Trending News
સ્થાનિક સમાચાર

આજ્ઞા, મર્યાદા, આચાર્ય, સંઘ અને ધર્મમાં સમાયેલો છે મર્યાદા મહોત્સવનો સાર : આચાર્ય મહાશ્રમણજી

03 February


ભુજ : શહેરની ધરા પર ગુજરાતનો પ્રથમ અને જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘનો ૧૬૧મો મર્યાદા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. ભુજના ઐતિહાસિક સ્મૃતિવનના પ્રાંગણમાં બનેલા જય મર્યાદા સમવસરણમાં આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. સોમવારે મર્યાદા મહોત્સવનો બીજો દિવસ હતો. નિયત સમય અનુસાર તેરાપંથ ધર્મસંઘના અગીઆરમાં અનુશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અધ્યાત્મવેદતા આચાર્યશ્રી મહાશ્રમણજી મંચના મધ્યમાં વિરાજમાન થયા અને મંગલ મહામંત્રોચ્ચાર સાથે બીજા દિવસનું મંગલ પ્રારંભ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સૌથી પહેલા મુમુક્ષુ બહેનોએ પ્રસ્તુતિ આપી હતી અને ત્યારબાદ મુખ્યમુનિ મહાવીરકુમારજીએ ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ, તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અનુશાસ્તા, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ મર્યાદા મહોત્સવના બીજા દિવસે અમૃતમયી વાણી દ્વારા કહ્યું કે, પાંચ શબ્દો છે  આજ્ઞા, મર્યાદા, આચાર્ય, ગણ અને ધર્મ. આ પાંચ શબ્દોમાં મર્યાદા મહોત્સવ, સાધુતા અને સંઘટનની સફળતા સમાયેલ છે.તેમણે વધુમાં કહ્યું કે, હું આજ્ઞાની સમ્યક આરાધના કરીશ. આજ્ઞા પ્રત્યે સમર્પણભાવ સફળતાનું મહત્વપૂર્ણ સૂત્ર છે. જેની આજ્ઞાથી આજ્ઞાપાલકનું હિત થઈ શકે, તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જૈન આગમો અને શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેરાપંથ ધર્મસંઘમાં ૩૨ આગમો માન્ય છે. આજે તીર્થંકર ઉપસ્થિત નથી, તો આચાર્ય તેમના પ્રતિનિધિ રૂપે હોય છે, તેથી આચાર્યની આજ્ઞાને મહત્ત્વ આપવું જોઈએ. તેમણે આગળ ઉમેર્યું કે, આચાર્યની કઠોર દ્રષ્ટિને પણ સહન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સહનશક્તિ હીરા જેવી કઠોર હોવી જોઈએ, કાચ જેવી નબળી નહીં. ગુરુની કઠોર વાણી સહન કરનાર વ્યક્તિ ઉન્નતિ પામે છે. તેરાપંથ ધર્મસંઘમાં આચાર્યની આજ્ઞા ન તોડવાનો ત્યાગ મહત્વનો માનવામાં આવે છે.પાંચ મૂલ્યોઃ ૧. આજ્ઞાની આરાધના - આજ્ઞાપાલન સફળતાનું સૂત્ર છે. ૨. મર્યાદાઓ પ્રત્યે શ્રદ્ધા - મર્યાદાનું પાલન કરવાથી, મર્યાદા આપણું રક્ષણ કરે. ૩. આચાર્યની આરાધના - માત્ર આજ્ઞા જ નહીં, પરંતુ આચાર્યની ઇંગિત અને વાણીનું પણ માન રાખવું જોઈએ. ૪. ગણ (સંઘ)નું અનુસરણ - સંઘમાં છે, તો તેની સેવા કરવાની ભાવના રાખવી જોઈએ. ૫. ધર્મનો ત્યાગ નહીં કરવો - અહિંસા, સંયમ અને તપ રૂપે ધર્મને જાળવી રાખવો જોઈએ, ભલે શારીરિક જીવન છૂટે તો પણ તેનું પાલન કરવું જોઈએ.
આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું કે, આચાર્યશ્રી તુલસીએ મુનિશ્રી નથમલજી (આચાર્યશ્રી મહાપ્રજ્ઞ) ને તેમના યુવાચાર્ય બનાવ્યા હતા.ે મહાસુદ છઠ્ઠ આચાર્ય મહાપ્રજ્ઞજીનો આચાર્ય પદારોહણ દિવસ છે.આ વિશેષ દિવસની યાદ અપાવતા, તેમણે જણાવ્યું હતું કે, આચાર્ય તુલસીએ દિલ્હીમાં તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા હતા.
મંગલ પ્રવચન અને અનુસંધાનઃ આચાર્યશ્રી મહાશ્રમણજીએ પોતાના મંગલ આશીર્વાદ સાથે મર્યાદા મહોત્સવના બીજા દિવસના કાર્યક્રમનું સમાપન કર્યુ હતુ.આ પ્રસંગે તેરાપંથ સમાજ ભુજ-કચ્છ દ્વારા સમૂહગાન કરાયું હતુ,ભુજ સંલગ્ન મુનિશ્રી અનંતકુમારજીએ શ્રદ્ધાભિવ્યક્તિ આપી હતી અને ભુજ જ્ઞાનશાળા દ્વારા ભાવપૂર્ણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આવતા મર્યાદા મહોત્સવની જાહેરાત કરવામાં આવી કે વર્ષ ૨૦૨૬માં મર્યાદા મહોત્સવ નાની ખાટૂમાં યોજવામાં આવશે. આચાર્યશ્રીએ આ માટે આશીર્વાદ આપ્યા હતા. મર્યાદા મહોત્સવના બીજા દિવસે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી જ્યાં એક નવા ધર્મગૌરવના પ્રકરણની શરુઆત થઈ હતી અને ગુરુદેવના આશિર્વાદ મેળવ્યાં હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ દોઠસોની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ, સાધ્વી, સમણી ભગવંતો તથા મુમુક્ષુ ભાઈ-બહેનો તથા ઉપાસકોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કિર્તીભાઈના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ , યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કરછના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM