ધર્મસંઘ માટે મર્યાદા મહોત્સવ એક મહત્ત્વપૂર્ણ તહેવાર : આચાર્યશ્રી મહાશ્રમણજી
ભુજના જૈન શાસનની મર્યાદામય એકતા દર્શાવતો મહોત્સવ સંપન્ન
ભુજ : દેશ અને દૂનિયામાં કરોડો લોકો દ્વારા મર્યાદાના ઉત્સવને નજરે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખૂબજ આતુરતા અને ઉત્સુકતાથી જોવાય છે. તેરાપંથના તિર્થાધિરાજ આચાર્યશ્રી મહાશ્રમણજીને સાંભળનાર તથા તેમની વાત્સલ્યમય એક નજર માટે પલક પાવડા બિછાવનાર સમસ્ત જૈન સમાજની મશાલ રુપ મર્યાદાના મહોત્સવ ભુજના સ્મૃતિવનમાં ભૂકંપપિડીત તથા ભૂકંપમાં સ્વર્ગસ્થ થનારને યાદ કરીને ત્રીજા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનેલા જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના ૧૬૧મા મર્યાદા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન પૂર્ણ થયું હતુ. ગુજરાતમાં આયોજિત પ્રથમ મર્યાદા મહોત્સવનો અંતિમ દિવસ હતો. ચતુર્વિધ ધર્મસંઘની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. નિર્ધારિત સમય પ્રમાણે તેરાપંથ ધર્મસંઘના અગીઆરમાં અનુશાસ્તા, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની મંગલવાણીમાં મંગલ મહામંત્રોના ઉચ્ચારણ સાથે ભવ્ય કાર્યક્રમનો આરંભ થયો. મુનિ દિનેશકુમારજીએ જયઘોષ કરાવ્યો હતો, જેનાથી સમગ્ર સ્મૃતિવન પરિસર ગૂંજી ઉઠ્યું હતુ. મુનિ દિનેશકુમારજીએ "મર્યાદા ગીત"નું સંગાન કરાવ્યું હતું. સમણિવૃંદે સામુહિક ગીત ગાયું હતુ. સાધ્વીવૃંદે પણ પોતાની ભાવનાઓ સામુહિક ગીત દ્વારા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ મુનિવૃંદે પણ મર્યાદા મહોત્સવના શિખર દિવસે સામુહિક ગીત દ્વારા ભાવનાઓ વ્યક્ત કરી હતી. આ ગીતોની પ્રસ્તુતિ પછી તેરાપંથ ધર્મસંઘની નવમી સાધ્વીપ્રમુખા વિશ્રૃતવિભાજીએ ચતુર્વિધ ધર્મસંઘને ઉદ્દબોધન કર્યું હતુ અને વિવિધ પ્રેરણાઓ આપી હતી.
મર્યાદા મહોત્સવના શિખર દિવસે તેરાપંથ ધર્મસંઘના વર્તમાન શિખરપુરુષ, મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતા સાથે અમૃતવાણી વહાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમે ધર્મ સાથે જોડાયેલા છીએ અને ધર્મસંઘના મર્યાદા મહોત્સવ સાથે પણ જોડાયેલા છીએ. ભગવાન મહાવીરના આ શાસનમાં અનેક સંપ્રદાય છે દિગંબર, શ્વેતાંબર. શ્વેતાંબર પરંપરામાં પણ અનેક સંપ્રદાય છે, જેમાં તેરાપંથ એક છે. તેરાપંથ ધર્મસંઘની સ્થાપના વિ.સં. ૧૮૧૭માં થઈ હતી અને આજે ૨૬૪ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આપણા ધર્મસંઘના આદિ અનુશાસ્તા ભિક્ષુ સ્વામી હતા, જે ધર્મસંઘના પિતા હતા અને અમે તેમની સંતાનો છીએ. તેમણે ધર્મસંઘની સ્થાપના કરી અને મર્યાદાઓ નિર્ધારિત કરી. તેમના હસ્તે લિખિત એક મર્યાદા પત્ર વિ.સં. ૧૮૫૯માં તૈયાર થયો હતો, જે આજે પણ અમારા માટે માર્ગદર્શક સમાન છે.
આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, આ મર્યાદા મહોત્સવની શરૂઆત વિ.સં. ૧૯૧૯માં રાજસ્થાનના બાલોતરામાં શ્રીમદ્દ જયાચાર્યે કરી હતી. અત્યાર સુધીમાં ધર્મસંઘે દસ આચાર્યોનો શાસનકાળ જોયો છે. ભારતીય સંવિધાન પ્રમાણે ૨૬ જાન્યુઆરી આપણા દેશ માટે મર્યાદા મહોત્સવ છે અને તે જ રીતે આ ધર્મસંઘ માટે પણ મર્યાદા મહોત્સવ એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ મહોત્સવ દ્વારા ચાતુર્માસમાં રહેનાર સાધુ-સાધ્વીઓને ગુરુદર્શન અને સેવા કરવાનો અવસર મળે છે. આ ધર્મસંઘમાં એક આચાર્યની આગેવાનીમાં રહેવાની પરંપરા છે અને ૨૬૫ વર્ષમાં આ નિયમમાં કોઈ બદલાવ આવ્યો નથી. આચાર્યશ્રીએ આગળ સમજાવ્યું હતુ કે, આપણા ધર્મસંઘમાં સાધુ-સાધ્વી, સમણશ્રેણી, શ્રાવક-શ્રાવિકા - બધાએ આ મર્યાદાઓનું પાલન કરવું જરૂરી છે. આ સન્યાસ અને સાધુતાનો માર્ગ છે, જે માટે સંપૂર્ણ જાગરૂકતા જરૂરી છે. અમારા ધાર્મિક સંસ્થાઓ કેન્દ્ર, પ્રાંત અને સ્થાનિક સ્તરે કાર્યરત છે. આ સંસ્થાઓ સમાજ માટે લાભદાયી છે અને સંગઠિત રીતે સેવા આપે છે.
