ઝરપરાના યુવાનનું અકસ્માતે મોત
પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે યુવાનના મોતથી અરેરાટી
મુંદરા : તાલુકાના ઝરપરા ગામે આયોજીત સમુહલગ્નની તડામાર તૈયારી ચાલતી હતી. તેવામાં જ અકસ્માતે ગામના યુવાનનું મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. ગઈકાલે ઝરપરાથી મુંદરા તરફ જતા રસ્તા પર રાસાપીર સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૪પ વર્ષિય પચાણ આસરિયા નામના યુવાનનું મોત થયું હતું. પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ યુવાનના મોતથી પરિવાર અને સમાજમાં શોક ફેલાયો હતો. લગ્નની શરણાઈના સૂર માતમમાં ફેલાઈ ગયા હતા. અકસ્માતના પગલે આક્રોશમાં આવેલ સ્થાનિકોએ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો.
મુંદરાથી ઝરપરા તરફનો આ માર્ગ અવાર નવાર જીવલેણ અકસ્માતોથી રક્ત રજીત થતો રહ્યો છે. પોર્ટ તરફથી આવતા ભારે વાહનોની સતત અવરજવરથી અવાર નવાર અકસ્માતો થતા રહે છે. આ રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી લાંબા સમયથી સ્થાનિકો કરી રહ્યા છે. પોર્ટ પ્રશાસન કે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં વધુ એક યુવાનનો અકસ્માતે ભોગ લીધો હતો.

Comments