કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગની લીઝ ઈસીના અભાવે બંધ હોવા છતાં ખોદકામ ચાલુ
અવારનવાર ખનિજ વિભાગ, ફલાઈંગ સ્કવોડ અને પોલીસ રોયલ્ટી વગરના વાહનો પકડે અને દંડ ભરીને છુટા કરી દે પરંતુ મુળ સુધી પહોંચવામાં નિષ્ક્રિયતા : જે ખનીજની ગાડી પકડાય છે તે કંઈ લીઝમાંથી ભરાઈ છે તે તરફ કોઈ તપાસ થતી હોય તેવો દેખાતો નથી... તેવો સુચક ચર્ચા બજારમાં ગરમી પકડી
’
ભુજ : સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે પર્યાવરણીય મંજુરી વિનાની ખાણોમાં ખોદકામ પર પ્રતિબંધ લગાવાયો છે. જેના ભાગરૂપે કચ્છમાં પણ મોટા ભાગની લીઝોને તાળા વાગી ગયા હતા. માત્ર કપંનીઓની લીઝો ચાલુ રહી હતી. નિયમ ત્યાં સુધી છે કે, જો લીઝમાં ખોદકામ થયું હોય તો પર્યાવરણીય મંજૂરી નહીં. કચ્છમાં મોટા ભાગની લીઝોમાં ખોદકામ તો ઠીક બેફામ ખાડા કરી દેવાયા છે. જેથી પર્યાવરણીય મંજુરી મળે તેવી શક્યતાઓ પણ નથી, તેમ છતાં નિયમોનો ભંગ કરીને ખનિજ માફીયાઓ લીઝમાંથી કપચી, ચાઈનાકલે, રેતી, સિલીકા, વ્હાઈટ કલે, બેન્ટોનાઈટ સહિતના ખનીજ ઉસેળતા હોય છે. તેમજ જિલ્લામાં બોકસાઈટની મંજૂર લીઝ ન હોવા છતાં માંડવી, અબડાસામાં તેનું પણ ખોદકામ થાય છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ ખનિજ વિભાગ, ફલાઈંગ સ્કવોડ તેમજ પોલીસ અવારનવાર રોયલ્ટી વગર ખનીજ પરિવહન કરતા વાહનો પકડે છે અને તેના માલિકો દંડ ભરીને વાહનો છોડાવી લે છે. પરંતુ મુળ સુધી પહોંચવામાં તમામ તંત્રોની નિષ્ક્રિયતા છે. એવી જાહેરાતો કરવામાં આવે છે કે ખાડાની માપણી કરી દંડ ફટકારવામાં આવશે પરંતુ ખનીજ ચોરો સાથે સેટીંગ કરીને ઓછી ઉંડાઈ ધરાવતા ખાડાની માપણી કરી તેરી ભી ચુપ મેરી ભી ચુપ કરી લેવામાં આવે છે. ખનીજ વિભાગની મીલીભગતના કારણે જ ખનીજ ચોરી બેફામ બની રહી છે. જેમ પોલીસમાં એસએમસીથી બધા ફફડે છે તેમ હવે ખનીજ ચોરીને રોકવા એસએમસીને આવું પડે તો નવાઈ નહી હોય. જો એસએમસીએ રેડ કરી તો ખનીજ ચોરોની શાન ઠેકાણે તેમ લોકો કહી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે લીઝ મંજૂર કરાવ્યા બાદ જે તે સ્થળ પર મંજૂરી મેળવેલ ખનિજનો જથ્થો પૂર્ણ થઈ ગયા બાદ પણ ખનન થતું રહે છે. હવે તો પર્યાવરણીય મંજુરી ન હોવા છતાં ખોદકામ થાય છે. ઘણીવખત આ પ્રમાણેની લીઝમાંથી ખનીજ ઉસેળી જેની લીઝ ચાલુ છે ત્યાંનો રોયલ્ટી પાસ બનાવી દેવામાં આવતો હોય છે. અંજારમાં બોગસ રોયલ્ટી પાસ બનાવી ગેરકાયદે ખનીજને કાયદેસર કરવાની પ્રવૃતિ પણ પકડાઈ ચુકી છે. ખનીજ વિભાગે પગલાં ભર્યા પણ તે કિસ્સામાં પોલીસે ભીનું સંકેલી લીધું હતું. જે મુદ્દો પણ ચર્ચાના સ્થાને છે. કચ્છ જિલ્લામાં મંજૂર થયેલ લીઝમાં ખોદકામ થાય છે કે નહીં તેની તપાસ માટે કલેકટર દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને છુટ આપવામાં આવે અને તપાસ થાય તો જ ગેરરીતિનો ખુલાસો થઈ શકે છે. ખાણમાં માલ ખતમ થઈ ગયું હોવા છતાં ભરાતી રોયલ્ટી અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખનિજ ચોરીના મોટા ષડયંત્રનો ખુલાસો થઈ શકે તેમ છે.

Comments