સામખિયાળી અને અંજારમાં ર.૭૯ લાખનો શરાબ ઝડપાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલ
આચારસંહિતા વચ્ચે દારૂ પકડાતા તર્કવિતર્કો તેજ બન્યા
ગાંધીધામ : કચ્છમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આચારસંહિતા અમલમાં છે. રાપર - ભચાઉ નગરપાલિકા સાથે તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતા અમલમાં છે તેવામાં સામખિયાળી અને અંજારમાંથી ર.૭૯ લાખનો દારૂ ઝડપાયો હતો. આચારસંહિતામાં દારૂ પકડાતા તર્કવિતર્કો તેજ બન્યા હતા.અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વરસામેડી નાકા પાસે આવેલ મોમાય નગરમાં સ્થાનીક પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોમાયનગરમાં આરોપી થારૂભા લાખાભાઈ ગઢવીના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ર૮૯ બોટલ કબજે કરવામાં આવી હતી. આરોપીને ઝડપી ૧,૯૪,૪૩૩ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા મોડવદરમાં રહેતો મુકેશ બાવાજી પોતાની ક્રેટા ગાડીથી દારૂનો જથ્થો વેચાણ માટે આપી ગયો હોવાની કબુલાત આપવામાં આવી હતી.આ તરફ સામખિયાળીમાં મહેસાણાનગર સોસાયટી ખાતે એલસીબીએ દરોડો પાડયો હતો. આરોપી ભાવેશ રાયધણ મણકાએ સહ આરોપી જયોતિબેન ઈશ્વરભાઈ સુથારના મકાનમાં દારૂ રાખ્યો હતો. દરોડા દરમ્યાન દારૂની ૧૧પ બોટલ, કિંમત રૂા. ૮૪,૪૪પ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહિલાને પોલીસ સ્ટેશને હાજર રહેવા નોટીસ અપાઈ હતી. તેમજ મુખ્ય આરોપી ભાવેશ મણકા હાજર મળ્યો નહોતો. બન્ને સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments