કચ્છમાં આયુષ્યમાન કાર્ડના એપ્રુવલમાં અક્ષમ્ય વિલંબ : ઈમરજન્સી કેસોમાં દર્દીઓનો મરો
સુકા ભેગું લીલું પણ બળ્યું..!
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ કરવાની પ્રક્રિયા બનાવી દેવાઈ જટીલ : સ્થાનીકે મંજુરીના બદલે જિલ્લાકક્ષાએ મંજુરીના આદેશથી હેરાનગતિ
ભુજ : કેન્દ્ર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળે છે. પરંતું ખ્યાતિ હોસ્પિટલના ફ્રોડ પછી આ યોજનામાં ખોટું ન થાય તે માટે નવી એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. પરંતું હાલ આ યોજનામાં કચ્છમાં જેમની પાસે આયુષ્યમાન કાર્ડ છે અથવા તો ઈમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી, જેને લઇ સાચા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.આ અંગેની વિગતો મુજબ ગરીબ દર્દીઓને ગંભીર પ્રકારની બીમારીઓમાં મફત સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ મારફતે રૂપિયા ૧૦ લાખ સુધીની સારવાર આપવામાં આવે છે. સરકારની ગરીબલક્ષી યોજના અંતર્ગત સારવાર માટે કચ્છમાં સરકારી અને ખાનગી મળીને ૧૦૦થી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ મારફતે અનેક ગરીબ દર્દીઓને નવજીવન મળ્યું છે. પરંતુ તાજેતરમાં અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની આડમાં થયેલ મોટા કૌભાંડ બાદ સરકારે આ યોજનામાં નવા નિયમો લાગુ કરી કડકાઈ વધારી છે. જેના કારણે કચ્છ સહિત રાજ્યમાં હવે ઈમરજન્સી કેસોમાં નવા આયુષ્યમાન કાર્ડ મેળવવા કપરા બની ગયા છે. ભારતના કાયદા શાસ્ત્રની પ્રથમ લાઈન છે કે, સો ગુનેગારો ભલે છુટી જાય પણ એક નિર્દોષ દંડાવવો ન જોઈએ પરંતુ ખ્યાતિકાંડ બાદ હવે સરકારે એકલ - દોકલ કિસ્સામાં કોઈ ખોટો લાભ ન લઈ જાય તે માટે સેંકડો સાચા લાભાર્થીઓને સહાયથી વંચિત કરી દીધા છે. સાચા લાભાર્થીને તાત્કાલીક એપ્રુવલ મળવું જરૂરી છે. ઘણા દર્દીઓને અઠવાડિયા સુધી હોસ્પિટલોની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેસવાની ફરજ પડી રહી છે. જેમાં અકસ્માતના કેસ પણ છે. જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં એપ્રુવલ નહીં મળતાં દર્દી હેરાન થાય છે સાથે તેમના જીવનું જોખમ ઊભું થતું હોય છે. આથી આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ તુરંત ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

Comments