ભાવનગર-મહુવાના મામલતદારવાળી કચ્છમાં કયારે? સરકારી અનાજના કાળા કારોબાર પર કરો લાલઆંખ
ભાવનગરમાં સરકારી અનાજને સગેવગે કરનારાઓની સામે મહુવાના મામલતદારે કરી દેખાડી ધાક બેસાડતી કાર્યવાહી : ૪૭ ટન જેટલા જંગી સરકારી જથ્થો સગેવગે થાય એ પહેલા જ દબોચી લીધો
કચ્છમાં પણ ગાંધીધામ-કંડલા-ભચાઉ-ભુજ-માંડવી સહીતના વિસ્તારોમાં સરકારી અનાજ, ગરીબો અને જરૂરીયતમંદોના હિતના અનાજ પર આવા જ સરકારી અમુક બની બેઠેલા કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ઓપન માર્કેટમાં વેચી દેવાતા હોવાના ખુલતા રહ્યા છે કિસ્સાઓ
હકીકતમાં સભ્યોની સંખ્યા પાંચ હોય અને બોગસ રાશન કાર્ડ બનાવી અને તેમાં સભ્ય સંખ્યા ડબલથી વધુ દેખાડી તે અનાજને સગેવગે કરવામાં આવતા હોવાના પણ કારનામાઓ આચરાઈ ચૂકયા હોવાની છે ચર્ચા
કંડલા- ખારીરોહર સહિતના વિસ્તારોમાં તો સ્ટેટ વિજિલન્સ ત્રાટકી અને અનાજની કાળાબજારીનો કરી દેખાડયો હતો પર્દાફાશ : જે બાદ ઘરોઘર રાશનકાર્ડ ચકાસણી સહિતના અભિયાનો હાથ ધરવાની આવી હતી નોબત : પુરવઠા વિભાગના ભ્રષ્ટ તત્વોની મીલીભગત વિના સરકારી અનાજની કાળાબજારી કરનારા ધનેડાઓ ફાવી ન શકે..?
ગાંધીધામ : કેન્દ્રની મોદી સરકાર જનજનની સર્વાંગી ચિંતા સેવી રહી છે. દેશના કોઈ પણ ખુણે કોઈ પણ વ્યકિત અનાજ વિના ન સુવે, દરેકને અનાજ પુરતુ મળે તે માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનાઓ ચાલુ કરાવી અને તેની અમલવારી કરાવી રહ્યા છે પરંતુ બીજીતરફ ગુજરાત-કચ્છમાં પણ આ જ સરકારના પુરવઠા વિભાગના અમુક ભ્રષ્ટ તત્વોની જ રહેમનજર-મેળાપીપણાં થકી જ કેટલાક તત્વો અનાજની ધુમ કાળાબજારી બિનધાસ્ત કરતા જ રહેતા હોય છે.
તાજેતરમાં જ આવા જ સરકારી અનાજની કાળા બજારીના મોટા કારસ્તાનનો પર્દાફાશ મામલતદારશ્રીએ જ કરી દીધો અને ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે ત્યારે ખરેખર છેવાડાના કચ્છ જિલ્લામાં પણ મહુવામાં થયેલી કામગીરીમાંથી મામલતદારશ્રીઓ બોધપાઠ મેળવી અને લાલઆંખ કરતી કાર્યવાહી કયારે કરી દેખાડશે? તેવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. વાત સહેજ વિગતે કરીએ તો ભાવનગરમાં સરકારી અનાજને સગેવગે કરનારાઓની સામે મહુવાના મામલતદારે ૪૭ ટન જેટલા જંગી સરકારી જથ્થો સગેવગે થાય એ પહેલા જ દબોચી લીધો છે. જેના પગલે સરકારી અનાજની કાળા બજારી કરનારાઓમાં ફેલાયો ફફડાટ જ પ્રસરી જવા પામ્યો છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં પણ ગાંધીધામ-કંડલા-ભચાઉ-ભુજ-માંડવી સહીતના વિસ્તારોમાં સરકારી અનાજ, ગરીબો અને જરૂરીયતમંદોના હિતના અનાજ પર આવા જ સરકારી અમુક બની બેઠેલા કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ઓપન માર્કેટમાં વેચી દેવાતા હોવાના કિસ્સાઓ સમયાંતરે ખુલતા જ રહેતા હોય છે. એટલુ માત્ર જ નહી પરંતુ તાજા ભુતળકામાં જ કંડલા- ખારીરોહર સહિતના વિસ્તારોમાં તો સ્ટેટ વિજિલન્સ ત્રાટકી અને અનાજની કાળાબજારીનો કરી દેખાડયો હતો મોટો પર્દાફાશ. જે બાદ સ્થાનિકના ઉંઘતા પુરવઠા વિભાગને પણ કામગીરી કરવાની ફરજ પડી ગઈ હતી. સ્ટેટ વિજિલન્સની રેઈડ બાદ બાદ ઘરોઘર રાશનકાર્ડ ચકાસણી સહિતના અભિયાનો હાથ ધરવાની નોબત આવી જવા પામી હતી. કેટલીક દુકાનવાળાઓના લાયસન્સ પણ રદ કરી દેવામા આવ્યા હતા. આપણે જાણીએ જ છીએ કે, પુરવઠા વિભાગના આળતીયા-મળતીયાઓની મીલીભગત, ભ્રષ્ટ ભાગબટાઈ સિવાય સરકારી અનાજને સગેવગે કરવુ કપરૂં જ નહી અશક્ય જ બની રહે તેવુ કામ છે. હકીકતમાં તો જે દુકાનોમાંથી સરકારી અનાજની ઘટ્ટ દેખાય છે તે દુકનદારોના હંગામી લાયસન્સો રદ કરવાના બદલે તેમની સામે ફોજદારી રાહે જ કરવી જોઈએ કડક કાર્યવાહી તથા બોગસ રાશનકાર્ડના પ્રકરણો જયા ખુલે ત્યાં તો પાસા જેવી જ ધાબ બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ તો જરૂરીયતમંદોના સરકારી સસ્તા રાશન પર તરાપ મારનારા અને તેની કાળા બજારી કરનારા અમુક ધનેંડાઓ પર અંકુશ આવી શકે તેમ છે.

Comments