છાડવારામાં ૩ હજાર ટ્રોલી ભરીને માટી ઉસેડાઈ : કોર્ટ મારફતે ફોજદારી’
મુંબઈગરા વાગડવાસી પોલીસ સ્ટેશનોના દાદરા ચડી થાકી ગયા પણ દાદ ન મળી
ખેતરના શેઢે વાવેલા ૭૦ વર્ષ જૂના વૃક્ષો પણ કાપી નખાયા : જમીનમાં દબાણ કરાયું તેની લેન્ડ ગ્રેબીંગની અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ : એસપી અને કલેકટરને રજુઆત છતાં પગલા ન ભર્યા : માથાભારે શખ્સે કાયદો હાથમાં લઈ ધમકી આપી ‘તારાથી થાય તે કરી લેજે’ : વાગડમાં મુંબઈવાસીઓની કિંમતી જમીન પચાવાતી હોવાના વધતા મામલા વચ્ચે ખેડૂતની હિંમત કાબીલેદાદ : અદાલતની ફટકાર બાદ પોલીસ ન્યાય અપાવશે કે પછી હજુય ધક્કા ખવડાવશે ?
ભચાઉ : વાગડ વિસ્તારમાં વસતા મોટા ભાગના લોકો ધંધા - રોજગાર અર્થે મુંબઈમાં સ્થાયી થયા છે, પણ તેઓની કિંમતી જમીનો - મિલકતો વાગડમાં આવેલી છે. અવારનવાર મુળ માલિકની જાણ બહાર આ મિલકતો વેચસાટ કરાયાની ફરિયાદો સામે આવી ચુકી છે. તેવામાં ભચાઉના છાડવારા ગામે મુળ માલિક મુંબઈમાં હોવાનો લાભ લઈ માથાભારે શખ્સે તેમની જમીનમાં દબાણ કરી જુના વૃક્ષો કાપી નાખવા સાથે ત્રણ હજાર ટ્રોલી ભરાય તેટલી માટી ઉસેડી લીધી હતી. આ બાબતે સ્થાનીક પોલીસ, એસપી કચેરી, કલેકટર કચેરીએ રજુઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાયા ન હતા. છતાં હિંમત ન હારી આ ખેડૂતે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે મામલો ગંભીર ગણી ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યા બાદ ભચાઉ પોલીસે ગુનો દાખલ કર્યો છે.મુળ રાપરના ચિત્રોડના હાલે વસઈમાં રહેતા વિનોદ જેરામ કાપડીએ જણાવ્યું કે, તેમની ખેતીની જમીન છાડવારા ગામે આવેલી છે. ખેતરનું ધોવાણ ન થાય તે માટે ૭૦ વર્ષ અગાઉ વડીલોએ ખેતરના શેઢા પર વૃક્ષો વાવ્યા હતા. ફરિયાદી મુંબઈમાં હોઈ તેનો લાભ લઈ આ ખેતર પર વાવેલા લીમડો, ખેજડો, ઝારા, બોરડી અને અન્ય નાના મોટા વૃક્ષો આરોપી ભચાઉના હિતેન્દ્ર નાનાલાલ ઠક્કરે કાઢી નાખી ઝાડનો નાશ કરી જમીનના ભાગે દબાણ કર્યું હતું. તેમજ જમીનમાંથી આશરે ૩ હજાર ટ્રોલી ભરાય તેટલી કિંમતી માટી ઉપાડી વૃક્ષોના લાકડા કાપી ચોરી કરી છે. આ બાબતે આરોપીને કહેતા તેણે તારાથી થાય તે કરી લેજે, બીજીવાર ખેતરે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી માથાભારે હોવાથી તા. ૪-૭-ર૦ર૪ના ભચાઉ પીઆઈને સંબોધીને રજુઆત કરવા સાથે ડીએસપી કચેરી ગાંધીધામને રજુઆત કરાઈ હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. લેન્ડ ગ્રેબીંગ તળે નોંધાવેલી ફરિયાદ પણ પેન્ડીંગ છે. ફરિયાદ કર્યા બાદ સતત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પણ પોલીસે દાદ આપી ન હતી. જેથી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ભચાઉ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીની જમીનમાં રેતી ચોરી અને ઝાડ કાપવા સંદર્ભે ચાર થી પાંચ લાખનું નુકશાન થયું હોવાનું જણાવાયું છે.

Comments