ભુજમાં બોગસ દસ્તાવેજના આધારે બેંક ખાતા ખોલાવી સાઈબર ક્રાઈમના ગુના આચરતા બે શખ્સો ઝડપાયા
ભુજ એલસીબીએ રાજસ્થાનના બે કુખ્યાત શખ્સોને ઝડપી લીધા : આરોપીઓએ ૧૭ બેંકમાં ખોટા દસ્તાવેજ રજુ કરી ખાતા ખોલાવ્યા : ૪ર એટીએમ કાર્ડ, ર૬ પાસબુક, ૪૭ ચેકબુક સહિતના દસ્તાવેજો કરાયા કબ્જેઃ લોકો સાથે નાણાંકીય છેતરપિંડી કરી ચેકથી રૂપિયા ઉપાડી લેવાતા હોવાનું ખુલ્યું
ભુજ : હાલમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભુજ એલસીબીએ સપાટો બોલાવીને નાણાંકીય છેતરપિંડી આચરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. રાજસ્થાનના આ બે શખ્સો ભુજમાં રહી બોગસ દસ્તાવેજના આધારે અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ વખત આ પ્રમાણે મોટૂં કારસ્તાન ઝડપાયું છે.એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનના ઈસમો ખોટા સરનામાના આધારે આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી તેની મદદથી બેંકમાં ખાતા ખોલાવી ખોટા નામે દુકાનોના બનાવટ નામા ઉભા કરી તેના નામે બેંકમં ખાતુ ખોલાવતા હતા અને તેના આધારે ઉધયમ સર્ટીફિકેટ, લાઈટ બિલ, નોટરી જેવા બનાવટી દસ્તાવેજો બનાવી તેની મદદથી અલગ અલગ બેંકોમાં ચાલુ અને બચત ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાનો ઉપયોગ નાણાંકીય ઠગાઈ માટે કરવામાં આવ્યો હતો. ભુજના ભાનુશાલીનગરમાં આવેલ હરિરત્ન બિલ્ડિંગના ફલેટ નંબર ર૦૩માં દરોડો પાડીને રાજસ્થાનના શીશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ બિશ્નોઈ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ ફુલારામ બિશ્નોઈને ઝડપી લીધા હતા. આરોપી શીશપાલ સામે રાજસ્થાનના અલગ અલગ ૯ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ, પોક્સો સહિતની ગંભીર કલમો તળેના ગુના નોંધાયેલા છે. આ આરોપી રીઢો ગુનેગાર છે. દરોડા દરમિયાન તપાસ કરતા અલગ અલગ બેંકના ૪ર એટીએમ કાર્ડ, ર૬ પાસબુક, ૪૭ ચેકબુક તેમજ લેપટોપ, ૮ મોબાઈલ , ૧૬ આધારકાર્ડ, ૧૩ પાનકાર્ડ, પેનડ્રાઈવ, બે મકાનના ભાડા કરારની નકલ, ૩ દુકાનના પાર્ટનશીપનો કરાર, એક ઉધમ સર્ટીફિકેટ, બે લાઈટ બિલ તેમજ અલગ અલગ બેંક ખાતાની વિગતો લખેલ ર ડાયરી કબ્જે કરવામાં આવી હતી. આરોપીઓ આ બોગસ દસ્તાવેજની મદદથી અલગ અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરી આ ખાતામાં રૂપિયા જમા કરાવતા હતા. આ ખાતામાં જમા થયેલા રૂપિયા ચેકથી ઉપાડી આંગડીયા પેઢીમાં જઈ રાજસ્થાન મોકલતા હતા. બંને ઈસમો સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોની કોની સાથે ઠગાઈ કરી, કેટલા રૂપિયા રાજસ્થાન મોકલ્યા ? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
...........
ચાર બેંક ખાતામાં ર૧.૮૧ લાખ જમા થયા
બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોટીંગ પોર્ટલ પર ચેક કરતા ચાર ખાતામાં અલગ અલગ ૧૦ રાજ્યમાં ૧૧ પોલીસ ફરિયાદ થયેલી છે. તેમાં સાયબર ક્રાઈમના ર૧.૮૧ લાખ રૂપિયા જમા થયા છે. જે બાબતે ઓરિસ્સા અને તેલંગણામાં ફરિયાદ પણ નોંધાયેલી છે.
............
૧૭ બેંકમાં પપ ખાતા ખોલાવ્યા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા બે મહિનામાં આરોપીઓએ ખોટા દસ્તાવેજ આપીને ૧૭ બેંકમાં પપ ખાતા ખોલાવ્યા છે. સામાન્ય લોકો બેંકમં ખાતા ખોલાવવા જાય ત્યારે નિયમોની આંટીઘુટી રજૂ કરીને ધક્કે ચડાવી દેવામાં આવે છે. ત્યારે આ ખાતા નિયમ પ્રમાણે ખોલવામાં આવ્યા છે કે, કેમ ? તેની તપાસ કરવા સાથે બેંક મેનેજર અને ખાતા ખોલનાર બેંક કર્મચારીની પણ ઉલટ પુછપરછ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Comments