Trending News
સ્થાનિક સમાચાર

રાપર-ભચાઉમાં ફોર્મ ચકાસણીનો ધમધમાટઃ વાંધાઅરજીઓની સુનાવણી શરૂ 

03 February


આજે સાંજે માન્ય ઉમેદવારોની અંતિમ સૂચિ થશે જાહેર : રાપરમાં બેથી ત્રણ વાંધા અરજીઓ થઈ દાખલ : આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ : વાગડમાં રાજકીય ગરમાવો વધ્યો 


રાપર : કચ્છમાં પ્રથમ વખત ર૭ ટકા ઓબીસી અનામતની આગમનની અમલવારી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. વાગડની બે પાલિકાઓ ભચાઉ અને રાપર ઉપરાંત જિલ્લાની ૩ તાલુકા પંચાયત બેઠકો માટે પેટાચૂંટણી થશે. આજે ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં નામાંકન પત્રની ચકાસણી બાદ માન્ય ઉમેદવારોની અંતિમ સૂચિ જાહેર થશે. જો કે, આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોઈ પાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની ૩ બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોનું અંતિમ ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે. આજે રાપર ખાતે ચૂંટણી અધિકારી અંજાર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ રજૂ થયેલ ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારી શ્રી ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સવારથી રજૂ થયેલા ઉમેદવારી પત્રકની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી બેથી ત્રણ જેટલી વાંધા અરજીઓ રજુ થઈ છે, જેની સુનાવણી બપોરે ૧ઃ૩૦ કલાકે હાથ ધરાઈ છે. ફોર્મ ચકાસણી અને વાંધા અરજીઓની સુનાવણી બાદ પક્ષવાઈઝ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. માન્ય ઉમેદવારો આવતીકાલ સુધી પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે.  
રાપરમાં રજુ થયેલ કુલ્લ ૭૭ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ફોર્મ ચકાસણી વખતે નગરપાલિકાના ચૂંટણી અધિકારી સુરેશભાઈ, ચીફ ઓફીસર રવાજી જાડેજા, નાયબ મામલતદાર એસ.એસ. રાજપુત, મહેશ ઠક્કર, બી.આર. જાડેજા, વી. એ. મહેશ્વરી, જયેશ ચૌધરી, કે.સી. સુથાર, એસ.વી.જાસુરા, મહેશ સુથાર સહિતના અધિકારીઓ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાપર ઉપરાંત ભચાઉ ખાતે પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધીમાં માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. ભચાઉ અને રાપર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન તા. ૧૬મી ફેબ્રુઆરીના થશે. જયારે મત ગણતરી તા. ૧૮મી ફેબ્રુઆરીના હાથ ધરાશે. હાલે કચ્છમાં વાગડ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.

 

Comments

COMMENT / REPLY FROM