હવે જખૌના પોલીસ સ્ટેશનમાં જ તસ્કરો ત્રાટક્યા
પશ્ચિમ કચ્છમાં બેફામ બનેલા કેબલ ચોરોનો ખાખીને પડકાર ‘રોક શકો તો રોક લો’
પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડના મુદ્દામાલ રૂમમાંથી ચોરીના ગુના કામે કબજે કરાયેલ ૪પ હજારના વાયર ચોરી જવાયા
તેરા તુજકો અર્પણ અને સોશિયલ મીડિયાના તાયફાથી ગુનાખોરી કાબુમાં નહીં આવે : અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવા મેગા કોમ્બીંગની જરૂરીયાત હોવાનો જાગૃતોનો મત
ભુજ : કચ્છ જિલ્લામાં પાછલા લાંબા સમયથી કેબલ ચોરોએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. દરરોજ - એકાંતરે પવનચક્કી, સોલાર અને ખેતર-વાડીઓમાંથી બનતા કેબલ ચોરીના બનાવો એટલી હદે વધી ગયા છે કે રર૦ કેવીની વીજલાઈન સુધીના જીવતા વાયર પણ તસ્કરો છોડતા નથી. ખાખીધારીઓના પ્રતાપે ફાટીને ફુલેકે ચડેલા તસ્કરોેની હિંમત એટલી વધી ગઈ છે કે, પોલીસે ગુના કામે કબજે કરેલ ચોરીનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી જ ઉઠાવી જાય છે. જાણે કેબલ ચોરો ખાખીને ખુલ્લો પડકાર ફેંકતા હોય, રોક શકો તો રોક લો જેવો તાલ સર્જાયો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જખૌ પોલીસ સ્ટેશનમાં બિલ્ડીંગની પાછળ મુદ્દામાલ રૂમ આવેલો છે, જયાં રપ દિવસ પહેલા અલગ અલગ ગુનામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલની ખરાઈ કરવામાં આવી હતી. દરમ્યાન ર ફેબ્રુઆરીના જાણ થઈ કે, મુદ્દામાલ રૂમના દરવાજાનો નકુચો વળેલો છે. જેથી તપાસ કરતા દરવાજાને તાળું મારેલું હતું, પણ નકુચાનો ભાગ અડધો ખુલ્લો હતો. અંદર જોતા ગત વર્ષે ચોરીના ગુનામાં કબજે કરવામાં આવેલ વાયરનો મુદ્દામાલ ગાયબ જણાયો હતો. બે પ્લાસ્ટીકના થેલા પૈકી એક થેલામાં છોેલેલ કોપર કેબલ આશરે ૩૦ કિલો અને બીજા થેલામાં છોલેલ કોપર કેબલ તથા ૩ ફુટ અને ચાર ઈંચની પહોળાઈની ધાતુની બે પ્લેટ ધાતુના ત્રણ બાંધીયા, ૬૦ મીટર કોપર વાયર મળી કુલ્લ ૪પ હજારનો મુદ્દામાલ ગાયબ જણાયો હતો. કોઈ ચોર ઈસમે તાળું તોડયા વગર નકુચા વાળી સ્ટોપર ખોલી અંદરથી મુદ્દામાલની ચોરી કરી હતી. જેથી સરકાર તરફે જખૌ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. ટી. મઠીયાએ ગુનો દાખલ કરાવતા પીઆઈ બી. પી. ખરાડીએ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબત છે કે, પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરીની ઘટના બેફામ બની છે. જિલ્લામાં અલગ અલગ ખેતરવાડીઓમાંથી કેબલ વાયર તેમજ પવનચક્કીઓના વાયર તેમજ સોલાર પ્લેટો, હેવી વીજલાઈનના વાયરોની ચોરી થતી હોય છે. મોટા ભાગના ગુનામાં આરોપીઓ પકડાતા નથી. અને જે આરોપીઓ પકડાય છે તે ચોક્કસ વિસ્તારના જ હોય છે.અમુક નામચીન ઈસમો જ અવારનવાર ચોરીના ગુનામાં પકડાય છે. બાદમાં છુટી જાય છે, બાદમાં ફરી પકડાય છે. આ સીલસીલો યથાવત રહેવા છતા તસ્કરો સામે કાર્યવાહી કરવામાં પોલીસને શરમ નડતી હોય તેવું ચિત્ર ઉપસે છે. હાલમાં પશ્ચિમ કચ્છ પોલીસ અવારનવાર તેરા તુજકો અર્પણ અભીયાનના તાયફા કરે છે. પરંતુ જે ગુના અનડીટેકટ રહ્યા છે તે ગુના શોધવામાં કેમ મહેનત કરવામાં આવતી નથી, તેવો સવાલ પણ લોકો પુછી રહ્યા છે. આજની સ્થિતિએ પણ ઘણી એવી ઘરફોડ ચોરી, મંદિર ચોરી, કેબલ ચોરીની ઘટના વર્ષો બાદ પણ વણઉકેલાયેલી છે. સામાન્ય ગુનામાં વર્ષો પછી પણ કચ્છ બહારથી આરોપીઓ પકડતી પોલીસ ગંભીર ગુનામાં આરોપીઓ પકડી શકતી નથી, તેમ જણાવતા જાગૃત નાગરીકો કહે છે કે, પશ્ચિમ કચ્છમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ બેફામ બની છે. દારૂ, જુગારની પ્રવૃતિઓ તો ધમધમે છે પરંતુ મિલકત સબંધી ગુના વધી જતા લોકોને પણ ફફડાટ છે. ખરેખર અસામાજીક તત્ત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી અને લોકોને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ થાય તેવી કામગીરીની જરૂરીયાત છે. આજની સ્થિતિએ લોકો પોતાના ઘર બંધ કરીને બહાર ગામ જઈ શકતા નથી, ખેતરવાડીઓમાં રાતના ઉજાગરા કરવા પડે છે. કારણ કે તસ્કરો બેફામ બન્યા છે અને ફરિયાદ થયા બાદ મોટા ભાગના ગુના અનડીટેકટ રહેતા હોઈ લોકોને સ્વયમ ચોકીદારી કરવાની ફરજ
પડે છે.

Comments