૧૬૧માં મર્યાદા મહોત્સવના શુભ અવસરે આચાર્યશ્રીએ જાહેરાત કરી હતી કે, પૂરુષોની દીક્ષા માટે ૫૦ વર્ષની ઉંમરની મર્યાદા હતી, જે હવે દૂર કરવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિ દીક્ષા લેવા ઈચ્છે અને અમારી કસોટી પર ખરો ઉતરે તેને દીક્ષા આપી શકાશે. આચાર્યશ્રીએ ૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદ ચાતુર્માસમાં એક ભવ્ય દીક્ષા સમારંભ યોજવાની જાહેરાત કરી હતી, જેમાં મુમુક્ષુ કલ્પ મહેતા, મુમુક્ષુ પ્રીત કોઠારી, મુમુક્ષુ મોહક બેતાલા, મુમુક્ષુ મનીષા, મુમુક્ષુ પ્રેક્ષા, મુમુક્ષુ રાજુલ, મુમુક્ષુ ભાવના અને મુમુક્ષુ કીર્તિ ભદ્રવને મુનિદીક્ષા અને સાધ્વીદીક્ષા આપવામાં આવશે. તે જ દિવસે મુમુક્ષુ ભાવિકા, મુમુક્ષુ બિનૂ, મુમુક્ષુ અંજલિ અને મુમુક્ષુ સાધનાને સમણી દીક્ષા આપવામાં આવશે.
મર્યાદા મહોત્સવના પાવન અવસરે, તેરાપંથના અનુશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણજીએ પોતાનું સ્વરચિત ગીત "કરીએ આધ્યાત્મિક ઉદ્ધાર રે, શુભ ધ્યાન રે, જૈનાગમ વાંગમયનું" સંગાન કર્યું હતુ. ચતુર્વિધ ધર્મસંઘે આ ગીત સાથે સહગાન કર્યું હતું. ગીતના સંગાન બાદ, આચાર્યશ્રીએ તેરાપંથના મુળભુત દસ્તાવેજ "મર્યાદા પત્ર"નું વાચન કર્યું હતુ. ૪૩ સાધુઓ, ૫૩ સાધ્વીઓ અને ૪૩ સમણીઓની ઉપસ્થિતિમાં મર્યાદા પત્રનું શ્રવણ કરાવાયું હતુ.
આચાર્યશ્રીએ દેશ-વિદેશમાં સાઘુ - સાઘ્વીઓના ચાતુર્માસ સ્થળોની જાહેરાત કરી હતી. તેમણે જૈન સમાજને આહ્વાન કર્યું કે તેઓ અપક્ષ્ય, કંદમૂળ, નોનવેજ અને મદિરાપાન સેવનથી દૂર રહે અને ધર્મ તથા સંયમના માર્ગે ચાલે. આચાર્યશ્રીએ પોતાના ઉદ્દબોધનના અંતે કહ્યું હતું કે, આપણે આપણાં સારા કાર્યો દ્વારા નિંદાનો જવાબ આપવો જોઈએ, સ્નેહભાવ અને શિસ્ત સાથે સંયમપથનું પાલન કરવું જોઈએ. એમ પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો.આચાર્યશ્રીના પાટ પરથી નીચે ઊતરતાં જ સમગ્ર ચતુર્વિધ ધર્મસંઘ ઉભો થઈ ગયો હતો અને સંઘગાનથી ગુંજાયમાન થયો હતો. આ સાથે ભુજ-કચ્છમાં આયોજિત ૧૬૧મા મર્યાદા મહોત્સવના ત્રિદિવસીય સમારંભની પૂર્ણતા જાહેર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ભૂમિ પર તેરાપંથ ધર્મસંઘનો આ ઐતિહાસિક મહોત્સવ સક્સેસફૂલ રીતે પૂર્ણ થયો હતો. મર્યાદા મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી જ્યાં એક નવા ધર્મગૌરવના પ્રકરણની પૂર્ણાહુતિ થઈ હતી અને ગુરુદેવના આશિર્વાદ મેળવ્યાં હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ દોઠસોની આસપાસ ની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ, સાધ્વી, સમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ - બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કિર્તીભાઈના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો તથા સમસ્ત જૈન સમાજ, યુવા મંડળો, સામાજિક મંડળો તથા ગ્રુપો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
------

Comments