જાહેર ટ્રસ્ટોના રજીસ્ટ્રેશન રીન્યુઅલ માટે તઘલખી ફરમાનોથી પરેશાની
સેવાકીય કાર્ય કરતા ટ્રસ્ટો પર સરકારને જ નથી ‘ટ્રસ્ટ’
કચ્છમાં નોંધાયેલા ટ્રસ્ટો પાસેથી ચેરીટી કમિશ્નર કચેરી દ્વારા વિવિધ દસ્તાવેજોની માંગણી : સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટોને રૂટીન પ્રવૃતિઓ પડતી મુકી જરૂરી દસ્તાવેજોની પુર્તતા માટે દોડધામ કરવાની પડી ફરજ
ભુજ : કેન્દ્ર સરકારે સુચના મુજબ રજીસ્ટ્રેશન પુરૂં થવાના છ મહિના પહેલા રજીસ્ટ્રેશનને રિન્યુ કરવાની કામગીરીનો ચેરીટી કમિશ્નર કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. કચ્છમાં નોંધાયેલા ટ્રસ્ટો પાસેથી ચેરીટી કમિશ્નર કચેરી દ્વારા વિવિધ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી છે. જેથી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટોને રૂટીન પ્રવૃતિઓ પડતી મુકી જરૂરી દસ્તાવેજોની પુર્તતા માટે દોડધામ કરવાની ફરજ પડી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ સુચનાના પગલે કચ્છ સહિત દેશભરમાં જાહેર ટ્રસ્ટ એકઠ હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પાસેથી રિન્યુઅલ માટે અનેક દસ્તાવેજોની માંગણી કરવામાં આવી રહી છે. કચ્છમાં કાર્યરત ટ્રસ્ટના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા ચેરીટી કમીશનર સમક્ષ વાર્ષિક હિસાબો સાથે દર વર્ષે દરેક દસ્તાવેજો મુકવામાં આવતા હોવા છતાં રીન્યુઅલ વખતે ફરી તે દસ્તાવેજોની માંગણી કરવામાં આવી રહી છે. બિનજરૂરી દસ્તાવેજોની માંગણી કરી કચેરી દ્વારા ટ્રસ્ટની મુસીબતો વધારવામાં આવી છે. આ દસ્તાવેજોમાં ટ્રસ્ટની રચનાની કોપી જો ગુજરાતીમાં હોય તો તેને અંગ્રેજીમાં રૂપાંતરીત કરાવી રજુ કરવા જણાવાયું છે. ટ્રસ્ટીઓના આઈડી પ્રુફ, છેલ્લા પાંચ વર્ષની બેલેન્સ શીટ, ખર્ચના દરેક વાઉચર, પાંચ વર્ષના ઓડીટ રીપોર્ટ, ટ્રસ્ટની પ્રવૃતિઓના ફોટોગ્રાફસ, ટ્રસ્ટની તમામ મિલકતોના દસ્તાવેજ, ભાડાની મિલકત હોય તો એગ્રીમેન્ટ, ટ્રસ્ટને મળેલ ડોનેશનની વિગતો, ટ્રસ્ટને અગાઉ અપાયેલ માન્યતા સર્ટીફીકેટની નકલો પણ માંગવામાં આવી છે.
ભૂતકાળમાં ટ્રસ્ટના નોંધણી રીન્યુઅલ વખતે આટલી વધારે વિગતો માંગવામાં આવી નહોતી. હવે અનેક નવી વિગતો માંગવામાં આવતી હોવાથી ચેરીટેબલ ટ્રસ્ટોની પરેશાનીમાં વધારો થયો છે. કચ્છ સહિત રાજ્યમાં ૩૧મી માર્ચ ર૦રપ કે ૩૧મી માર્ચ ર૦ર૬ માં રજીસ્ટ્રેશન પુરૂં થઈ રહ્યું હોય તેવા તમામ ટ્રસ્ટોને દસ વર્ષ માટે રીન્યુઅલ કરાવવાની નોટીસ આપવામાં આવી રહી છે. ચેરીટેબલ ટ્રસ્ટોને રીન્યુઅલની નોટીસ મળ્યા પછી તેમને માથે
જવાબદારીનો મોટો બોજ આવી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં ટેકસ નિષ્ણાંતો અને વિવિધ ટ્રસ્ટના હોદ્દેદારો જણાવી રહ્યા છે કે, દર વર્ષે વાર્ષિક હિસાબો રજુ કરતી વખતે તમામ પ્રકારના હિસાબ રજુ કરવામાં આવે છે. આ સંજોગોમાં પાંચ વર્ષના હિસાબો નવેસરથી માંગવાનો કોઈ જ અર્થ નથી. દર વર્ષે ફાઈલ કરવામાં આવતા રીટર્ન સાથે ડોનેશનની વિગતો સાથેનું ફર્મ ૧૦-બી.ડી. ફાઈલ કરવામાં આવે છે. કચ્છ સહિત ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ ટ્રસ્ટોની ટ્રસ્ટ ડીડ ગુજરાતી ભાષામાં જ હોય છે. ટ્રસ્ટને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરાવવા પાંચથી દસ હજારનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં આવેલ ચેરીટી કમિશ્નરની કચેરીમાં સ્ટાફ ઘટની સમસ્યા છે. કચ્છમાં ૧૦ હજાર જેટલા જાહેર ટ્રસ્ટો નોંધાયેલા છે. ટ્રસ્ટને લગતા રૂટીન કામકાજ માંડ પુરા થતા હોય છે. તેવામાં રીન્યુઅલની કામગીરી વધારાનો બોજ બની છે. ટ્રસ્ટ પાસેથી પૈસા કમાવવાની પ્રવૃતિ સમાન ગણાવ્યા હતા. સરકાર એક તરફ દરેક કામગીરીમાં સરળતા લાવવાની વાત કરે છે. તો બીજીતરફ સેવાકીય પ્રવૃતિ સાથે ટ્રસ્ટો પર જ સરકારને ‘ટ્રસ્ટ’ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
..........
કચ્છ ઈતિહાસ પરિષદનો કેસ દફતરે કરવા હુકમ
ભુજ : જિલ્લાની જાણીતી સેવાકીય કાર્યો કરતી સંસ્થા કચ્છ ઈતિહાસ પરિષદને ચેરીટી કમિશ્નર કચેરી દ્વારા ફેરફાર રીપોર્ટ અને વર્ષ ર૦૧૬, ર૦૧૯, ર૦રરના કામે નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. કચ્છ ઈતિહાસ પરિષદ દ્વારા વાર્ષિક હિસાબો ઓડીટ થઈ ગયા હોવા છતાં કવેરી માટે જાહેર ટ્રસ્ટોની નોંધણીની ચેરીટી કમિશ્નરની કચેરી દ્વારા નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી. કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાએ આ કેસ સસ્થા સાથે સંકળાયેલા અશોકભાઈ માંડલિયાને સોંપ્યો હતો. આ નોટીસ કામે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી લેખિત દલીલ રજુ કરવામાં આવી હતી. આ કેસમાં કચ્છ ઈતિહાસ પરિષદના તમામ ટ્રસ્ટીઓ હાજર થયા હતા. શ્રી માંડલીયા દ્વારા રજુ કરોલ દલીલ બાદ દફતરે કરવાનો હુકમ કરાયો હતો. કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, શંભુલાલ જોશી, જયવીરસિંહ સોઢા, પ્રમોદ જેઠી, પ્રવિણ ભદ્રા, ખરાશંકર ગોર, સહદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા અને કનૈયાલાલ અબોટીના એડવોકેટ તરીકે અશોકભાઈ માંડલીયાએ હાજર રહી દલીલો કરી હતી.
............

Comments