Trending News
સ્થાનિક સમાચાર

જ્યાં સુધી શરીર સક્ષમ હોય ત્યાં સુધી ધર્મ કરી લોઃ શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી

05 February



ભુજ : કચ્છીપૂજ સમવસરણમાં યોજાયેલા મંગલ પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, આચાર્યશ્રી મહાશ્રમણજીએ સંબોધન આપતા કહ્યું કે, માનવ જીવનમાં આત્મા મુખ્ય તત્વ છે, પરંતુ શરીર પણ મહત્વપૂર્ણ છે. મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે, તેમાં શરીરનો મોટો ફાળો હોય છે. ધર્મની આરાધનામાં પણ શરીર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે જ તેનું મુખ્ય સાધન છે. જ્યાં સુધી શરીર સક્ષમ છે, ત્યાં સુધી સારા કાર્યો કરી શકાય.શરીરની અશક્તતાની ત્રણ પરિસ્થિતિઓ છે વૃદ્ધાવસ્થા, રોગ અને ઇન્દ્રિયોની શક્તિહીનતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અસહ્ય ન થાય, ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. વૃદ્ધાવસ્થા એક અવસ્થા છે. ૭૦ વર્ષ પછી માનવ જીવન વૃદ્ધત્વ તરફ આગળ વધે છે. ૬૦ વર્ષ પાર કરનાર માણસ સ્થવીર બની જાય છે. ૬૦ વર્ષ પછી વૃદ્ધાવસ્થાનું શૈશવ શરૂ થાય છે અને શરીર થાકવા લાગે છે. એક યુગ હતો જ્યારે મનુષ્ય જે કહે તે પગ પણ અનુસરે, પણ વૃદ્ધાવસ્થામાં પગ જેટલા સક્ષમ હોય તેટલું જ મનુષ્ય કરી શકે. આ માટે જીવનશૈલીમાં પણ ફેરફાર થવો જરૂરી છે. જે સાધુઓ વધુ વિહાર નથી કરી શકતા, તેઓ બેઠા-બેઠા કોઇ કાર્ય કરી શકે. સેવા અને સહયોગ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મનુષ્યે પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળવાનો પ્રયાસ કરવો જોઈએ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ ૯૦ વર્ષની ઉંમરે પણ તેમના જીવનના અંતિમ દિવસે પ્રવચન કર્યુ હતું. અર્થ એ છે કે જ્યાં સુધી શરીરમાં રોગ ન થાય અને ઇન્દ્રિયો કમજોર ન થાય, ત્યાં સુધી ધર્મચરણ કરવાની કોશિશ કરવી જોઈએ. અનુશાસન, મર્યાદા, સંયમ અને તપ માટે સજાગ રહેવું જોઈએ.આચાર્યશ્રીના મંગલ પ્રવચન બાદ મુનિ રાજકુમારજીએ ભક્તિમય ગીતની પ્રસ્તુતિ આપી હતી. કચ્છ-મોરબીના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ આચાર્યશ્રીના દર્શન કર્યા બાદ જણાવ્યું કે, પ.પૂ. આચાર્યશ્રી મહાશ્રમણજી હજારો કિલોમીટરની પદયાત્રા કરી કચ્છની ધરાને પોતાના પવિત્ર ચરણોથી પાવન કરવા પધાર્યા છે, જે આપણા માટે પરમ સન્માનની વાત છે. ૧૬૧મો મર્યાદા મહોત્સવ જે ગુજરાતનો પ્રથમ મર્યાદા મહોત્સવ છે તે આપના સાનિધ્યમાં યોજાયો અને ગુજરાતની જનતા તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું.સમણી નિયોજિકાજી સમણી અમલપ્રજ્ઞાજી, સમણી કુમુદપ્રજ્ઞાજી, સમણી આર્જવપ્રજ્ઞાજી, સમણી સમત્વપ્રજ્ઞાજી, સમણી હિમપ્રજ્ઞાજી, સમણી જિજ્ઞાસાપ્રજ્ઞાજી અને સમણી કરુણાપ્રજ્ઞાજીએ પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. આચાર્યશ્રીએ મંગલ આશિષ આપતા કહ્યું કે, મર્યાદા મહોત્સવ પછીનો આ સમય છે. કેટલાંક સમણીઓના ગ્રુપો વિદેશ યાત્રા કરી પાછા ફર્યા છે. શ્રાવક સમાજને કહ્યું કે, નવકારની માળા નાસ્તા પહેલાં જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમણીઓ જ્યાં રહે, સારા કાર્યો કરતી રહે. તેરાપંથી સભા-ટોહાણાના પદાધિકારીઓ દ્વારા "સામાયિક સાધના" નામક પુસ્તકને આચાર્યશ્રીના હસ્તે વિમોચિત કરવામાં આવ્યું હતુ. મર્યાદા મહોત્સવના કાર્યક્રમમાં રવિન્દ્ર સંઘવી, નરેન્દ્ર મેઘજી ઠક્કર, પૃથ્વીરાજજી જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM