Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના સુભાષનગરમાં ૧ર કિલો ગાંજો ઝડપાયો : બે પેડલરો પકડાયા

07 February

પૂર્વ કચ્છને ‘ઉડતા પંજાબ’ બનાવતા નશાખોરો


ઓરિસ્સાના શખ્સે માલ મોકલાવ્યો, બિહારના શખ્સોએ માલ મેળવ્યો, ડીલીવરી આપે તે પહેલા ઝડપી લેવાયાઃ શ્રમિક વસાહતમાં બેફામ પણે ગાંજો અને નશાકારક પદાર્થ વેચાતા હોવાનું વધુ એકવાર પર્દાફાશ


ગાંધીધામ : પચરંગી સંકુલ ગાંધીધામમાં પરપ્રાંતિયો રોજગારી અર્થે સ્થાયી થયા બાદ ગુનાખોરીમાં વધારો થયો છે તેવામાં પૂર્વ કચ્છને ઉડતા પંજાબ બનતું અટકાવવા માટે પોલીસે કમર કસી છે અને સુભાષનગરમાંથી ૧ર કિલો ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો. બે પેડલરોની ધરપકડ કરાઈ છે. જયારે વધુ એકવાર ઓરિસ્સાનું કનેક્શન ખુલવા પામ્યું છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સુભાષનગર ડીસી-ર માં બીઝનેશ આર્કેટ પ્લોટ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પીએસએલ કાર્ગો ઝૂપડામાં રહેતા મુળ બિહારના રાજીવ વિંદેશ્વર રાય અને મુળ બિહારના હાલે શાંતિધામ હરીઓમ નગરમાં રહેતા સુભાષ દાહોર જાદવને ઝડપી લીધા હતા. પુછપરછ કરતા તેમની પાસેથી ૧ર.૧૪૦ કિલો ગાંજો કિમત રૂા. ૧,ર૧,૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ કરતા સામે આવ્યું કે, આરોપી ઓરિસ્સાના અજય સાવ નામના શખ્સે આ માલ વેચવા માટે આ બન્નેને આપ્યો હતો. ગાંધીધામમાં આ ગાંજાની ડીલીવરી આપવાની હતી. જેના મોબાઈલ નંબર પોલીસને મળ્યા છે. હાલ બન્ને પેડલરોને ઝડપી કુલ્લ ચાર સામે ગુનો દાખલ કરી ૧,૮૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ એક વખત ગાંધીધામમાં શ્રમીક વસાહતમાં નશાકારક વસ્તુઓના વેચાણનો કિસ્સો સામે આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM