૪પ હજારના કેબલ વાયરની ચોરી થઈ હતી. ચોરીના ગુનામાં કબજે કરીને રાખવામાં આવેલ કેબલ વાયર ચોરાઈ ગયા હતા. જે બાબતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે જેમાં ચોરી કરવામાં ખુદ પોલીસ કર્મચારીની જ સંડોવણી ખુલી છે. જેથી પોલીસ કર્મચારી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં જખૌ પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ એલસીબીને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાડી નંબરના આધારે ભુજના જીમ ટ્રેનર અને મુળ ગઢવાડા ગામના વરૂણ ઉર્ફે હીરો કાનજી ગોરડિયાની અટક કરવામાં આવી હતી. પુછપરછ કરતા ચોરીની કબૂલાત આપી હતી અને પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરાઈ છે. ભુજ એ-ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ બાબુભાઈ પંડ્યાની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે, પ્રવીણ હાલમાં એ-ડિવિઝન ખાતે એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરે છે. અગાઉ તે જખૌ મરીન પોલીસમાં હતો અને પોલીસ સ્ટેશનથી સંપૂર્ણ વાકેફ હતો. મોજશોખ માટે રૂપિયા મેળવવા તેણે મદદગાર વરૂણની ગાડીમાં તેને સાથે રાખી જખૌ પોલીસ સ્ટેશન જઈ મુદ્દામાલ રૂમમાંથી કેબલ વાયર ચોર્યા હતા. જે ભુજના વાડામાં વેચવામાં આવ્યા હતા. જેના દોઢ લાખ રૂપિયા ઉપજ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મોજશોખ ખાતર ચોરી કરાયાની કબૂલાત અપાઈ છે. અગાઉ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીમાં ખુદ પોલીસ કર્મચારી પકડાતા પોલીસની વરદી પર પણ ડાગ લાગ્યો હતો. હાલ જખૌ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો છે. તેમજ જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

Comments

COMMENT / REPLY FROM