Trending News
સ્થાનિક સમાચાર

ખાનાય જાગીરના મહંત મેઘરાજજીદાદા બ્રહ્મલિન થયા

04 February

સાચા સંત સમાધિમાં સુઈ ગયા રે... જીવ શિવમાં ભળી ગયો 



પાટકોરીની જ્યોત પુનઃ પ્રજ્વલિત કરી આરાધીવાણીને જીવંત કરી સનાતન સંસ્કૃતિનો દાદાએ નાદ ફૂંકયો હતો : મોટી સંખ્યામાં સંતો - મહંતો, આગેવાનો અને અનુયાયીઓ પહોંચ્યા અને દાદાને શ્રદ્ધાંજલિ અર્પી : આજે સાંજે પાલખીયાત્રા બાદ ખાનાયમાં સમાધી અપાશે : અઢારે આલમને સાથે રાખી ચાલનાર મહંતની અણધારી વિદાયથી મોટી ખોટ પડી 




નખત્રાણા : અબડાસા તાલુકાના સુપ્રસિદ્ધ કચ્છના રણુજા ધામ એવા ખાનાય મધ્યના મહંત મેઘરાજજી ગુરૂ ત્રિલોકનાથજી દાદાનું ટૂંકી બીમારીના કારણે ગત રાત્રે નિધન થતાં કચ્છ અને કચ્છ બહારના અનુયાયીઓમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મહંત બ્રહ્મલીન થતાં આજે સવારથી ખાનાય જાગીર ખાતે મેઘરાજજી દાદાના અંતિમ દર્શન માટે અનુયાયીઓ ઉમટયા હતા. ભારે ગમગીન માહોલ વચ્ચે આજે સાંજે તેમને સમાધી આપવામાં આવશે. 
કચ્છના રણુજા ગણાતા અબડાસાના ખાનાય તિર્થધામ ખાતે મહંત મેઘરાજજીએ આરાધીવાણીને જીવંત રાખી હતી. તેઓ આરાધીવાણીના આરાધક હતા અને પાટકોરી પરંપરાને પ્રજીવલ્લીત કરી સનાતન સંસ્કૃતિની ધુણી ધખાવી હતી. પૂજય દાદાના બ્રહ્મલીનના સમાચારથી સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ખાનાય ખાતે આજે સાંજે ચાર વાગ્યે નાથ સંપ્રદાયના નિયમો મુજબ દાદાને સમાધિ આપવામાં આવશે. હરિસિંગદાદા -લિફરી, સંજયનાથજી દાદા, રાજનનાથજી દાદા, મંગલનાથજી દાદા, કાલીનાથજી દાદા, કોઠારી યોગી ત્રિલોકનાથજી - જુનાગઢ, સોમનાથજી બાપુ - થાન જાગીર, મોજનાથજી બાપુ, કાલીનાથજી, ઉદયનાથજી, રમયનાથજી, કંથળનાથજી તથા જુનાગઢથી આવેલા નાથ સંપ્રદાયના સંતો મહંતોની હાજરીમાં દાદાને સમાધિ આપવામાં આવશે.
૬પ વર્ષિય આ મહંતના રતનાલ રામટેકરી ખાતે આશ્રમ છે. નખત્રાણા ગણેશ મંદિર પણ આશ્રમ રાખી ત્યાં ગૌશાળા ઉભી કરી અનેક ગાય માતાની સેવા કરી છે. મૂળ ભાડરાના તુંવર પરિવારના મેઘરાજજીદાદા બાળવયે અલખધણીનું આરાધ કરતા હતા. તેઓ લખપત તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વેરસલજી દાદાના લધુબંધુ હતા. સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો પી.એમ. જાડેજા, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, સંતકૃપાના મુરૂભા વી.જાડેજા, નરાના રાજુભાઈ સરદાર, ચંદનસિંહ રાઠોડ, માધુભા જાડેજા (બિબ્બર) વગેરે પ.પૂ.દાદાના નિધન પર શોક વ્યક્ત કરી અંજલી આપી હતી. તેમનો ભંડારો ૩ દિવસ ખાનાય ખાતે યોજાશે તેવું મહંત સેવાનાથજી તથા શોભળનાથજીએ કહ્યું હતું. અઢારે આલમને સાથે રાખી ચાલનાર મહંત મેઘરાજજીદાદાના જવાથી ખોટ પડી છે તેવું ભાવિકોએ કહ્યું હતું. સમગ્ર કચ્છમાંથી રબારી સમાજ, રાજપુત સમાજ, આહિર સમાજ, મારવાડા સમાજ, ગોસ્વામી સમાજ સહિત અઢારે વર્ણના અનુયાયીઓ ખાનાય પહોંચી આવ્યા હતા, સૌએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હોવાનું વેસલજી દાદા તેમજ રામદેવપીર મેળા સમિતિ દ્વારા જણાવાયું હતું.’



.................


કચ્છમાં પ્રથમ વખત રબારી સમાજના સમૂહલગ્ન યોજવામાં સિંહ ફાળો 


કચ્છમાં સૌ પ્રથમ વખત રબારી સમાજના સમુહલગ્ન યોજવા માટે મેઘરાજ દાદાનો સિંહ ફાળો હતો. તેમણે ૯ લાખ જેટલું અનુદાન આપ્યું હોવાનું માંડણભાઈ રબારીએ જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ રબારી સમાજ એજ્યુકેશનના પ્રમુખ વેલજીભાઈ રબારીએ કહ્યું કે, કચ્છમાં સનાતન સંસ્કૃતિનું જતન કરી આરાધીવાણીને દાદાએ જીવંત રાખી હતી. પાટકોરી પરંપરાને પણ દાદા અમર કરી ગયા છે.’



...............


કુંભ મેળામાંથી તાજેતરમાં પરત આવ્યા હતા 


ખાનાય જાગીરના મહંત મેઘરાજજી દાદા તાજેતરમાં મહાકુંભ ખાતે ગયા હતા અને બે દિવસ પહેલાં જ પરત આવ્યા હતા, તેઓને શ્વાસની બિમારી હતી. આ બિમારીએ કચ્છ પાસેથી સાચા સંતને છીનવી લીધા છે. 

Comments

COMMENT / REPLY FROM